Friday, October 18News That Matters

કરમબેલામા 24 ગુંઠા જમીનના વિવાદને ઉકેલવા આવેલ સર્વેયર-પોલીસની હાજરીમાં બન્ને પક્ષો વચ્ચે 4 કલાકની રકઝક બાદ માપણી ટલ્લે ચડી

કરમબેલા ગામે નેશનલ હાઇવે નંબર 48 ટચ 24 ગુંઠા જમીનને લઈને ઉભા થયેલા વિવાદમાં સોમવારે માપણી માટે સર્વેયરની ટીમ સર્વે કરવા આવી હતી. જો કે, જમીનની માપણી દરમ્યાન જરૂરી દસ્તાવેજ સંદર્ભે બંને પક્ષો વચ્ચે સંકલન નહિ સંધાતા માપણી મુલત્વી રહી હતી. અને જમીન વિવાદનો ઉકેલ ફરી ટલ્લે ચડ્યો હતો. માપણી પ્રક્રિયા દરમ્યાન બને પક્ષો કાયદો વ્યવસ્થા જાળવે તે માટે ઉમરગામ પોલીસ ઇન્સ્પેકટર, ભિલાડ PSI સહિતનો કાફલો ઘટના સ્થળે ખડેપગે રહ્યો હતો. જેમની હાજરીમાં બંને પક્ષો વચ્ચે સતત 4 કલાક સુધી વાટાઘાટો ચાલ્યા બાદ પણ સર્જાયેલા મતભેદને કારણે માપણી પ્રક્રિયા અટકી ગઈ છે.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કરમબેલા ખાતે જમીનના સર્વે ને લઈને અને માલિકી હક્કને લઈ વિવાદ ઉભો થયો છે. રવિવારે બંને પક્ષોના વિવાદમાં પોલીસે દરમ્યાનગીરી કરી મામલો થાળે પાડવા પ્રયત્નો કર્યા હતાં. તો બને પક્ષના વડીલોએ ઉમરગામના ધારાસભ્ય સાથે બેઠક કરી હતી. બેઠકમાં જમીનના સાચા માલિક કોણ? જમીનના ખરા દસ્તાવેજ કોની પાસે છે? ક્યાં પક્ષના નામે આ જમીન છે? જમીનનો ખરો સર્વે નંબર કયો છે. 35/16 કે 36/1? તે અંગે સરકારી માપણી બોલાવી સર્વે કરવાની કાર્યવાહી પર આખરે બંને પક્ષો સહમત થયા હતાં.

જો કે, બીજા દિવસે બપોરે 4 વાગ્યે ઉમરગામ ભાજપના આગેવાનો સાથે જમીન માલિક નો દાવો કરતા પીનલ પટેલ અને તેમના પિતા-ભાઈ, કુટુંબીજનો વિવાદિત જમીન પર ઉપસ્થિત રહ્યા હતાં. જ્યાં તેમણે બોલાવેલ સર્વેયર પણ હાજર રહ્યા હતાં. જમીન સર્વેની કામગીરી શરૂ થાય તે દરમ્યાન બંને પક્ષોએ પોતપોતાના જમીનના દસ્તાવેજ રજૂ કર્યા હતાં. જેમાં પીનલ પટેલ તરફથી દસ્તાવેજની ઝેરોક્ષ કોપી રજૂ કરી હોય બિશ્ર્નોઈ સમાજના ગુરુ જમ્ભેશ્વર સેવા સંસ્થાન ના હાલના ડાયરેકટર અશોક બીશ્નોઈ અને અન્ય ડિરેકટર એવા રમેશ બીશ્નોઈ, ગંગારામ બીશ્નોઈએ પોતાની નારાજગી બતાવી ઓરીજનલ દસ્તાવેજ અને જમીનની ચતુષ્કોણીય દિશાઓનો ઉલ્લેખ હોય તે દસ્તાવેજ રજૂ કર્યા બાદ માપણી પ્રક્રિયા કરવી તેવો આગ્રહ રાખતા માપણી પ્રક્રિયા ટલ્લે ચડી હતી.


વલસાડ જિલ્લાના કરમબેલા ગામ ખાતે નેશનલ હાઇવેને અડીને આવેલ સર્વે નંબર 35/16 વાળી જમીનના 24 ગુંઠા જમીન 06/04/2018ના મૂળ માલિક સંજય મોહનલાલ પાસેથી સંસ્થાએ ખરીદી હોવાની વાત પર તેઓ અડગ રહ્યા હતાં. સામે પક્ષે કરમબેલે ગામના ખાતેદાર પીનલ પટેલ અને તેના કુટુંબીજનો આ જમીન સર્વે નંબર 36/1 વાળી જમીન હોવા પર અડગ રહ્યા હતાં. જમીન માપણી માટે આવેલ સર્વેયરો પાસે પણ અધૂરા ડોક્યુમેન્ટ હોવાનો અને બોગસ સર્વેયર હોવાની શંકા સંસ્થાના ડાયરેક્ટરોએ સેવી હતી.

આખરે બંને વચ્ચે મામલો બીચકે અને કાયદો વ્યવસ્થાનો ભંગ થાય તેવી દહેશત જોતા ઉમરગામ પોલીસ મથકના PI ટી. એ. દેસાઈ, ભિલાડ પોલીસ મથકના PSI સંદીપ સુસલાદે પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે ધસી આવ્યા હતાં. પોલીસે બને પક્ષોને કાયદો વ્યવસ્થા જાળવવા ચેતવણી આપી બંને પક્ષોના આગેવાનોની વાત સાંભળી હતી. બંને પક્ષો જમીન માપણી અંગે અથવા સમાધાનના અન્ય ઉકેલ અંગે સહમત થાય તેવા પ્રયાસો પોલીસે કર્યા હતાં. પરંતુ બંને પક્ષો પોતપોતાની રજુઆત પર અડગ રહેતા આખરે 4 કલાક ચાલેલી મેરેથોન વાટાઘાટો બાદ પણ મામલો થાળે પડ્યો નહોતો. બને પક્ષોએ જમીન પર પોતાનો હક્ક દાવો યથાવત રાખ્યો હતો. જેથી માપણી પ્રક્રિયા મુલત્વી રહી હતી. બંને પક્ષો મંગળવારે ફરી આ મામલે એકઠા થઇ કોઈ ચોક્કસ નિર્ણય પર આવે તેવી વાતચીતના અંતે મોડી રાત્રે છુટ્ટા પડ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, આ જમીનનો વિવાદ સર્વે નંબર ને અને સ્થળને લઈ ને છે. હકીકતે જે પક્ષ આ જમીનને જે સર્વે નંબર આધારે પોતાની ગણી રહ્યા છે તે સર્વે નંબર મુજબ તેમની જમીન અન્ય સ્થળે છે. તેવા આક્ષેપ પ્રતિઆક્ષેપ હોય જમીન નો મૂળ વિવાદ સ્થળને લઈને છે. જેમાં આ જમીન પર બંને પક્ષ પોતાનો દાવો કરી રહ્યા છે. ગુરુ જમ્ભેશ્વર સેવા સંસ્થાનની સ્થાપના વાપીમાં રોજગાર અર્થે સ્થાઇ થયેલ બીશ્નોઈ સમાજે કરી છે. જેમાં રમેશભાઈ બીશ્નોઈ, નરેશભાઈ બીશ્નોઈ, બાબુભાઇ બીશ્નોઈ સહિત કુલ 15 ડાયરેક્ટરો છે. હાલ જમીનના વિવાદને લઈ તમામ ડાયરેક્ટરો કામધંધો છોડી આ જમીન પર ડેરા તંબુ તાણી ને બેઠા છે. તેમની માંગ છે કે જ્યાં સુધી આ જમીનનો કોઈ યોગ્ય ઉકેલ નહિ આવે ત્યાં સુધી તેઓ અહીં જ બેસી રહેશે. ત્યારે, હવે સરકારી માપણી પ્રક્રિયા પણ ટલ્લે ચડતા જમીન પરનો માલિકી હક્ક દાવા નો અંત આવવાને બદલે વધુ ગૂંચવાયો છે.

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *