વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસે મોટર વાહન એક્ટ હેઠળ એક જીપ માલિક સામે કાર્યવાહી હાથ ધરી છે. 4×4 જીપને મોડિફાઇડ કરવા સાથે જીપમાં મોટા ટાયર લગાવવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા ટ્રાફિક પોલીસે જીપને ડિટેઇન કરી GIDC પોલીસ ને સુપ્રત કરી છે. જીપ માલિક ને કલમ 207 હેઠળ RTO મેમો આપ્યો છે. જિલ્લા ટ્રાફિક પોલીસે મોટર વાહન અધિનિયમ હેઠળ જીપ માલિક સામે IPC 182 (એ), 179, 177 કાર્યવાહી હાથ ધરી છે.
વાપી GIDC પોલીસ મથક બહાર પડેલ આ જીપનો નંબર GJ23-H-3558 છે. જે વાપીના ડુંગરી ફળિયાના મિલ્લત નગરમાં રહેતા શેહબાજ અઝીઝ એહમદ નામના વ્યક્તિની છે. જીપ ડિટેઇન થયા બાદ આ અંગે જીપ માલિક શાહરુખ પઠાણ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ જીપ તેમણે ત્રણેક મહિના પહેલા જ ખરીદી છે. જીપ લગ્ન સમારંભ અને અન્ય વરઘોડાના પ્રસંગમાં ભાડે આપવાના અને અન્ય ઉપયોગ માટે ખરીદી છે.
જીપમાં મોટા ટાયર લગાવવો ગુન્હો હોવાની જાણકારીથી અજાણ હોવાનો ખુલાસો કરતા તેમણે જણાવ્યું હતું કે, આ જીપ ખરીદવી તેમને મોંઘી પડી છે. જીપના મોટા ટાયર ને કારણે RTO અને પોલીસ નો સામનો કરવો પડી રહ્યો છે. જેનાથી કંટાળીને તે જીપ ને વેચી દેવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે, મોટેભાગે નેતાઓના વિજય સરઘસમાં, લગ્ન પ્રસંગમાં, નેતાઓના સ્વાગતમાં, ધાર્મિક કાર્યક્રમોમાં આવી મોડિફાઇડ કરેલી ખુલ્લી જીપમાં સવારી કરવાનો ક્રેઝ નેતાઓમાં અને અન્ય યુવાનોમાં છે. ત્યારે, GIDC પોલીસ મથક બહાર આ ખુલ્લી જીપને જોઈ લોકોમાં અચરજ સર્જાયું છે.
આ ખુલ્લી અને મોટા ટાયર વાળી મોડિફાઇડ જીપને જિલ્લા ટ્રાફિક પોલીસે ડિટેઇન કરી જે કલમ લગાવી છે. તે કલમ અંગે વિગતો જોઈએ તો, મોટર વાહન અધિનિયમ 182 (એ) મુજબ તેના માલિક સામે 1 વર્ષ સુધીના કારાવાસ ની અને 1 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. બાકીની કલમ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવું અને ટ્રાફિક પોલીસને સહયોગ આપવાને બદલે ગેરવર્તાવ કરવો તે અંગે છે.