વાપીમાંથી પસાર થતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 પર છેલ્લા 2 દિવસથી ભારે ટ્રાફિક જામ રહેતા તેના નિરાકરણ માટે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ વાપી ડિવિઝનના DySP બી. એન. દવે સાથે ગુજરાત મહારાષ્ટ્ર સરહદે આવેલ નંદીગ્રામ-તલાસરી ચેકપોસ્ટની મુલાકાત લીધી હતી. જેઓએ ટ્રાફિકના નિરાકરણ માટે હાઇવે પર બ્રિજ બનાવનાર કોન્ટ્રકટર, પાલઘરના તલાસરી પોલીસના અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું. આ અંગે જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી મહારાષ્ટ્ર-ગુજરાત સરહદે આવેલ સહ્યાદ્રી રિસોર્ટ ની સામે નેશનલ હાઇવે નંબર 48 પર બની રહેલી બ્રિજની કામગીરીથી ટ્રાફિક સમસ્યા ઉદ્ભવી હતી. હાઇવે પર 10 કિલોમીટર સુધીની લાંબી વાહનોની કતારો લાગી હતી. જે ધ્યાને આવ્યા બાદ ટ્રાફિકના સુચારુ આયોજન સાથે તલાસરી પોલીસની તેમજ ભીલાડ પોલીસની સંયુક્ત ટીમ દ્વારા ટ્રાફિકનું નિયમન કર્યું હતું. તે દરમિયાન તેઓએ પણ સ્થળ વિઝીટ કરી હતી.
જે અનુસંધાને બુધવારે ફરી વાપી ડિવિઝનના DySP બી. એન. દવે સાથે નંદીગ્રામ-તલાસરી ચેકપોસ્ટ પાસે સહ્યાદ્રી હોટેલ સામે બની રહેલ બ્રિજની મુલાકાત લીધી હતી. બ્રિજનું કામ કરતાં કોન્ટ્રાક્ટરને જરૂરી સૂચનાઓ આપી હતી. આ મુલાકાત દરમિયાન જાણકારી મળી હતી કે, અહીં નો નેશનલ હાઇવે હાલ ચોમાસામાં ખૂબ જ બિસ્માર બન્યો છે. એવામાં બ્રિજના કોન્ટ્રકટરે નિર્માણ સામગ્રી પણ વાહનોને અડચણરૂપ થાય તેવી રીતે રાખી હતી. જેથી પાલઘર જિલ્લાના તલાસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા આ રસ્તા પર વાહનવ્યવહાર સારી રીતે ચાલે તે અંગે પોલીસ સાથે તેમજ કોન્ટ્રકટર સાથે ચર્ચા કરી હતી.
હાઇવે પર ભારે વાહનોની મુવમેન્ટ થઈ શકતી ના હોય વાહનોની લાંબી કતારો લાગતી હતી. જે સળંગ બે દિવસ સુધી આ સ્થિતિ રહ્યા બાદ આનું નિરાકરણ લાવવા વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે પણ જરૂરી ચર્ચા કરી હતી.
જિલ્લા પોલીસ વડાએ હાઇવે પર જે બે લેન પર ભારે વાહનો પસાર થઈ રહ્યા છે. તેને હોલ્ટ કરાવી હળવા વાહનોનું આવાગમન શરૂ રાખવા પોલીસને સૂચના આપી હતી. જેથી ગત રાત્રે પોલીસે પોતાની ફરજ બજાવી રસ્તા પરનું ટ્રાફિક ભારણ હળવું કર્યું હતું.
રસ્તાની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરનું માલ મટીરીયલ પણ અડચણરૂપ ના બને સમયાંતરે તેની કામગીરી સાથે વાહનવ્યવહાર પણ યથાવત રહે તેવી સૂચના આપી હતી. તો, તૂટેલો રસ્તો વહેલી તકે રિપેર કરવાની ખાતરી કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવી હતી. હાલ આ નેશનલ હાઇવે નંબર 48 પર વાહન વ્યવહાર યથાવત હોય વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે.