સરીગામ :- વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રવિવારે સવારે 6 થી 10 વાગ્યા દરમ્યાન વરસેલા જોરદાર વરસાદમાં સરીગામ GIDC માં મદુરા અને વેસ્ટર્ન કંપનીના વળાંકમાં તેમજ JBF કંપની નજીક પાણીમાં તણાયેલ બાઇક-કાર સહિત 15 લોકોને ફાયરે રેસ્ક્યુ કર્યા હતાં. જ્યારે એક કાર પાણીમાં 1 કિલોમીટર સુધી તણાઈ હતી. જ્યાંથી ફાયરના જવાનોએ તેને બહાર કાઢી હતી. વલસાડ જિલ્લાના સરીગામ GIDC માં ભારે વરસાદે સમગ્ર વિસ્તારને કમરસમાં પાણીમાં ગરકાવ કરી દીધો હતો.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રવિવારે મેઘરાજાએ પોતાના રૌદ્ર સ્વરૂપનો પરચો બતાવ્યો હતો. માત્ર 4 કલાકમાં જ 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર પાણી ભરાયા હતાં. એવામાં સરીગામ GIDC વિસ્તારમાં વરસાદી પાણીના વહેણ પર ઉભી કરેલી ઇમારતો અને ઔદ્યોગિક એકમોને કારણે કમર સુધીના પાણી ભરાયા હતાં. સરીગામ GIDC માં વેસ્ટર્ન કંપની અને મદુરા કંપની નજીકના વળાંકમાં અને JBF કંપની નજીકના કુદરતી વહેંણ પર બાંધકામ ખડકી દીધા બાદ કમર સુધીના પાણી ફરી વળ્યાં હતાં. જે પાણીમાંથી પસાર થવાનું સાહસ કરનારા 15 લોકો તણાયા હતાં. સરીગામ ફાયર વિભાગના ફાયર ઓફિસર સનત સોનીએ જણાવ્યું હતું કે અહીં કેટલાક લોકો કાર અને બાઇક સાથે તણાયા હતાં. એટલે તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં JBF કંપની પાસે 2 બાઇક સવાર અને એક સાયકલ સવારને રેસ્ક્યુ કર્યા હતાં. જ્યારે વેસ્ટર્ન કંપની અને મદુરા કંપનીના વળાંક માં નાળામાંથી 5 વાહનો અને 12 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું હતું.
એક વેગનાર કાર પાણીના વહેણમાં 1 કિલોમીટર સુધી તણાઈ હતી. જ્યાંથી તેને શોધીને તેના માલિકને સુપ્રત કરાઈ હતી. આ તમામ વાહનો સાથે લોકો સવારે કંપનીઓ માં કામ કરવા નીકળ્યા હતા ત્યારે તણાયા હતા. ભારે વરસાદમાં શરદ શિંદે નામના કાર ચાલકની વેગન આર કાર પાણીમાં તણાઈ હતી. જે છેક સાંજે 5 વાગ્યે એક કિલોમીટર દૂરથી મળી આવી હતી. ફૈઝલ નામનો સેલવાસનો બાઇક ચાલક પણ આ વહેણમાં તણાયો હતો. અને બાઇક સમેત નાળામાં ફસાઈ ગયો હતો. જેમને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી લેવાયો હતો.
ઉલ્લેખનીય છે કે સરીગામ બાયપાસ ઉપર મદુરા અને વેસ્ટર્ન કંપનીની બાજુમાં એક કુદરતી વહેણ છે. આ ટર્નિંગ પોઇન્ટ પર એક નાનો બ્રિજ બનાવવામાં આવ્યો છે. એટલે ત્યાં ભરાયેલા પાણીને કારણે વાહનચાલકો રસ્તાનો કયાસ કાઢી શક્યા નહોતા અને નોકરી પર જલ્દી પહોંચવાની લ્હાય માં પાણીમાં બાઇક-કાર સાથે તણાયા હતાં. જો કે આ વિસ્તારમાં આવેલી કંપનીઓએ કુદરતી વ્હેણ પર જ બાંધકામ કરી દીધા હોય ભારે વરસાદમાં આ હાલાકી લોકોએ સહન કરવી પડી છે. ત્યારે, તંત્ર વહેલી તકે આવા ઔદ્યોગિક એકમો સામે કાર્યવાહી કરી કુદરતી વહેણને ખુલ્લા કરે તેવી માંગ સ્થાનિક ગામલોકોમાં ઉઠી છે.