વલસાડ :- હાલ લોકો જ્ઞાન મેળવવા ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. મોબાઈલ અનેક રીતે ઉપયોગી છે. મોટાભાગના વિદ્યાર્થીઓ મોબાઈલ પર જ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. ત્યારે માતાપિતાએ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ઉમરગામ તાલુકાના સંજાણમાં 14 વર્ષની સગીરા સાથે સોશ્યલ મીડિયાના સ્નેપચેટ પ્લેટફોર્મના માધ્યમથી મિત્રતા કેળવી એક 21 વર્ષીય મુસ્લિમ યુવકે સગીરાને ઘરે બોલાવી બળજબરીથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની ચોંકાવનારી ફરિયાદ ઉમરગામ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સગીરવયના બાળકો માટે સોશ્યલ મીડિયા કેટલું ઘાતક છે. તેનો વધુ એક કિસ્સો વલસાડ જિલ્લાના સંજાણ ખાતે બન્યો છે. અહીં 14 વર્ષની સગીરા સાથે સોશ્યલ મીડિયાના સ્નેપચેટ પ્લેટફોર્મના માધ્યમથી મિત્રતા કેળવી એક 21 વર્ષીય મુસ્લિમ યુવકે સગીરાને ઘરે બોલાવી બળજબરીથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની ફરિયાદ ઉમરગામ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસવડા રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સંજાણ માં રહેતા અને કંપનીમાં નોકરી કરતા 21 વર્ષના આદિલ નૂર મહંમદ અલબલુચી નામના યુવકે સંજાણમાં રહેતી 14 વર્ષની સગીરા સાથે સ્નેપચેટ ના માધ્યમથી મિત્રતા કેળવી હતી. જે બાદ તેને પોતાના ઘરે બોલાવી એકલતાનો લાભ લઇ તેના શરીરે અડપલાં કરી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.
આવી ઘટના અન્ય પરિવારોમાં ના બને તે માટે રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે 18 વર્ષથી નીચેના અભ્યાસ કરતા બાળકો જ્ઞાન મેળવવા ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. મોટાભાગના વિદ્યાર્થીઓ મોબાઈલ પર જ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. ત્યારે માતાપિતાએ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કે તેમનું બાળક ઓનલાઈન અભ્યાસ પૂરો કર્યા બાદ અન્ય સોશ્યલ મીડિયા જેવા કે ફેસબુક, વોટ્સએપ, ટ્વીટર, સ્નેપચેટમાં કોની સાથે વાતચીત કરે છે.
દરેક મોબાઈલમાં એ માટે બની શકે તો એન્ડ્રોઇડ અને iOS સિસ્ટમમાં સામેલ પેરેન્ટ્સ કન્ટ્રોલ ઓપ્શનનો ઉપયોગ કરે. જેથી બાળક સોશ્યલ મીડિયાના માધ્યમથી કોઈ અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવે તો સાવચેતી દાખવી તેને ભોગ બનતા અટકાવી શકાય છે.
મોબાઈલમાં એ માટે ગૂગલ પ્લે સ્ટોરની મદદથી family link (ફેમિલી લિંક) ડાઉનલોડ કરીને તેમાં બતાવેલા ઓપશન મુજબ માતાપિતા તેમના બાળકના મોબાઇલ પર કન્ટ્રોલ રાખી શકે છે. તેમાં ખાસ એપને ડાઉનલોડ કરતા રોકી શકાય છે. એ ઉપરાંત પોતાના મોબાઈલથી બાળકના મોબાઈલમાં વોટ્સએપ કે અન્ય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ, ગેમ પર કન્ટ્રોલ કરી તેને બ્લોક કરી શકાય છે. ટાઈમ લિમિટ સેટ કરી શકાય છે.