વલસાડ જિલ્લામાં ઉઠેલો રિવરલીન્ક પ્રોજેક્ટનો વિરોધ હવે લોકસભા સુધી પહોંચ્યો છે. આ પ્રોજેકટથી 75 ગામના 35 હજાર લોકો વિસ્થાપિત થશે. તેમનો ધંધો રોજગાર, બાળકોનું શિક્ષણ ખોરવાશે તેવી વાતો કરી આ પ્રોજેકટ નો વિરોધ થઈ રહ્યો છે. પરંતુ એક વાત એ પણ એટલી જ સાચી છે કે ગુજરાત માં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં દરિયામાં વહી જતા પાણીને બચાવવા આ પ્રકારના પ્રોજેકટ હાથ ધરવા જરૂરી છે. જો કે એ માટે સરકારે લોકોને આ આયોજનનો તમામ ખ્યાલ આપવો જરૂરી છે. અને જરૂર પડ્યે વિસ્થાપિત થનારા ગ્રામજનો માટે સુરક્ષિત સ્થળે આખું ટાઉન ઉભું કરી તેમાં પાયાગત તમામ સુવિધાઓ આપી ત્યાર બાદ આ પ્રોજેકટ ને આગળ ધપાવવો જોઈએ
ધરામપુરમાં આકાર લેનારા સૂચિત પાર-તાપી-નર્મદા રિવરલીન્ક પ્રોજેકટ થી હજારો આદિવાસી પરિવારોના જીવન પર અનેક પ્રકારની માઠી અસર થશે તેવી રજુઆત દાદરા નગર હવેલીના શિવસેના સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં કરી છે. સાંસદ કલાબેન ડેલકરે આ સૂચિત પરિયોજના પર ભારત સરકારનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, જ્યાં ડેમનું નિર્માણ કરવાની વાતો ચાલી રહી તે તેમની જન્મભૂમિ છે. આ પરિયોજના સાકાર થશે તો લોકોને ભારે નુકસાન થશે. 75 જેટલાં ગામો અને અને તેમાં વસતા 35 હજાર જેટલાં પરિવારોના જીવન પર અનેક પ્રકારની માઠી અસર થશે. લોકો બેરોજગાર થશે, બાળકોના શિક્ષણ પર અસર થશે. જળ -જંગલ-જમીન પર વર્ષોથી અહીંના લોકોનો અધિકાર છે. આદિવાસી વિસ્તાર હોવાથી લોકો ખેતી પર નિર્ભર છે તેઓને વિસ્થાપિત થવું પડશે. લોકો ખેતી સાથે ઘર વિહોણા બની જશે. પ્રાણી અને વન્ય જીવોની સાથે પર્યાવરણ પર પણ અસર થશે. આ યોજના તાત્કાલિક રદ કરવામાં આવે તેવી વિનંતી ભારત સરકારને કરી છે.
તો, આ તરફ ગુજરાતમાં પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેકટને લઈને છેલ્લા 2 મહિનાથી વલસાડ-નવસારી-ડાંગ જિલ્લાના ધરમપુર, કપરાડા, વાંસદા, આહવા સહિતના વિસ્તારોના આદિવાસી સમાજના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. જે મામલે 25મી માર્ચે આદિવાસી સમાજના હજારો લોકોએ ગાંધીનગર માં એકત્ર થઈ કોંગ્રેસી આગેવાનો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં હાલ પાર-તાપી-નર્મદા રિવરલીન્ક પ્રોજેકટને લઈને ગામલોકોમાં વિરોધનો સુર ઉઠ્યો છે. ધરમપુર તાલુકાના ગુદિયા, સાતવાંકલ, ખડકી, મધુરી, ચવરા, પૈખેડ, રુંઈપાડા, ચીકલપાડા, ખપાટીયા, ચાસ માંડવા ગામોમાં ગામલોકો મશાલ રેલી કાઢીને, બેઠકોનો દૌર ચલાવીને કે આવેદનપત્ર આપીને વિરોધ કરી રહ્યા છે. ગામલોકો મુખ્યત્વે આ રિવરલીન્ક પ્રોજેકટ અંતર્ગત ચાસ માંડવા પૈખડ નજીક બનનનાર સૂચિત ડેમનો વિરોધ કરી રહ્યા છે.
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના મધુબન ડેમ અને દમણગંગા જળાશયમાંથી ચોમાસામાં જળસંચયના યોગ્ય આયોજનના અભાવે અબજો લીટર પાણી દર વર્ષે અરબસાગર માં ભળી જાય છે. આ પાણીનો સદ્ ઉપયોગ કરવા માટે નદીઓના જોડાણની નીતિ અમલમાં મુકાઈ છે. આ અંગે 1લી ફેબ્રુઆરી 2022ના દેશના નાણાપ્રધાન નિર્મલા સીતારામને રજૂ કરેલ બજેટમાં રિવર લીંક પ્રોજેકટની જાહેરાત કરી છે. દેશની પાંચ નદીઓના જોડાણમાં વલસાડ જિલ્લાની મહત્વની ગણાતી દમણગંગા નદીને તાપી-નર્મદા સાથે જોડી રિવર લિંક પ્રોજેકટ સ્થાપવામાં આવશે. જ્યારે એ પહેલાથી મહારાષ્ટ્રના પિંજલ-પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેકટ ની જાહેરાત થઈ ચૂકી છે. જેનો ઉદ્દેશ્ય દરિયામાં વહી જતા અબજો લીટર પાણીને બચાવી ખેતી અને વીજળી ક્ષેત્રે ઉપયોગમાં લેવાનો ઉદ્દેશ્ય સરકારનો છે.
એકલા કપરડાની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ વરસાદ અહીં પડે છે. તેમ છતાં દર વર્ષે ચોમાસામાં અહીં જ સૌથી મોટી પાણીની તંગી પડે છે. આ તંગી નિવારવા સરકારે નાના ચેકડેમો બનાવવા અનિવાર્ય છે. સાથે જ એકાદ મોટો ડેમ બનાવવો પણ જરૂરી છે. ચેક ડેમમાં કોઈ ગામના લોકોએ વિસ્થાપિત થવું નહિ પડે તેની ચોખવટ સરકારે કરી છે. મોટા ડેમ બનાવવામાં આવે તો અંદાજિત 75 ગામના 35 હજાર લોકો વિસ્થાપિત થાય, ભૂતકાળમાં મધુબન ડેમ નિર્માણ થયો ત્યારે અવાજ જ 30 હજાર લોકો વિસ્થાપિત થયા હતા જેમાંના કેટલાક ને હજુ સુધી વળતર નથી મળ્યું તો એ વખતે વિસ્થાપન થયેલા લોકો જ આ નવા પ્રોજેકટમાં ફરી વિસ્થાપિત થઈ રહ્યા છે. એટલે સરકારે તેમને યોગ્ય સ્થળે વિસ્થાપિત કરતા પહેલા તમામ પ્રકારની સુવિધાઓ થી સજ્જ ટાઉન બનાવી ને આપવું જોઈએ જો સરકાર એ કરી શકે તો જ તેમનો પાણી બચાવવાનો અને ગુજરાતને ખેતી ક્ષેત્રે, વીજળી ક્ષેત્રે સમૃદ્ધ રાજ્ય બનાવવાનો ઉદ્દેશ્ય પાર પડશે. બાકી તો ભોળા આદિવાસીઓનો ઉપયોગ રાજકારણીઓ પોતાના લાભ માટે કરતા રહેશે પણ ભલું ભગવાન સિવાય કોઈ નહિ કરે.