Friday, October 18News That Matters

વલસાડમાં સીઝનના કુલ વરસાદની સામે 54 ટકા, દાદરા નગર હવેલી અને દમણમાં 40 ટકા થી વધુ વરસાદ, મેઘરાજાની મહેરથી જિલ્લો અને સંઘપ્રદેશ તરબોળ 

ગુજરાત અને સંઘપ્રદેશમાં આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ખૂબ જ સારો વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં 10મી ઓગસ્ટ સુધી સિઝનના વરસતા કુલ વરસાદ સામે આ વર્ષે 31 ટકા વધુ વરસાદ વરસ્યો છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં 40 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. તો, વલસાડ જિલ્લામાં પણ સીઝનના સરેરાશ વરસાદ સામે 54 ટકાથી વધુ આકાશી પાણી વરસી ચૂક્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ 10મી ઓગષ્ટથી આગામી 15મી ઓગસ્ટ સુધીમાં ભારે થી અતિભારે વરસાદ વરસવાની આગાહી છે. આ આગાહી મુજબ વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. બુધવારે વહેલી સવારથી સાંજ સુધી છુટોછવાયો વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે. અચાનક પવનના જોર સાથે વરસતા વરસાદમાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
વલસાડ જિલ્લામાં ચાલુ વર્ષે સીઝનના કુલ વરસાદની વાત કરીએ તો દર વર્ષની સરખામણીએ 10 ઓગસ્ટ સુધીમાં નોંધાતા કુલ વરસાદની સરખામણીએ આ વર્ષે 56 ટકા થી વધુ વરસાદ વરસી ચુક્યો છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં પણ સીઝનના સરેરાશ વરસાદ સામે 39 ટકા વધુ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં તાલુકા મુજબના કુલ વરસાદની વિગતો જોઈએ તો, ઉમરગામ તાલુકામાં 1721mm, કપરાડા તાલુકામાં સૌથી વધુ 3144mm, ધરમપુર તાલુકામાં 2542mm, પારડી તાલુકામાં 2010mm, વલસાડ તાલુકામાં 1848mm જ્યારે વાપી તાલુકામાં 2118mm વરસાદ નોંધાયો છે.
જ્યારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની વિગતો જોઈએ તો, દાદરા નગર હવેલીના સેલવાસમાં 2297mm, ખાનવેલમાં 2117mm વરસાદ નોંધાયો છે. દમણમાં સિઝનનો કુલ 2195mm વરસાદ નોંધાયો છે. સારા વરસાદને કારણે જિલ્લો વરસાદી પાણીથી તરબોળ બન્યો છે. નદી-નાળા બે કાંઠે વહેતા થયા છે. જિલ્લાના સૌથી મોટા ડેમ મધુબન ડેમમાં પાણીની સપાટી 72.05 મીટર સુધી પહોંચી છે. ડેમના રુલ લેવલને જાળવવા ડેમમાં થતી 8646 ક્યુસેક પાણીની આવક સામે 8513 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે ગુજરાતમાં અનરાધાર વરસેલા વરસાદે કેટલાક જિલ્લાઓમાં ભારે તારાજી સર્જી છે. વલસાડ જિલ્લામાં પણ વરસાદના પુરમાં અનેક વિસ્તારના રહેવાસીઓ બેઘર બન્યા હતાં. ત્યારે વલસાડની જેમ ગુજરાતના કચ્છ જિલ્લામાં સીઝનના સરેરાશ વરસાદ સામે અત્યાર સુધીમાં 103 ટકા વધુ વરસાદ વરસાદ વરસ્યો છે. નર્મદા જિલ્લામાં 83 ટકા વધુ વરસાદ વરસ્યો છે. દ્વારકા જિલ્લામાં 80 ટકા વધુ વરસાદ વરસ્યો છે. તો અન્ય કેટલાક જિલ્લાઓમાં સીઝનના કુલ વરસાદની સામે 1 ટકાથી 34 ટકા સુધી ઓછો વરસાદ વરસ્યો છે. જેમાં દાહોદમાં સૌથી ઓછો 34 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે ગાંધીનગર જિલ્લામાં પણ સીઝનના કુલ વરસાદ સામે સરેરાશ 26 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *