વલસાડ પોસ્ટલ ડિવિઝન દ્વારા સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસમાં “જન કલ્યાણકારી યોજના પ્રોત્સાહક કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના જન્મદિવસના શુભ અવસરે આયોજિત આ કાર્યક્રમ માં ભારત સરકારના સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા દાદરા-નગર હવેલી અને દમણ-દિવના પ્રશાસક પ્રફુલ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં, પોસ્ટલ સ્ટાફ તેમજ આ વિસ્તારના લોકોને પોસ્ટ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા, ખાસ કરીને વડાપ્રધાન દ્વારા શરુ કરવામાં આવેલી વિવિધ યોજનાઓ જેવી કે પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ એવી યોજનાઓ છે જે નજીવી રકમ ચૂકવીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે વધુ ફાયદાકારક છે. આ યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવાના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી. સંચાર રાજ્ય મંત્રી દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પોસ્ટલ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ યોજનાઓ હેઠળ વધુમાં વધુ સામાન્ય લોકોને આવરી લેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
“બેટી બચાવો બેટી પઢાવો અભિયાન” ના ભાગ રૂપે વડાપ્રધાન દ્વારા વર્ષ 2014 માં શરૂ કરાયેલી સૌથી વધુ પ્રશંસાપાત્ર યોજના “સુકન્યા સમૃદ્ધિ યોજના”નો પણ પ્રચાર કરવામાં આવ્યો હતો. સંચાર રાજ્ય મંત્રી દ્વારા બાળાઓને SSY ખાતાની પાસબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં, આ વિશિષ્ટ યોજનામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોસ્ટલ કર્મચારીઓને સંચાર રાજ્ય મંત્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે આ ખાસ યોજના માટે “મારી દીકરી સમૃદ્ધ દીકરી” ઝુંબેશ શરૂ કરી હતી, જે અંતર્ગત અને તેમના અમૂલ્ય માર્ગદર્શનથી, ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા લોકોના ઘરે ઘરે જઈને 2,65,844 જેટલા ખાતા ખોલવામાં આવ્યા છે અને આ રીતે ગુજરાત પોસ્ટલ સર્કલે 11,60,102 જેટલા SSA ખાતાઓનો માઈલસ્ટોન હાંસલ કર્યો છે.
વડાપ્રધાન દ્વારા ગ્રામીણ વિસ્તારોના નાણાકીય સમાવેશની દીર્ઘ દ્રષ્ટી સાથે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની શરૂઆત કરવામાં આવી હતી. IPPB દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ યોજનાઓ અને સેવાઓનો લાભ આપવા માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા ટપાલ કર્મચારીઓની પ્રશંસા કરવામાં આવી હતી અને આ સંદર્ભે વધુ પ્રયત્નો કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
તદુપરાંત, વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે, વડાપ્રધાનના સન્માન અને ભેટ તરીકે ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 21,662 SSA ખાતા અને 6845 PMSBY સબ્સ્ક્રિપ્શન્સ ખોલવામાં આવ્યા છે.
આ પ્રસંગે ITI ખાનવેલમાં નવા પ્રવેશ પામેલા તાલીમાર્થીઓનું “તિલક અને ગુડ સમારોહ” દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. દાદરા-નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક દ્વારા પ્રવેશ પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે માનનીય પ્રશાસકના કેન્દ્રિત પ્રયાસોને કારણે ITI ખાનવેલની સ્થાપના અને કાર્યરત બને શકી છે. આસપાસના આદિવાસી ગામોના વિદ્યાર્થીઓ/પ્રશિક્ષણાર્થીઓ એટલે કે માંદોની, સિંદોની, દુધની અને ખેરંડી અને ખાનવેલને આ ITI દ્વારા લાભ મળશે.
આ પ્રસંગે જીતેન્દ્ર ગુપ્તા, ચીફ પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલ, પ્રીતી અગ્રવાલ, પોસ્ટ માસ્ટર જનરલ દક્ષિણ ગુજરાત પ્રદેશ, ડૉ. એસ. શિવરામ, ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીસ, દક્ષિણ ગુજરાત પ્રદેશ અને પોસ્ટ વિભાગના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.