વલસાડ જીલ્લા પોલીસે માત્ર સોળ કલાકમાં જ અપહરણનો ગુનો ડીટેકટ કરી 5 વર્ષની બાળકીને રેસ્કયુ કરી છે. તો, સાથે સાથે એક આંતરરાષ્ટ્રીય હયુમન ટ્રાફીકીંગની માહિતી મેળવવામાં સફળતા મેળવી ભારતમાંથી નાના બાળકોને લલચાવી ફોસલાવી નેપાળ લઈ જતા એક નેપાળી ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ જીલ્લાના કરવડ ગામે કન્સ્ટ્રક્શન સાઇટ પર મજુરીકામ કરતો રમેશ નેપાળી નામનો ઇસમ 5 વર્ષની બાળકીને લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હતો. ઘટના બાદ બાળકીના પિતાએ ડુંગરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલા એ વિગતો આપી હતી કે રાજસ્થાનથી વાપી આવી ડુંગરા ખાતે એક કન્સ્ટ્રકશન સાઈટમાં મજૂરીકામ કરતા શ્રમજીવી પરીવારની 5 વર્ષની બાળકીનું અપહરણ થયું હતું. અપહરણ એ જ કન્ટ્રક્શન સાઇટ પર કામ કરતા નેપાળી યુવકે કર્યું હતું. જે બાળકીને લઈને ફરાર થઈ ગયો હતો. ગુનાની ગંભીરતા ધ્યાને લઇ વલસાડ જીલ્લા એલ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટર વી. બી. બારડ, એસ.ઓ.જી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર જે. એન. ગોસ્વામી તથા પોલીસ ઇન્સ્પેક્ટર વી.જી.ભરવાડના નેતૃત્વમાં અલગ અલગ ટીમોની રચના કરી મુંબઇ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ રાજ્યો તરફ તપાસ અર્થે મોકલી હતી.
આ ગુનામાં સંડોવાયેલ આરોપી રમેશ નેપાળી નેપાળનો વતની હોય અને બાળકીને મુંબઇ થઇ ઉત્તરપ્રદેશ થઇ નેપાળ તરફ લઇ જાય તેવી શકયતાઓ ધ્યાને લઇ આરોપી તથા ભોગ બનનાર બાળકીની માહીતી સાથેના ફોટોગ્રાફ્સ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તથા ઉત્તરપ્રદેશ રાજ્યોના રેલ્વે વિભાગના રેલ્વે પોલીસને, ટ્રાન્સપોર્ટ એજન્સીને, સામાજીક સંગઠન, સોશીયલ મીડીયા, વ્હોટ્સએપ ગૃપ મારફતે જાહેરાત તથા પ્રસિદ્ધી કરવામાં આવી હતી.
ટ્રેનમાંથી મળી આવ્યો બાળકીનું અપહરણ કરનાર આરોપી……
આ રીતે વલસાડ જીલ્લા પોલીસની જુદી જુદી ટીમો બનાવી આ ગુનાને ઝડપથી શોધવાની કાર્યવાહી હાથ ધરી હતી તે દરમ્યાન વલસાડ જીલ્લા એલ.સી.બી. શાખાના પો.ઇન્સ વી.બી.બારડને માહીતી મળેલ કે , આરોપી રમેશ નેપાળી ભોગ બનનાર બાળકીને લઇ મુંબઇથી ગોરખપુર જતી કુશીનગર સુપરફાસ્ટ ટ્રેનમાં ઉત્તરપ્રદેશ ખાતે જઇ ત્યાંથી નેપાળ તરફ જનાર છે. જે બાતમી આધારે મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશની રેલ્વે પ્રોટેક્શન ફોર્સ તથા રાજય રેલ્વે પોલીસની જરૂરી મદદ મેળવી ગુનામાં સંડોવાયેલ આરોપી તથા ભોગ બનનાર બાળકીનું સઘન ચેકીંગ હાથ ધરાવતા આરોપી તથા ભોગ બનનાર બાળકી ઉપરોકત ટ્રેનમાંથી મળી આવ્યા હતાં.
બાળકીના અપહરણમાં પકડાયેલ આરોપીનું નામ લેખે ખલાંગ ઉર્ફે રમેશ નેપાળી છે. 35 વર્ષનો આ આરોપી બનગઇ, મોતીપુર, નેપાળનો વતની છે. જેને મધ્ય પ્રદેશના ખંડવા રેલ્વે સ્ટેશન ખાતેથી પકડી ભોગ બનનારને સહી સલામત રેસ્ક્યુ કરી ઉતારી લીધેલ અને ત્યાંથી જરૂરી પોલીસ જાપ્તા સાથે વલસાડ જીલ્લાના ડુંગરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનાના કામે લાવવામાં આવેલ જ્યાંથી ભોગ બનનાર બાળકીને સહી સલામત તેના માતા પિતાને સોંપવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય હયુમન ટ્રાફીકીંગની માહિતી મેળવવામાં સફળતા મેળવી…….
આરોપીની પ્રાથમિક પુછપરછ કરતા તેણે અગાઉ ઉત્તર પ્રદેશથી ત્રણ થી ચાર બાળકોને લલચાવી ફોસલાવી નેપાળ લઇ ગયો હોવાની હકિકત જણાવેલ છે. આરોપી છેલ્લા પંદર–વીસ વર્ષથી ભારત ખાતે રહેતો હોવાનુ જણાવે છે અને વાપીના કરવડ ખાતે છેલ્લા આઠેક મહિનાથી મજુરીકામ કરે છે. આ પહેલા તે મુંબઇ – ગોવંડી ખાતે છેલ્લા આઠ વર્ષથી ટ્રાન્સપોર્ટમાં હમાલીનું કામ કરતો હતો. તે પહેલા તે ઉત્તર પ્રદેશ ખાતે ગોંડા અને ગોરખપુર જીલ્લામાં મજુરીકામ કરતો હતો. જેને દબોચી લઈ વલસાડ જીલ્લા પોલીસે માત્ર સોળ કલાકમાં અપહરણનો ગુનો ડીટેકટ કરી બાળકીને રેસ્કયુ કરી એક આંતરરાષ્ટ્રીય હયુમન ટ્રાફીકીંગની માહિતી મેળવવામાં સફળતા મેળવી છે.