Tuesday, December 3News That Matters

વલસાડ પોલીસે પોર્ટુગીઝ સિટીઝનશીપ મેળવવા ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરી ભારતીય પાસપોર્ટ બનાવવાનું કૌભાંડ ઝડપી, 4ની ધરપકડ કરી

પોર્ટુગીઝ નાગરિક બનવાનો, પરદેશમાં ઊંચા પગારવાળી નોકરી મેળવવાનો, પોર્ટુગીઝ પાસપોર્ટના આધારે યુરોપના દેશોમાં વિઝા વગર નોકરી સરળતાથી મળતી હોય પોર્ટુગીઝ જવાનો ક્રેઝ આજે દમણ મુક્તિના 62 વર્ષે પણ યથાવત રહ્યો છે. તેનો ફાયદો ઉઠાવનારાઓએ દમણમાં 19મી ડિસેમ્બર 1961 પહેલા જન્મેલા લોકોના ખોટા નામ પુરાવા આધારે ડુપ્લીકેટ પાસપોર્ટ બનાવવાનો ધંધો શરૂ કર્યો હતો. આ કૌભાંડનો વલસાડ જિલ્લા SOG એ પર્દાફાશ કર્યો છે. તેમજ આ કૌભાંડમાં સંડોવાયેલ મુખ્ય માસ્ટરમાઇન્ડ સહિત ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરી ડુપ્લીકેટ ભારતીય પાસપોર્ટ બનાવનાર 1 મહિલા, 2 પુરુષ મળી કુલ 4 લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પોર્ટુગીઝ શાસનનો 19મી ડિસેમ્બર 1961ના રોજ અંત આવ્યો હતો. જો કે, તે બાદ સંઘ રાજ્ય તરીકે દમણને ભારતમાં સામેલ કરાયું હતું. જે તે વખતે પોર્ટુગીઝ સરકારે દમણને પોતાના શાસન હેઠળથી મુક્ત કર્યું પરન્તુ તે સાથે 19મી ડિસેમ્બર 1961 પહેલા દમણમાં જન્મેલ દરેક નાગરિક અને તેના પરિવારને ભારતીય પાસપોર્ટ આધારે પોર્ટુગીઝમાં કાયમી પોર્ટુગીઝ સિટીઝનશીપ આપવાની ખાતરી આપી હતી. જેનો લાભ લઇ અનેક દમણવાસીઓ કે જેઓ 19મી ડિસેમ્બર પહેલા જન્મ્યા હતાં. તેમના પરિવારોએ પોર્ટુગીઝમાં વસી જઈ ત્યાંની સિટીઝનશીપ મેળવી હતી.

આ સમગ્ર કૌભાંડ અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડો. કરણરાજ સિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ બોલાવી વિગતો આપી હતી કે, ગત 24મી ઓગસ્ટ 2023 ના વલસાડ જિલ્લા હદ વિસ્તારમાં SOGના PI જે. એન. ગોસ્વામી ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી આધારે વલસાડ છીપવાડ મોટા ગરનાળાના પુલ પાસે રોડ ઉપરથી આરોપી મોહમદ સોહિલ સરફુદ્દીન શેખની પૂછતાછ અને અંગઝડતી કરતા તેમની પાસેથી એક પ્લાસ્ટીકની પારદર્શક ફાઇલ મળી આવી હતી. જેમાં એક ભારત ગણરાજ્યનો પાસપોર્ટ તથા જન્મનું પ્રમાણપત્ર મળી આવેલ.

જે પોતાના આર્થિક ફાયદા સારૂ વિદેશ જવા માટે પોતાની ખોટી વિગતો જણાવી નહી પકડાયેલ આરોપી સાકીબ મકશુદભાઇ કનીયાત(તાઇ) જે પેરેડાઇઝ પાસપોર્ટ સર્વિસનો સંચાલક વતી પકડાયેલ આરોપી મોહમદ સોહિલ સરફુદ્દીન શેખનો “સોહીલ ઇમરાન શેખ” નામથી ખોટો બનાવટી પાસપોર્ટને ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરી ખરા તરીકે સબંધિત કચેરીમાં રજુ કરી ભારત ગણરાજય /REPUBLIC OF INDIA નો પાસપોર્ટ નં.V2346870 નો મેળવ્યો હતો.

જે બાદ વલસાડ ટાઉન પો.સ્ટે.માં તે અંગે ગુનો રજીસ્ટર્ડ કરાવી આગળની તપાસ એસ.ઓ.જી વલસાડના પો.સ.ઇ. એન.સી.સગરે સંભાળેલ હતી. જે દરમ્યાન મોહમદ સાકીબ ઉર્ફે ટોમ કામમુદની 11 સપ્ટેમ્બર 2023ના ધરપકડ કરવામાં આવેલ અને તેની પુછપરછ દરમ્યાન અન્ય દશથી વધુ વ્યક્તિઓના પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવવા માટે પ્રથમ ભારતીય પાસપોર્ટ અલગ અલગ વ્યક્તિના ખોટા નામ, સરનામાં, ખોટી જન્મ તારીખ, ખોટું જન્મ સ્થળ દર્શાવી ખોટા ડોક્યુમેન્ટસ ઉભા કરી પાસપોર્ટ બનાવી આપેલાની કબુલાત કરી હતી.

આ આરોપીના કુલ 8 દિવસના પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવવામાં આવેલ હતા અને આરોપી પાસેથી અલગ અલગ વ્યક્તિઓના ત્રણ બનાવટી પાસપોર્ટ કબ્જે કરવામાં આવેલ આમ તપાસ દરમ્યાન હાલ સુધી કુલ 5 પાસપોર્ટ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે. જે પૈકીના એક પાસપોર્ટ ધારક આશીયાબીબી મોઇન શેખની ગુનામાં સંડોવણી જણાતા તેની પણ 18 સપ્ટેમ્બરે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવેલ છે. તેમજ બુરહાન સુલેમાન ટેલર, ની 19મી સપ્ટેમ્બરે ધરપકડ કરેલ છે. આ સમગ્ર મામલો પોર્ટુગીઝ સિટીઝનશીપ મેળવાનું મસમોટું કૌભાંડ હોવાનું વલસાડ પોલીસના ધ્યાને આવતા આ ગુનામાં સંડોવાયેલ અન્ય તમામ આરોપીઓને પકડવા ચક્રો ગતીમાન કરેલ છે.

કૌભાંડમાં સામેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો, આરોપી મહમદ સાકીબ ઉર્ફે ટોમ સામે મુંબઇ ડી.સી.બી. સી.આઇ.ડી. યુનીટ-1, વલસાડ ટાઉન પોલીસ મથકમાં દારૂની હેરાફેરી સહિતના ગુન્હા નોંધાયેલ છે. આરોપી અગાઉ વલસાડ કલ્યાણ બાગ સામે પેરેડાઇઝ પાસપોર્ટ સર્વિસના નામે કામ કરતો હતો. જે આધારે પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવવા માટે ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરવામાં માસ્ટરી મેળવી હતી. અને દમણમાં મૃત્યુ પામેલા લોકોના નામનો ઉપયોગ કરીને ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ જેમાં વલસાડ જિલ્લામાંથી ખોટા જન્મના દાખલાઓ મેળવી તેના આધારે પાનકાર્ડ આધાર કાર્ડ તૈયાર કરાવી ભારતીય પાસપોર્ટ મેળવવા અરજી તૈયાર કરીને પાસપોર્ટ મેળવતા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *