વાપી નજીક રાતા ગામે ભાજપ નેતા શૈલેષ પટેલની 3 શાર્પ શૂટરો ગોળી મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતાં. જેમાના 2 શાર્પ શૂટરોને વલસાડ પોલીસ ઝારખંડના ધનબાદ જિલ્લા પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટ આધારે વલસાડ લાવી છે. આ ગુન્હામાં અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ શાર્પ શૂટરોએ શૈલેશ પટેલની હત્યા માટે 19 લાખની સોપારી લીધી હતી. પકડાયેલ બન્ને આરોપીઓ સામે અસંખ્ય ગુન્હા નોંધાયેલ છે.
ગત 8મી મેં 2023ના વાપી નજીક રાતા ગામે શિવમંદિરે દર્શન કરવા ગયેલ ભાજપ નેતા શૈલેષ પટેલની 3 શાર્પ શૂટરો ગોળી મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતાં. જેમાના 2 શાર્પ શૂટરોને વલસાડ પોલીસ ઝારખંડ ના ધનબાદ જિલ્લા પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટ આધારે વલસાડ લાવી છે. પકડાયેલ શાર્પ શૂટરોએ શૈલેશ પટેલની હત્યા માટે 19 લાખની સોપારી લીધી હતી. આ સમગ્ર ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપ ઝાલાએ પત્રકાર પરિષદ બોલાવી વિગતો આપી હતી.
પત્રકાર પરિષદમાં વલસાડ જિલ્લા પોલીસવડા એ જણાવ્યું હતું કે, પકડાયેલ બન્ને આરોપીઓના નામ વૈભવ હરિરામ યાદવ અને દિનેશ મોતીચંદ ગૌન્ડ છે. જેઓએ હાલમાં ફરાર આરોપી અજય યાદવ સાથે મળી વાપી ભાજપના નેતા શૈલેષ પટેલની 19 લાખમાં સોપારી લઈ હત્યા કરી હતી. જે બાદ તેઓ બિહાર-ઝારખંડ નાસી ગયા હતાં. જ્યાં ઝારખંડના ધનબાદ જિલ્લા પોલીસે ફાયર આર્મ્સ સાથે 2 આરોપીની ધરપકડ કરી હતી. જે બને શાર્પ શૂટરોનો ટ્રાન્સફર વોરંટ આધારે વલસાડ પોલીસે કબ્જો લઈ ધરપકડ કરી છે.
પકડાયેલ શાર્પ શૂટરોની કરમકુંડલી અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આ બન્ને આરોપી સામે ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, ખંડણી, હથિયારોની હેરાફેરી જેવા ગુન્હા નોંધાયેલ છે. અને જેલવાસ પણ ભોગવી ચુક્યા છે. પકડાયેલ બને આરોપીઓ આઝમગઢની D-16 ગેંગના સભ્યો છે. જેઓ કોલસાના વેપારીઓ, ફાયનાન્સર, ડોકટર, બિઝનેસમેનને ફોન કરી ખંડણી વસુલ કરે છે. અને ખંડણી આપવા ઇન્કાર કરે તેના ઉપર ફાયરિંગ કરી તેને ડરાવી ધમકાવી ખંડણી વસુલે છે. જે કેસમાં વોન્ટેડ હોય મુંબઈમાં રહેતા હતા. ત્યારે ત્રણેયનો પરિચય સોનુસિંગ મારફતે અજય ગામીત અને વિપુલ પટેલ સાથે થયો હતો. જેઓએ તેમને શૈલેષ પટેલ સાથે ચાલતી અંગત અદાવતમાં હત્યા કરવા 19 લાખની સોપારી આપી હતી.
પકડાયેલ વૈભવ યાદવ નામના શાર્પ શૂટર પર ઉત્તરપ્રદેશના આઝમગઢ, મધ્યપ્રદેશના નર્સિંગપુર ઝારખંડના ધનબાદ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં કુલ 36 જેટલા ગુન્હા નોંધાયેલ છે. જેમાં 10 ગુન્હા હત્યાના છે. તે D-16 અને અમનસિંઘ ગેંગનો સભ્ય છે. B. A. સુધી અભ્યાસ કરનાર વૈભવના પિતા હોમિયોપથી ડોકટર છે. માતા આઝમગઢ કોર્ટ માં કારકુન છે. દિનેશ ગૌન્ડ સામે ઝારખંડ, આઝમગઢ પોલીસ મથકમાં ગુન્હા નોંધાયેલ છે. તેણે ધોરણ 12 સુધી અભ્યાસ કરેલ છે. પરિણીત છે. અને તેના પિતા આઝમગઢમાં સાયકલ સ્ટેન્ડનું પાર્કિંગ ચલાવે છે. જ્યારે વોન્ટેડ આરોપી અજય યાદવ સામે પણ આઝમગઢ, ગાજીપૂરમાં 17 જેટલા ગુન્હા નોંધાયેલ છે.
વલસાડ પોલીસે શૈલેષ પટેલની હત્યા પ્રકરણમાં અગાઉ હત્યા કરાવનાર કોચરવા ગામના વિપુલ ઈશ્વર પટેલ, મિતેશ ઈશ્વર પટેલ, શરદ ઉર્ફે સદીયો પટેલ, અજય ગામીત, સત્યેન્દ્રસિંહ ઉર્ફે સોનુ રાજપૂતની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતાં. જે બાદ તેમને મદદગારી કરનાર નિલેશ આહીર, મિલન પટેલ, પરીક્ષિત આહીર ની ધરપકડ કરી તેમને પણ જેલ હવાલે કર્યા છે. અને હવે હત્યા કરનાર 2 શાર્પશૂટરોની ધરપકડ કરી કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે.
હત્યા કરનાર બન્ને શાર્પશૂટરો ને મિતેષ પટેલ, વિપુલ પટેલે તેમની પંડોર ખાતેની વાડીમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. જે ધ્યાને લઇ વલસાડ જિલ્લા પોલીસે શનિવારે બન્ને આરોપીને તે વાડીમાં લઈ જઈ તેમજ જે શિવ મંદિર નજીક શૈલેષ પટેલ પર ફાયરિંગ કરી હત્યા કરી હતી. તે શિવમંદિરે લઈ જઈ હત્યાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતુઁ.
ઉલ્લેખનીય છે કે, આરોપીઓને પકડવા માટે વલસાડ પોલીસે LCB, SOG અને ડુંગરા પોલીસ મથકની અલગ અલગ ટીમ બનાવી શોધખોળ હાથ ધરી હતી. જેમાં તેમને ઉત્તરપ્રદેશ ની STF, ક્રાઇમ બ્રાન્ચ, ધનબાદ પોલીસ દ્વારા પણ મદદ પુરી પાડી આ ઓપરેશનમાં સંયુક્ત તપાસનો સહકાર આપ્યો હતો. પકડાયેલ બન્ને શાર્પ શૂટરો પૈકી વૈભવ યાદવ, શરૂઆતમાં સચિન પાંડે નામના સ્કૂલ મિત્ર સાથે ગેંગ બનાવી હતી. જેમાં 22 સભ્યો હતા. એક પોલીસ સાથેની અથડામણમાં સચિન પાંડેનું મોત નિપજ્યા બાદ અને જેલમાં દિનેશ ગૌન્ડ, અજય યાદવ સાથે મુલાકાત થતા તેઓ અમનસિંગની ગેંગના સભ્ય બન્યા હતાં. જે ગેંગમાં હાલ આવા 50 થી વધુ શાર્પશૂટરો કામ કરી રહ્યા છે.
આ ગુન્હાની તપાસ માટે LCB પોલીસ ઇન્સ્પેકટર વી. બી. બારડ, SOG પોલીસ ઇન્સ્પેકટર જે. એન. ગોસ્વામી, ડુંગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એમ. પી. પટેલ, ધરમપુર CPI પોલીસી ઇન્સ્પેક્ટર એસ. જે. વસાવા, LCB PSI કે. એમ. બેરીયા, LCB PSI એચ.એ. સિંધા, પેરોલ ફર્લો સ્ક્વોડ PSI એમ. કે. ભીંગરાડિયા, SOG PSI એન. સી. સગર નાનાપોન્ઢા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે. જી. પરમાર તેમજ એલસીબી, એસઓજી, ડુંગરા પોલીસ સ્ટેશન, સીપીઆઈ કચેરીના પોલીસ સ્ટાફના માણસોએ ટીમવર્ક થી કામગીર કરી હતી.