વલસાડ જિલ્લાના ઉમરગામ શહેરના ડમરુવાડી વિસ્તારમાં પૈસાની લેવડદેવડ માં મિત્રએ જ મિત્ર પર હુમલો કરી ચાકુના ઘા મારી હત્યા કરવા સાથે વચ્ચે પડેલ પોતાના ભાઈને પણ ઘાયલ કરી ફરાર હત્યારાને વલસાડ પોલીસે યુપી થી ગિરફ્તાર કરી કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
ઉમરગામના ડમરૂવાડી ખાતે ચપ્પુના ઘા મારી થયેલ કરપીણ હત્યાના આરોપીની વલસાડ પોલીસે ધરપકડ કરી ગુન્હો ઉકેલી નાખ્યો છે. જેમાં હત્યા કરનાર હત્યારાએ પૈસાની લેવડદેવડ માં તેના જ મિત્રને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઝગડામાં વચ્ચે પડેલ આરોપીના ભાઈને પણ આરોપીએ ઘાયલ કર્યો હતો. અને તે બાદ ફરાર થઈ ગયો હતો.
ઘટના અંગે વાપી ડિવિઝનના DYSP બી. એન. દવે એ વિગતો આપી હતી કે, ગત 3જી ડિસેમ્બરે ઉંમરગામ ડમરૂવાડી ખાતે અવંતકુમાર છોટેલાલ નામના યુવક અને અજીત ગણેશપ્રસાદ હરીજન નામના યુવક વચ્ચે પૈસાની લેવડદેવડ ને લઈ ઝઘડો થયો હતો. જેમાં રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા અજિત હરિજને અવંતકુમાર પર ચાકુ થી હુમલો કરી તેને ગળાના ભાગે, ખભાના ભાગે, હાથની આંગળી અને અંગૂઠા ઉપર ઇજા કરી હતી. ઝગડામાં આરોપીનો ભાઈ કરણ ગણેશપ્રસાદ હરીજન વચ્ચે છોડાવવા જતાં તેને પેટના તથા હાથના ભાગે ઇજાઓ કરી હતી. ઘટનામાં અવંતકુમાર છોટેલાલ પ્રજાપતિને ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. જ્યારે આરોપી નાસી ગયો હતો.
ઘટનામાં આરોપીને ઝડપી લેવા પોલીસે અલગ અલગ ટીમ બનાવી એક ટીમને મુંબઈ મોકલી તપાસ કરતા આરોપી મુંબઈથી ટ્રેનમાં બેસીને વતન યુપી જતો રહ્યો હોવાની વિગતો મળી હતી. એટલે ટીમ યુપી પહોંચી હતી. જ્યાં કુશીનગર જિલ્લાના ગુનઇ કપરા ગામેથી સ્થાનિક પોલીસની મદદ મેળવી આરોપીને ઝડપી કુશીનગર ની કસયા કોર્ટમાં રજૂ કરી ટ્રાન્જેક્શન વોરંટ મેળવી ઉમરગામ લાવી કોર્ટમાં રજુ કરતા કોર્ટે 5 દિવસના રિમાન્ડ આપ્યા છે.
પોલીસે આરોપીની ધરપકડ કરી આરોપીએ ગુન્હામાં વાપરેલ ચાકુ પણ ઉંમરગામમાં નવી બની રિધ્ધી હાઇટસ બિલ્ડીંગના બાધકામની પાછળના ભાગે આવેલ ખુલ્લી પડતર જમીનમાં સંતાડયું હતું તે કબ્જે લઈ આગળની તપાસ હાથ ધરી છે.