Saturday, December 21News That Matters

રિવરલીન્ક પ્રોજેકટમાં લોકોને મિસગાઈડ કરી ભડકાવવામાં આવી રહ્યા છે:- નાણાપ્રધાન કનું દેસાઈ

વાપીમાં અન્ડરગ્રાઉન્ડ વીજ લાઇન પ્રોજેક્ટના ખાત મુહરતમાં પધારેલા રાજ્યના ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ તેમજ નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ પાર-તાપી-નર્મદા રિવરલીન્ક પ્રોજેકટ મામલે થઈ રહેલા વિરોધ અંગે જણાવ્યું હતું કે આ મહત્વના પ્રોજેક્ટ માં કોઈને નુકસાન નથી થવાનું, હાલ જે વિરોધનો સુર ઉઠ્યો છે. તે ગામલોકોને મિસગાઈડ કરી ભડકાવવા માટે છે.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં હાલ પાર-તાપી-નર્મદા રિવરલીન્ક પ્રોજેકટને લઈને ગામલોકોમાં વિરોધનો સુર ઉઠ્યો છે. ધરમપુર તાલુકાના ગુદિયા, સાતવાંકલ, ખડકી, મધુરી, ચવરા, પૈખેડ, રુંઈપાડા, ચીકલપાડા, ખપાટીયા, ચાસ માંડવા ગામોમાં ગામલોકો મશાલ રેલી કાઢીને, બેઠકોનો દૌર ચલાવીને કે આવેદનપત્ર આપીને વિરોધ કરી રહ્યા છે. ગામલોકો મુખ્યત્વે આ રિવરલીન્ક પ્રોજેકટ અંતર્ગત ચાસ માંડવા પૈખડ નજીક બનનનાર સૂચિત ડેમનો વિરોધ કરી રહ્યા છે.
ત્યારે આ રિવરલીન્ક પ્રોજેકટ અંગે ગામલોકોમાં થતા વિરોધ અંગે વાપીમાં અન્ડરગ્રાઉન્ડ વીજ લાઇન પ્રોજેક્ટના ખાત મુહરતમાં પધારેલા રાજ્યના ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ તેમજ નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ મીડિયા સાથેની વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે, પાર-તાપી-નર્મદા રિવરલીન્ક પ્રોજેકટ મામલે ગામલોકોને મિસગાઈડ કરી ભડકાવવા આવી રહ્યા છે. આ પ્રોજેકટ રાજ્ય અને કેન્દ્ર સરકારનો મહત્વનો પ્રોજેકટ છે. વલસાડ જિલ્લાની પાર, તાન, માન, કોલક, દમણગંગા જેવી નદીઓમાંથી ચોમાસા દરમ્યાન જે પાણી દરિયામાં વહી જાય છે તેનો સદઉપયોગ કરવા માટેનો છે.
આ પ્રોજેકટથી કોઈને કોઈપણ પ્રકારનું નુકસાન નહિ થાય એ ધ્યાને રાખી કામગીરી કરવામાં આવશે. નદીનું દરિયામાં વહી જતું પાણી અહીંથી બલ્ક પાઇપલાઇન મારફતે ટ્રાન્સફર કરવામાં આવશે. લોકો આ પ્રોજેકટમાં અન્યના દોરવાયા દોરવાઈ જવાને બદલે સહકાર આપે તે જરૂરી છે.
આ પ્રોજેકટ પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ છે કે ગુજરાત માત્ર નર્મદા ડેમ પર આધાર નહિ રાખીને અન્ય નદીઓના જોડાણથી દરિયામાં જતા પાણીનો સદઉપયોગ કરી પાણીની તંગી બાબતે સ્વાવલંબી બને. આ પ્રોજેકટમાં કોઈને કોઈ જ નુકસાન થવાનું નથી.  તેવું કનુભાઈ દેસાઈએ મીડિયા સમક્ષની વાતચીત દરમ્યાન જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેકટ મામલે સ્થાનિક ગામલોકો દરરોજ નવા નવા અખતરા સાથે તેનો વિરોધ કરી રહ્યા છે. ગામવાળા …… ડેમ વાળાલા કરું કાઈ ખાલ ડોકી વર પાઈ…..આદિવાસી નારી કૈસી હે ફુલ નહિ ચિનગારી હે….આમચ્યાં ડેમ નાઇસે કરા નહિતર તુમચ્યા ખુરસીયા ખાલી કરા….સાઇકલ લા ચેન નાઈ સરકાર લા ઘેન નાઈ….જેવા વિવિધ સૂત્રો સાથે વિસ્થાપિત થતા તમામ ગામોમાં મશાલ રેલી કાઢી ને ડેમ બનવવાના આ પ્રોજેક્ટ નો વિરોધ કરી રહ્યા છે. ગામલોકોનું માનવું છે કે, ડેમ આવવાથી તેઓ જમીન વિહોણા બની જશે. અગાઉ મધુબન ડેમ બનાવવામાં આવેલો ત્યારે વિસ્થાપીત કરવામાં આવેલા સેંકડો લોકોને જમીનનું વળતર હજી સુધી મળ્યું નથી. જેને લઇ હાલના રિવરલીન્ક પ્રોજેકટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *