Friday, October 18News That Matters

વાપીમાં 2 દર્દીઓમાં મ્યુકોર્માયકોસિસના લક્ષણો દેખાતા, વધુ સારવાર માટે મુંબઈ-સુરત ખસેડાયા!

વાપી :- કોરોના રિકવર દર્દીઓ માટે વધુ એક બીમારી જીવલેણ બની રહી છે. આ બીમારી એટલે મ્યુકોર્માયકોસિસ. આ બીમારીને કારણે ગુજરાતમાં કેટલાય દર્દીઓએ આંખો ગુમાવવાની નોબત આવી છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ તેના 2 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે. અને તે વાપીની ખાનગી હોસ્પિટલમાં આવ્યા બાદ તાત્કાલિક તેને સુરત-મુંબઈ વધુ સારવાર માટે રીફર કરી દેવામાં આવ્યા છે.

વાપીમાં 2 દર્દીઓમાં મ્યુકોર્માયકોસિસના લક્ષણો દેખાયા….
કોરોના રિકવરી બાદ આ ફંગલ ઈન્ફેક્શન સૌ પ્રથમ સાઈનસમાં થાય છે. અહીંથી આંખ સુધી પહોંચતાં 2 થી 4 દિવસ લાગે છે. આંખથી મગજ સુધી પહોંચવામાં માત્ર એક જ દિવસ લાગે છે. આ ઈન્ફેક્શન બાદ 20 થી 30 ટકા કેસમાં આંખોની રોશની જતી રહે છે. વલસાડ જિલ્લા માટે રાહતના સમાચાર છે કે હજુ સુધી આવા એકપણ કેસને વલસાડ જીલ્લામાં સારવાર આપવામાં આવી નથી. હાં, વાપીની ખાનગી હોસ્પિટલમાં 2 દર્દીઓમાં મ્યુકોર્માયકોસિસના લક્ષણો દેખાતા તેને તાત્કાલિક સુરત-મુંબઈની હોસ્પિટલમાં વધુ સારવાર માટે રીફર કરી દેવામાં આવ્યાં છે.
વલસાડ જિલ્લાના વાપીમાં મ્યુકોર્માયકોસિસના દર્દીઓ નોંધાયા છે કે કેમ, તેની દવા-ઇન્જેક્શન મેડીકલમાં ઉપલબ્ધ છે કે કેમ તે અંગે વાપીના અદિત હોસ્પિટલના તબીબ ડૉ. તેજસ શાહનો સંપર્ક કર્યો હતો. ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે ચારેક દિવસમાં 2 મ્યુકોર્માયકોસિસના શંકાસ્પદ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં આવ્યાં હતાં. જેને વધુ સારવાર માટે સુરત-મુંબઈ રીફર કર્યા હતાં. જે અંગે ચોક્કસ વિગતો નથી. પરંતુ આ રોગની સારવાર ખૂબ મોંઘી છે. તેમના દવા-ઇન્જેક્શનના પ્રિસ્ક્રિપ્શન મેડીકલમાં આવી રહ્યા છે. જો કે તેનો પૂરતો સ્ટોક નથી. એટલે વાપીને બદલે મુંબઈ-સુરતમાં તેની સારવાર શક્ય હોય ત્યાં રીફર કરવામાં આવે છે.

મ્યુકોર્માયકોસિસ માટે વલસાડ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાંના સુપરિટેન્ડન્ટ ડૉ. અમિત શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આદેશ મુજબ વલસાડ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોર્માયકોસિસના દર્દીઓ માટે અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હોસ્પિટલના તબીબો સાથે બેઠક કરી ચર્ચા કરવામાં આવી છે. જો કે હજુ સુધી સિવિલમાં એક પણ દર્દી ને સારવાર આપવામાં આવી નથી. જો કોઈ પેશન્ટ આવશે તો, તેની સારવાર અને દવા મળી રહેશે.
મ્યુકોર્માયકોસિસ થવાના કારણો અંગે વાપીના ડોકટર એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડૉ. પ્રકાશ શાહે જણાવ્યું હતું કે, મ્યુકોર્માયકોસિસ મોટેભાગે ત્રણ કારણોના સમન્વય થયા બાદ થતો હોય છે. જેમાં પ્રથમ જે દર્દીને ડાયાબિટીસ હોય, કોરોના થયો હોય અને તેને 4 થી 5 દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હોય તેવા દર્દીને થવાની શકયતા છે. પરંતુ ડાયાબીટીસ છે કોરોના થાય પણ વેન્ટિલેટર પર રાખવાની નોબત નથી આવી તો તેને  મ્યુકોર્માયકોસિસ થવાની નોબત પણ નથી આવતી. કોરોના થયો હોય અને ડાયાબીટીસ ના હોય તો તેવા દર્દીમાં પણ મ્યુકોર્માયકોસિસ થવાનું જોખમ ઉભું થતું નથી.
જ્યારે ડાયાબીટીસ ધરાવતા દર્દીને કોરોના થયા બાદ તેને વેન્ટિલેટર પર સારવાર આપવામાં આવે છે ત્યારે ઓક્સિજન પર રખાય છે. આ ઓક્સિજનથી ફેફસા સુકાઈ ના જાય, તેમાં થોડું ભેજનું પ્રમાણ જળવાય રહે તે માટે તેને 200 થી 400 મિલી શુદ્ધ પાણી સાથે અપાય છે. જો આ પાણી શુદ્ધ ના હોય તો મ્યુકોર્માયકોસિસ થવાની શકયતા રહે છે. હાલના સમયમાં આ સાવચેતી પૂરતા પ્રમાણમાં હોસ્પિટલમાં રાખવી શક્ય નથી. કદાચ આ કારણે પણ કોરોના કાળમાં ડાયાબીટીસ ધરાવતા દર્દીને કોરોનાની સારવાર માટે વેન્ટિલેટર પર રાખ્યા બાદ જ્યારે તે દર્દી કોરોનામાંથી તો સાજો થઈ જાય છે પરંતુ એ દરમ્યાન મ્યુકોર્માયકોસિસનો શિકાર બની જાય છે.
જો કે રાજ્યના અમદાવાદ-સુરત જેવા શહેરોમાં મ્યુકોર્માયકોસિસના કેસ વધી રહ્યા છે. વલસાડ જિલ્લાના તબીબો ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે અહીં તેવા દર્દીઓ ના નોંધાય કેમ કે આ સારવાર ખુબજ ખર્ચાળ છે. એ ઉપરાંત તેમની દવા અને ઇન્જેક્શન સ્થાનિક મેડિકલોમાં કે હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. મેડિકલ સ્ટોરવાળા પણ આ મોંઘા ઇન્જેક્શન અને દવાનો સ્ટોક રાખતા અચકાય છે. જો કે તેમ છતાં જો વલસાડ જિલ્લામાં મ્યુકોર્માયકોસિસના કેસ નોંધાશે તો તેમના માટે વલસાડ સિવિલ એક જ એવી હોસ્પિટલ છે જ્યાં તેની સારવાર શક્ય બનશે અથવા તો આંખોની રોશનીથી લઈને મૃત્યુ જ અંતિમ પડાવ હશે.
નોંધ:- તમામ તસ્વીર સૌજન્ય સોશ્યલ મીડિયા……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *