વાપી :- દેશમાં કોરોના મહામારી દરમ્યાન મેડિકલ ઓક્સિજનની તંગીને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જો કે હવે દેશમાં મેક ઇન ઇન્ડિયા હેઠળ સારી ક્વોલિટીના PSA બેઝ ઓક્સિજન પ્લાન્ટની ટેકનોલોજી વિકસી છે. વાપીના યુવાન પ્રેમલ પટેલે હાલ આ ટેકનોલોજી આધારે એવા પ્લાન્ટ તૈયાર કર્યા છે. જેની ખૂબ જ ડિમાન્ડ છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હી સરકારે તેમજ કેટલીક પ્રાઇવેટ સેકટરની હોસ્પિટલોએ આ પ્લાન્ટ માટે 100 થી વધુ ઓર્ડર આપતા વાપીના યુવાને દેશભરમાં વાપીનું નામ રોશન કર્યું છે.
કેલીટેક બાયોટેક્નોલોજિસ કંપનીના પ્રેમલ પટેલે કોરોના કાળમાં ઓક્સિજની તંગીને જોયા બાદ આ ક્ષેત્રે રિસર્ચ કરી સરકારની મદદથી આ ટેકનોલોજી વિકસાવી છે. જેના કારણે હવે CHC, PHC અને તમામ નાનીમોટી હોસ્પિટલમાં મેડિકલ ઓક્સિજનની ઘટ નિવારી દર્દીઓના જીવ બચાવી શકીશું. મેડિકલ ક્ષેત્રે કાર્યરત કેલીટેક બાયોટેક્નોલોજિસના મેનેજીંગ ડિરેકટર પ્રેમલ પટેલે અને તેની ટીમે તે દિશામાં સંશોધન હાથ ધરી મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટ અપ બિઝનેસ હેઠળ 100 LPM (Litter per minute) થી લઈને 2000 LPM સુધીના મેડિકલ ઓક્સીઝન પ્લાન્ટ તૈયાર કરવાની ટેકનોલોજી વિકસિત કરી છે. આ હવામાંથી ઓક્સિજન જનરેટ કરતો પ્લાન્ટ છે. જેમાં Pressure Swing Adsorption (PSA) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ ટેક્નોલોજીના આધારે તેમણે કોમર્શિયલ બેઝ મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કર્યા છે, જેને રાજ્યના અનેક PHC, CHC, સરકારી હોસ્પિટલો, નાની મોટી પ્રાઇવેટ હોસ્પીટલોમાં સપ્લાય કરી રહ્યા છે. આ ટેકનોલોજીથી મદદથી મેડિકલ ઓક્સિજનની તંગી નિવારી શકાય છે.
ઓક્સિજન પ્લાન્ટની કેપેસીટી વધારવા માટે સરકારે પણ સ્ટાર્ટ અપ ઈન્ડિયા હેઠળ વિશેષ લોનની સગવડ આપી મેક ઇન ઇન્ડિયા હેઠળ ઓર્ડર પણ પૂરા પાડ્યા છે. હાલમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હી સરકાર ઉપરાંત અન્ય પ્રાઇવેટ સેક્ટરની હોસ્પિટલોએ તેમને 100 જેટલા ઓર્ડર આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.
આ મશીન સંપૂર્ણ ઓટોમેટિક છે. જે હવામાંથી ઓક્સિજન મેળવી મેડિકલ ઓક્સિજન પૂરો પાડે છે. મશીનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે વિઝન છે તે વિઝન હેઠળ IOT ડિવાઇસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી આ મશીન દેશના કોઇપણ સ્થળે કામગીરી બજાવતું હશે તો પણ તેનો સંપૂર્ણ ડેટા કંટ્રોલ રૂમમાં મળી શકે છે. હાલમાં મેડિકલ ઓક્સિજનની ખૂબ જ ડિમાન્ડ છે. પહેલા સિલિન્ડર બેઝ ઓક્સિજન પર દેશ નિર્ભર હતો. હવે આ પ્રકારના મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ તૈયાર થતા હોય, PSA બેઝ મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ વધુ પ્રચલિત બની રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે વાપીની GIDC માં આવેલ કેલીટેક બાયોટેક્નોલોજિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તૈયાર થનારા આ પ્લાન્ટનો ઓર્ડર હાલમાં જ સુરતના મહુવા ખાતે આવેલ પીએચસી સેન્ટર માટે ગુજરાત સરકાર તરફથી મળ્યો છે. એ ઉપરાંત વધુ 10 PHC, CHC માટેના ઓર્ડર આપવામાં આવ્યાં છે. આગામી દિવસોમાં આ પ્લાન્ટનું આરોગ્ય મંત્રી કુમાર કનાણી, ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન-લોકાર્પણના કાર્યક્રમ યોજાવાના છે. પ્રેમલ પટેલની કંપની દર મહિને આવા 50 પ્લાન્ટ તૈયાર કરી શકવાની ક્ષમતા ધરાવે છે. તેમની કંપનીમાં 120 કામદારોને રોજગારી પૂરી પાડે છે. ત્યારે કહી શકાય કે એક સમયે દેશમાં ઓક્સિજનની તંગીને કારણે અનેક દેશવાસીઓ કોરોનાના ખપ્પરમાં હોમાઈ ગયા હતા. પરંતુ હવે આ જ ઓક્સિજન માટેના પ્લાન્ટથી દેશના નાગરિકોને રોજગારી મળી રહી છે અને દર્દીઓના જીવ બચાવી રહ્યા છે.