Saturday, December 21News That Matters

લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત 4 જૂન ના યોજાનાર મતગણતરીની પૂર્વ તૈયારીની સમીક્ષા બેઠક મળી, જિલ્લા ચૂંટણી અધિકારીએ આપ્યા મહત્વના નિર્દેશ

લોકસભા સામાન્ય ચૂંટણી – 2024 અંતર્ગત 26- વલસાડ (અ.જ.જા.) બેઠક પર કુલ 7 વિધાનસભા મતદાર વિભાગની મતગણતરી તા. 4 જૂન 2024ના સવારે વલસાડની સરકારી ઈજનેરી કોલેજ ખાતે હાથ ધરાનાર છે. જેની પૂર્વ તૈયારીની સમીક્ષા બેઠક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી – વ – જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરણરાજ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા. 

મતગણતરી પૂર્વે યોજાયેલી સમીક્ષા બેઠકમાં સાત વિધાનસભા બેઠકના તમામ મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને ચૂંટણી કામગીરી સાથે સંકળેલા અધિકારીઓ અને કર્મચારીઓને જિલ્લા ચૂંટણી અધિકારીએ મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં થાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સુચારૂ આયોજનના ભાગરૂપે જરૂરી સૂચનો કર્યા હતા.

અધિકારીએ આર.ઓ. લેવલે કોમ્પ્યુટરાઈઝ રિઝલ્ટ તૈયાર કરવાની કામગીરી, ફાઈલીંગની કામગીરી, એનકોર/ ઓનલાઈન એન્ટ્રીની કામગીરી, રાઉન્ડવાઈઝ ઉમેદવારોને મળેલા મતો જાહેર કરવાની કામગીરી, મતગણતરીની વીડિયો ગ્રાફી, સીસીટીવી કંટ્રોલરૂમની કામગીરી, નૂતન કેળવણી મંડળના સંસ્કાર કેન્દ્ર ખાતે કાઉન્ટીંગ લાઈવ પ્રસારણની દેખરેખની કામગીરી, મતગણતરી પુરી થયા બાદ ઈ.વી.એમ./વીવીપેટ મશીનો જિલ્લા કક્ષાના સ્ટ્રોંગરૂમમાં મુકવાની કામગીરી, વીજપુરવઠો જળવાઈ રહે તે માટેની કામગીરીના સૂચન કર્યા હતાં,

તો, આરોગ્ય વિભાગ દ્વારા એમ્બ્યુલન્સ અને સાધનો સાથેની મેડિકલ કીટ ઉપલબ્ધ કરવાની કામગીરી, મીડિયા સેલની કામગીરી, માઈક્રો ઓર્બ્ઝવર/ મતગણતરી સુપરવાઈઝર અને પોસ્ટલ બેલેટની ગણતરી અંગેની તાલીમ, મતગણતરી સ્ટાફ, ઉમેદવારો, ચૂંટણી એજન્ટ અને મતગણતરી એજન્ટના વાહનોની પાર્કિંગની વ્યવસ્થા, બિલ્ડિંગમાં તેમજ પાર્કિંગમાં પીવાના પાણી અને ટોઈલેટની સુવિધા તેમજ સ્વચ્છતા અંગે સૂચનો કર્યા હતા.

મતગણતરી કેન્દ્ર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને ઓર્બ્ઝવરોની ગાડી જ પ્રવેશી શકશે આ સિવાય ઉમેદવારો તેમજ અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાના વાહનો નક્કી કરેલા પીક અપ અને ડ્રોપ પોઈન્ટ પર જ પાર્ક કરવાના રહેશે. જેમાં કોઈ પણ બાંધછોડ ચલાવી લેવાશે નહી એવી કડક સૂચના પોલીસ અધિક્ષકે આપી હતી.

મતગણતરીની કામગીરીમાં નિમણૂક પામેલા અધિકારીઓ તેમજ કર્મચારીઓએ મતગણતરીના દિવસે સવારે ૫ કલાકે મતગણતરી સ્થળ સરકારી ઈજનેરી કોલેજ ખાતે હાજર થવાનું રહેશે. ચૂંટણી આયોગની સૂચના અનુસાર મતગણતરી કેન્દ્ર ખાતે મોબાઈલ ફોન પર કડક પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાથી કોઈપણ અધિકારી કે કર્મચારી મોબાઈલ ફોન તથા અન્ય વસ્તુ સાથે લાવી શકશે નહી.

જે બાબતે વિશેષ કાળજી રાખવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષકે ભાર મુક્યો હતો. જિલ્લા પોલીસ અધિક્ષકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ પાર્કિંગ બાબતે પણ જરૂરી સૂચનો કર્યા હતા. બેઠકમાં જિલ્લા નિવાસી અધિક કલેકટર શ્રીમતી અનસૂયા જ્હાં અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહ સહિત ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *