વલસાડ જિલ્લામાં એક તરફ ફૂડ એન્ડ ડ્રગ્સ ના અધિકારીઓ તેલીયા રાજાઓને ત્યાં, ગુટખા માફિયાઓને ત્યાં કે પછી નામ માત્રની હોટેલો, મૉલ, સ્ટોરમાં ચેકીંગ કરી કાર્યવાહીના નામે લીપાપોતીમાં વ્યસ્ત છે. ત્યારે, જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં કરિયાણાની દુકાનો ખોલી બેસી ગયેલ મારવાડીઓ ગામલોકોને એક્સપાયરી ડેટના કોલડ્રિન્ક, કરીયાણું વેંચી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી વિગતો મુજબ ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામ એવા બીલપુડી, બરૂમાલ ગામના ગ્રામજનોએ મામલતદાર ને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી કે, બીલપુડી ગામે મહાદેવ કિરાણા સ્ટોરમાંથી એક યુવકે કોલડ્રિન્કસની બોટલ ખરીદી હતી. જે બોટલની તારીખ ચેક કરતા એ એક્સપાયરી ડેટની હતી. જેની જાણ દુકાનદારને કરતા દુકાનદારે દાદાગીરી કરી થાય તે કરી લેવાની ચીમકી ઉચ્ચારી હતી.
આ ઘટના બાદ ગામના યુવાનોએ એકઠા થઇ મહાદેવ કિરાણા સ્ટોર નામની 2 દુકાનો, અને એ ઉપરાંત અલગ અલગ ફળિયામાં આવેલ સીતારામ, દેવનારાયણ, ન્યુ ભોતાજી કિરાણા સ્ટોર નામધારી કરિયાણાની દુકાનમાં તપાસ કરતા આ પાંચેય દુકાનોમાં અનાજ, મરી મસાલો, કોલડ્રિન્ક, જીરું, તેલ, દિવેલ, ચોકલેટ, ચા સહિતની તમામ કરિયાણાની ચીજવસ્તુઓ એક્સપાયરી ડેટની નીકળી હતી. જેથી આ તમામ કરિયાણાની દુકાનના વેપારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાં મામલતદારને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.
જો કે અનાજ કરિયાણાની દુકાનમાં જનતાની આ રેઇડના વિડિઓ-ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ ના અધિકારીઓ દોડતા થયા હતાં. ઘટનાના 4 કલાક બાદ આવેલા અધિકારીઓએ તમામ દુકાનમાં રહેલો એક્સપાયરી ડેટનો માલ ચેક કર્યો હતો. અને જાણવા મળતી વિગતો મુજબ તમામ માલ જપ્ત કરી તેના નાશ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓની મીઠી નજર હેઠળ જિલ્લામાં આવેલા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં આવો બિન આરોગ્યપ્રદ માલસામાન ધડડલે વેંચાઈ રહ્યો છે. માત્ર તેલીયા રાજાઓ, કેટલાક મૉલ, સ્ટોર અને હોટેલોમાં નામ માત્રનું ચેકીંગ કરનાર ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ ગ્રામ્ય વિસ્તારમાં અને ખાસ કરીને આદિવાસી પટ્ટામાં ચાલતા આ એક્સપાયરી ડેટના માલ સામાન વેચવાના ગોરખધંધા કરનાર સામે કોઈ જ કાર્યવાહી કરતા નથી.
દિવાળી અને રક્ષા બંધન કે અન્ય તહેવારોમાં મીઠાઈની કે ફરસાણ ની દુકાનોમાં રેઇડ કરી અંતે માત્ર પતાવટમાં સમજનારા અધિકારીઓ પોતાની સાચી ફરજ નિષ્ઠા નિભાવે… લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર આવા કિરાણા સ્ટોરના સંચાલકો આ માલસામાન ક્યાંથી લાવે છે. કેટલા સમયથી વેંચતા હતાં તેની સંપૂર્ણ માહિતી એકઠી કરી કાયદાકીય કાર્યવાહી કરે તે જરૂરી હોવાની માંગ ગામલોકોમાં ઉઠી છે.