વલસાડ જિલ્લામાં રૂપાણી સરકાર નારગોલ બંદરને માછીમારી માટે વિકસાવવાને બદલે કે પ્રવાસન સ્થળ તરીકે ગુજરાતમાં નામના અપાવવાને બદલે પોર્ટ તરીકે વિકસાવવાની જાહેરાત કરે છે. કલગામ હનુમાન મંદિર, કાળ ભૈરવ મંદિર આસપાસ શ્રધ્ધાળુઓ માટે ઉત્તમ વ્યવસ્થા ઉભી કરી તીર્થસ્થાન તરીકે વિકસાવવાને બદલે નજીકમાં જ વન વિસ્તારમાં વન ઉજાડી પ્રવાસન માટે કરોડોના ખર્ચે વન ઉભુ કર્યું છે. વર્ષોથી સ્થાનિક લોકોને રોજગારીની અપાવવાની વાતો કરતી સરકાર હકીકતમાં 2400 લોકોને પોર્ટમાં નોકરી અપાવવાના નામે 25000 લોકોની રોજગારી, દરિયાઈ જીવસૃષ્ટિનું, મેનગ્રોવ્ઝનું નખ્ખોદ વાળતા નિર્ણયો લઈ રહી છે.
ભારત સરકાર દ્વારા CRZ-2011ના નોટીફિકેશન મુજબ કાંઠા વિસ્તારમાં CRZ નો કાયદો અમલી બનાવવામાં આવ્યો છે. જે અંતર્ગત ગ્રામ પંચાયત, નગરપાલિકા સહિતના કાંઠા વિસ્તારને CRZ 1A, 1B, 2, 3, 4 મુજબ ઝોન નક્કી કરાયા છે. એવો જ ઝોન નારગોલ આસપાસના વિસ્તારમાં છે. પરન્તુ તેના નકશા અંગ્રેજીમાં છે. અને તેની સમજ ગ્રામજનોને નથી. નકશામાં ક્યાંય બોટના લેન્ડીંગ પોઇન્ટ બતાવ્યા નથી. ડ્રાયફિશ એરીયાનો ઉલ્લેખ નથી. જેટીની સુવિધા નથી. પાણીની સુવિધા નથી. વર્ષે 350 કરોડના ફિશીંગ ઉદ્યોગ માટે અન્ય પાયાગત સુવિધાઓના અભાવ વચ્ચે નકશામાં કયાં માછીમારી વસાહત આવેલી છે? ક્યાં ખાજણવાળો વિસ્તાર છે? ક્યાં અને કેટલા વિસ્તારમાં મેન્ગ્રોવ્જના ઝાડ આવેલા છે? દરિયાઇ જીવસૃષ્ટીની અલગ અલગ પ્રજાતી ક્યા વિસ્તારમાં કેટલી છે. ઝીંગા તળાવો ક્યા વિસ્તારમાં છે. 20 વર્ષથી આ આખું તરકટ એક પોર્ટ માટે ચલાવવામાં આવ્યું.
ગુજરાતમાં ઉમરગામ તાલુકો માછીમારી ક્ષેત્રે આગવું નામ ધરાવે છે. ઉમરગામ, નારગોલ, તડગામ, કાલઇ, મરોલી, કલગામ, ફણસા આ વિસ્તારમાં માછીમારી માટે જાણીતા બંદરો છે. વાર્ષિક 100 કરોડનો અંહી માછલી ઉત્પાદનનો વ્યવસાય ધમધમે છે. અને રોજની 800થી વધુ બોટ દરીયામાંથી માછલીઓ લાવી સ્થાનિક બજારમાં તેમજ અન્ય દેશોમાં નિકાસ કરે છે. પરંતુ હાલમાં વધતા ડીઝલના ભાવ વધારા સાથે હવે અહીં 3800 કરોડના ખર્ચે કાર્ગો પોર્ટના નિર્માણની રૂપાણી સરકારે જાહેરાત કરી માછીમારો અને ખેડૂતો માટે માઠી દશા બેસાડી છે.
વલસાડના દરિયા કાંઠા વિસ્તારમાં માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા હજારો માછીમાર પરિવારો દરિયામાં ડિઝલ બોટના સથવારે દરિયો ખેડી પોમફ્રેટ, બોમ્બે ડક, પ્રાઉન્સ પ્રકારની મચ્છીઓને સ્થાનિક માછીમારોને અને એક્સપોર્ટર્સને વેંચે છે. જેઓ શ્રીલંકા, ચાઇના, બાંગ્લાદેશ, યુરોપિયન દેશોમાં મચ્છીનો નિકાસ કરે છે. માછીમારો દરિયામાં 20 થી 22 નોટીકલ માઇલ સુધી વન ડે ફિશિંગ કરે છે. તે માછલીઓ વેંચી તેનું ગુજરાન ચલાવે છે.
ઉમરગામ તાલુકાના બંદરો પરથી વેંચાતી માછલીઓના અંદાજીત વાર્ષિક ઉત્પાદનની વાત કરીએ તો, Pomfret વાર્ષિક 45000 હજાર કિલોગ્રામ, Bombay duck વાર્ષિક 1 કરોડ 65લાખ કિલોગ્રામ, Hilsa વાર્ષિક 2 લાખ કિલોગ્રામ, Colia વાર્ષિક 15 લાખ કિલોગ્રામ, Mullet વાર્ષિક 3 લાખ કિલોગ્રામ, Ribon fish વાર્ષિક 60 હજાર કિલોગ્રામ, Shrimps વાર્ષિક 70 લાખ કિલોગ્રામ, Prowns વાર્ષિક 6 લાખ કિલોગ્રામ, Levta વાર્ષિક 20 હજાર કિલોગ્રામ એ સિવાય અન્ય માછલીની પ્રજાતિઓ તેમજ કરચલા સહીત વાર્ષિક 100 કરોડનો આ ધમધમતો વ્યવસાય છે. જે હવે કાર્ગો પોર્ટ આવવાથી મૃત:પાય થશે.
માછીમાર સરકારની લોન કે સબસીડી પર વ્યવસાય નથી કરતો પોતાના ખર્ચે બોટ અને પોતાના પરિવારનો ખર્ચ ઉઠાવે છે. સરકાર રોજગારીની વાત કરે છે. પણ જો સરકાર પોર્ટ સ્થાપવાને બદલે માછીમારોને ડીઝલમાં રાહત આપે. બોટ માટે સારી જેટી, નજીકમાં ડીઝલ પંપ, બરફ માટે કોલ્ડ સ્ટોરેજ, સ્થાનિકે જ ફિશ માર્કેટ સહીતની સુવિધાઓ પુરી પાડે તો માછીમારો જ કેટલાયને ઘરબેઠા રોજગારી પુરી પાડી શકે તેમ છે.
ઉમરગામ તાલુકામાં નારગોલ, સરોંડા વિસ્તારની દરિયાઇ પટ્ટી પર સ્થપાનારા કાર્ગો પોર્ટનો આ વિસ્તારના માછીમારો, ખેડૂતો તમામ વિરોધ કરી રહ્યાં છે. આ વિસ્તારમાં વર્ષે 500 કરોડનો મચ્છીમારીનો બિઝનેશ ધમધમે છે. 25 હજાર માછીમારોને રોજગારી મળે છે. અનેક પ્રકારની દરિયાઇ અલભ્ય જીવસૃષ્ટી અને માછલીઓ આ પટ્ટામાં છે. જો પોર્ટ આવશે તો આ તમામને મોટાપાયે નુકસાન થશે અને રોજગારી છિનવાશે. સરકાર જો વિકાસ અને રોજગારી જ આપવા માંગતી હોય તો અંહીના માછીમારી ઉદ્યોગ માટે મત્સ્યબંદર, બીચનો પ્રવાસનને ક્ષેત્રે વિકાસ કરે અને રોજગારી આપે. જેનાથી પર્યાવરણ અને દરિયાઇ જીવસૃષ્ટી સાથે સ્થાનિક લોકોનો પણ વિકાસ થશે. આ વિસ્તારમાં આંબા-ચીકુ, શાકભાજીની ખેતી, મચ્છીમારી થકી, અનેક નાનામોટા ધંધારોજગાર થકી લાખો લોકો રોજીરોટી મેળવી રહ્યાં છે. જ્યારે પોર્ટમાં માત્ર 300 લોકોને ડાયરેક્ટ અને 2100 લોકોને ઇનડાયરેક્ટ રોજગારી મળશે જેની સામે હજારો લોકો બેરોજગાર બનશે.
ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી રમણ પાટકર ચૂંટણી સમયે વોટ માટે પોર્ટ નહી આવેનો વાયદો કર્યો હતો. પરંતુ હવે સ્થાનિક લોકોની સાથે વિરોધમાં જોડાવાને બદલે વિરોધને દબાવવાના પ્રયાસો કરી રહ્યા છે. નારગોલ ગામનો રમણીય દરિયા કિનારો હજારો પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. પરંતુ આ સુંદર અને રમણીય દરિયા કિનારાને વિકસાવવામાં પ્રવાસન વિભાગને કે ફોરેસ્ટ વિભાગને કોઇ રસ નથી. ઉમરગામ તાલુકાના નારગોલ બીચ અને સપાટ દરિયા કિનારો ગુજરાત જ નહી પરંતુ અન્ય રાજ્યોના હજારો પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. દરિયા કિનારે પાયાગત સુવિધાઓ ઉભી કરવાને બદલે વનરાજીથી ઘેરાયેલા ઘુઘવતા સાગરના તટને બંજર બનાવવાનું તરકટ રચ્યું.
નારગોલ સંરોડા, ખતલવાડાનો દરિયા કિનારો ઉત્તમ બીચ છે અનેક પ્રવાસીઓ માટે પીકનિક પોઇન્ટ બની રહ્યો છે. તો અંહિની સુંદરતાને સિરિયલ અને ફિલ્મોમાં કચકડે મઢવા અવારનવાર કલાકારોનો કાફલો શુંટીગ માટે આવતો હોય છે. નારગોલનો દરિયા કિનારો ઇકો ટૂરિઝમક્ષેત્રે અનેક પ્રવાસીઓને આકર્ષી શકે છે. પરંતુ આ સુંદર બીચને વિકસાવવાને બદલે માત્ર શરુના ઝાડ વાવી સંતોષ માન્યો છે. કોઇ જ સુવિધા નથી જો સુવિધાઓ સાથે આ કિનારાને વિકસાવવામાં આવે અને સાથે સાથે તેની નેચરલ બ્યુટીની જાળવણી કરવામાં આવે તો. અંહીના સ્થાનિક લોકોને રોજગારી, પ્રવાસીઓને એક રમણીય સ્થળ મળી શકે છે.
જો કે સ્થાનિક રાજકીય આગેવાનો, વન વિભાગના અધિકારીઓને આ લગડી જેવી જમીન પર ઉદ્યોગો સ્થાપી પર્યાવરણના ભોગે ખિસ્સા ભરવામાં રસ છે. એટલે જ સ્થાનિક લોકો બળાપો કાઢે છે કે રૂપાણી સરકાર નું આ નર્યું તરકટ છે. પ્રવાસનને રૂંધી પોર્ટ નિર્માણ કરવાની જાહેરાતો કરે છે. તીર્થ સ્થાનોને વિકસાવવાને બદલે જે જંગલ છે તે જંગલના ઝાડ કાપી ત્યાં કરોડોના ખર્ચે એવો બગીચો બનાવવા નીકળ્યા છે કે જેની પાછળ દર વર્ષે કરોડોનો ખર્ચ માવજત પાછળ થશે.