Friday, October 18News That Matters

Part -2- કનુભાઈએ બજેટમાં કરેલો બફાટ બુમરેન્ગ બનીને આવ્યો, હવે ડેમેજ કન્ટ્રોલ કરવા નીકળ્યા?

પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેકટ અને દમણગંગા-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેકટ થકી ચોમાસામાં વહી જતા પાણીને સૌરાષ્ટ્ર સુધી પહોંચાડી ખેતી ક્ષેત્રે પાણીની તંગી દૂર કરવાના આશયથી આગામી દિવસોમાં રિવરલીન્ક પ્રોજેકટ હાથ ધરવામાં આવશે. એવી જાહેરાત કેન્દ્ર સરકારના બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમને કરી હતી. જે બાદ ધરમપુર-કપરાડા તાલુકામાં ગામલોકો વિસ્થાપિત થશે તેવા ડરે વિરોધનો સુર ઉઠ્યો હતો. 
જો કે પીઢ રાજકારણી, વલસાડ જિલ્લાના ચાણક્ય ગણાતા નાણાપ્રધાન કનું દેસાઈએ આ વિરોધ ભવિષ્યમાં નડી શકે છે તેની શંકા સેવ્યા વિના જ ગુજરાત સરકારના બજેટમાં ધરમપુર કપરાડા વિસ્તારમાં પંચવર્ષીય યોજના હેઠળ 500 કરોડની ફાળવણી કરી હોવાની જાહેરાત કરી હતી. જેમાં કેન્દ્રીય નાણાપ્રધાનની રિવરલીન્ક પ્રોજેકટની જાણકારીના વખાણ કર્યા, પંરતુ એ ચોખવટ ના કરી કે તેમણે ફાળવેલ 500 કરોડ એ પ્રોજેકટ માટે નહીં પરંતુ આ વિસ્તારમાં નાના એટલે કે 10 મીટર આસપાસના ચેકડેમ બનાવી પાણી સંગ્રહ કરી સ્થાનિક લોકોને એ પાણી ખેતી માટે પુરી પાડવા માટે છે. બસ આ આટલી ચોખવટ નહિ કરવામાં નાણાપ્રધાન કનું દેસાઈ ભેખડે ભરાઈ ગયા છે. બજેટમાં કરેલો બફાટ બુમરેન્ગ બનીને આવ્યો છે. ને હવે આખું મંત્રીમંડળ ડેમેજ કન્ટ્રોલ કરવા નીકળ્યું છે.
આ તક આદિવાસી નેતા ગણાતા અનંત પટેલે ઊંચકી લીધી છે. કોંગ્રેસે આ મુદ્દાને હાઇજેક કરી ભાજપ સરકારને કઠેડામાં ઉભી કરી દીધી છે. જેની ચોખવટ કરવા અને મામલાને વધુ તંગ બનાવતા અટકાવવાના આદેશ કેન્દ્રમાંથી છૂટ્યા છે. આ તરફ ડેમનો મુદ્દો ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવી રહ્યો છે. વલસાડ-ડાંગ-નવસારીના આદિવાસી પટ્ટા માં તેનો જોરશોરથી વિરોધ થઈ રહ્યો છે. ઠેરઠેર સરકાર વિરોધી પ્રદર્શનો થઈ રહ્યા છે. જેનો ફાયદો અનંત પટેલ એન્ડ ટીમ ઉઠાવી રહી છે.
જ્યારે, જિલ્લાના આદિવાસી નેતા ગણાતા જીતુ ચૌધરી, નરેશ પટેલ, રમણ પાટકર, અરવિંદ પટેલની રાજકીય કારકિર્દીને ડામાડોળ કરી રહી છે. ખુદ ભાજપ સરકારને પણ આ મુદ્દો વસમો પડશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે  એટલે હવે આ મામલે જે ચોખવટ કનુભાઈએ બજેટમાં નહોતી કરી તે હવે કરી રહ્યા છે. જો કે એક કહેવત છે કે ન બોલવામાં નવ ગુણ, અને બોલે તેના બોર વેંચાય…. બસ કનુભાઈ નવ ગુણ બચાવવામાં બોલ્યા નહિ ને અનંત પટેલે બોલીને ભાજપ સરકારના બાર વગાડી દીધા!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *