Sunday, December 22News That Matters

વાપીમાં 2 વિધર્મીઓએ સગીરાનું અપહરણ કરી પાંચ દિવસ ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું

વાપી :- વાપી તાલુકા વિસ્તારમાંથી એક સગીરા ગુમ થઈ હોવાની ફરિયાદ તેમના માતાપિતાએ ડુંગરા પોલીસ મથકમાં નોંધાવ્યા બાદ અચાનક ઘરે પરત ફરેલી સગીરાએ તેમના માતાપિતાને હકીકતથી વાકેફ કરતા જણાવ્યું હતું કે 2 મુસ્લિમ યુવકોએ તેનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું છે. જે આધારે ડુંગરા પોલીસ મથકમાં દુષ્કર્મની અને અપહરણની ફરિયાદ નોંધાતા ડુંગરા પોલીસે આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર ઘટના અંગે વિગતો જોઈએ તો વાપીના ડુંગરા પોલીસ મથકમાં 10મી ઓગસ્ટના એક પરિવારે ફરિયાદ નોંધાવી હતી કે તેમની સગીર દીકરી 7મી ઓગષ્ટથી ગુમ થઈ છે. જે અંગે ડુંગરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જે દરમ્યાન 13મી ઓગસ્ટના ગુમ થયેલ સગીરા તેમના ઘરે પરત આવી હતી. સગીરા પરત આવતા તેના માતાપિતાએ પૂછપરછ કરતા સગીરાએ જણાવ્યું હતું કે, સલીમ સુરતઅલી અને ઇમરાન નાદાર નામના 2 મુસ્લિમ યુવકોએ તેનું અપહરણ કરી પાંચ દિવસ ગોંધી રાખી તેની સાથે દુષ્કર્મ આચર્યું છે.
આ હકીકત સાંભળતા 14મી ઓગસ્ટના પીડિતાના પરિવારજનોએ ડુંગરા પોલીસને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતાં. જે અંગે PSI જયદીપ સોલંકીએ ટેલિફોનિક વાતચીતમાં વિગતો આપી હતી કે સગીરા ગુમ થઈ ત્યારે ગુમની ફરિયાદ નોંધાઇ હતી. જે બાદ તેમણે તેમની સાથે બનેલ ઘટના વર્ણવતા ફરિયાદમાં અપહરણ અને દુષ્કર્મની કલમ ઉમેરી આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.
જો કે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ ચકચારી ઘટનામાં ડુંગરા પોલીસે કેસની ગંભીરતાને ધ્યાને રાખીને 2 યુવકો પૈકી 1 યુવકની અટકાયત કરી છે. અપહરણ કરનાર 2 મુસ્લિમ યુવકોએ તેના ઉપર વારંવાર દુષ્કર્મ આચર્યુ હોવાનું તેના પરિવારને સગીરાએ જણાવતા પરિવારના સભ્યો હતપ્રભ બની ગયા છે.
ડુંગરા પોલીસ મથકે સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર સલીમ સુરતઅલી અને ઇમરાન નાદાર સામે સગીરાના પરિવાર જનોએ FIR નોંધાવી હોઈ ડુંગરા પોલીસે સગીરાની ફરિયાદના આધારે ઇમરાન નાદર નામના ઇસમની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે. જ્યારે અન્ય ઇસમની ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *