Wednesday, January 15News That Matters

વલસાડમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે, 3602 લોકોનું સ્થળાંતર

પુરની સમસ્યામાંથી મુક્તિ મેળવવા પુલને 4 થી 5 મીટર ઉંચો બનાવવામાં આવશે….
વલસાડની જીવાદોરી સમાન ઔરંગા નદીમાં પૂર આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને પારવાર નુકશાન થયું હતું. જેથી ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ વહીવટી તંત્ર સાથે પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સમીક્ષા બેઠક કરી હતી. જેમાં કુદરતી આપત્તિથી અસરગ્રસ્ત થયેલા લોકોનું જીવન ફરી ધબકતુ થાય તે માટે અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. 
છીપવાડ દાણા બજારમાં પણ ભારે ખાનાખરાબી થતા વેપારીઓ સાથે પણ મંત્રીએ મુલાકાત કરી સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. પુરના કારણે વલસાડમાં ભારે ખાનાખરાબી સર્જાતા રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ જમીની સ્થિતિ શું છે તે જાણવા માટે પુર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. બાદમાં વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક કરી હતી. વલસાડપારડીના કાશ્મીર નગર અને બરૂડિયાવાડમાં સ્થિતિનો તાગ મેળવ્યા બાદ કહ્યું કે, કાયમી સમસ્યાના ઉકેલ માટે આ વિસ્તારના લોકો માટે એફોર્ડેબલ હાઉસિંગ બનાવવા માટે કાર્યવાહી કરાશે એવી હૈયાધરપત આપી હતી. નદીમાં પુરને કારણે કૈલાસ રોડ સ્મશાનભૂમિ પાસે ઔરંગા નદી પરનો પુલ ભારે ડેમેજ થયો હતો. જેની મુલાકાત લઈ બંને બાજુ ડ્રેજીંગ કરી પાળા બનાવવા માટે અધિકારીઓને સૂચન કર્યું હતું. પુર વખતે કાયમી સમસ્યામાંથી મુક્તિ મળી જાય તે માટે આ પુલને 4 થી 5 મીટર ઉંચો બનાવી ફોર લેન બનાવવા માટે દરખાસ્ત કરી હોવાનું જણાવ્યું હતું. જેથી આ મુલાકાત વેળા ઉપસ્થિત સ્થાનિક લોકોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી.
ભારે વરસાદના કારણે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર રસ્તા બિસ્માર બન્યા છે જેની મરામત કામગીરી માટે આર એન્ડ બી ડિપાર્ટમેન્ટને સૂચના આપી હતી. આ સિવાય હાલમાં ધસમસતા પાણીના વહેણને કારણે આર એન્ડ બી (પંચાયત)ના 65 અને સ્ટેટના 7 રસ્તા બંધ હોવાની માહિતી મેળવી હતી. નેશનલ હાઈવે પર હાઈમસ્ટ લાઈટ ચાલુ રાખવા માટે સૂચના આપી હતી. આ સિવાય નુકશાનીનો સર્વે 7 દિવસમાં પૂર્ણ કરી સરકારની માર્ગદર્શિકા મુજબ કેશડોલ અને ઘર વખરીની સહાય ચૂકવવા જણાવ્યું હતું. સંબંધિત ખાતાના અધિકારીએ કહ્યું કે, સર્વે ચાલુ થઈ ગયો છે, હરીયા ગામમાં કેશડોલ અને ઘર વખરી નુકશાનીની સહાય ચૂકવી દેવામાં આવી છે. ત્યારબાદ પુરગ્રસ્ત છીપવાડના દાણાબજારની મુલાકાત લઈ વેપારી એસોસિએશનના અગ્રણી સમીરભાઈ મપારા અને હર્ષદભાઈ કટારીયા સહિતના વેપારીઓ પાસેથી સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. વેપારીઓએ કહ્યું કે, પુર બાદ હાલમાં ક્લિનિંગની કામગીરી થઈ ગઈ છે, ચોમાસામાં પાણી ભરાવાના કારણે અનાજ પલળી જતા મોટુ નુકશાન થતુ હોવાથી ગોડાઉનો શીફ્ટ કરવાની બાહેધરી પણ વેપારીઓએ આપી હતી.
ઔરંગા નદીના કાંઠે આવેલા પુરગ્રસ્ત હનુમાન ભાગડા ગામની મંત્રી કનુભાઈએ મુલાકાત લઈ જ્યાં સુધી સ્થિતિ થાળે નહીં પડે ત્યાં સુધી પુર અસરગ્રસ્તો માટે રસોડુ ચાલુ કરવા માટે અધિકારીઓને જણાવ્યું હતું. વલસાડ શહેરના આર.એમ.પાર્ક ખાતે અનાવિલ પરિવાર અને લાયન્સ કલબ ઓફ વલસાડ દ્વારા અસરગ્રસ્ત થયેલા પરિવારોને વહીવટી તંત્રના સંકલનમાં રહીને ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું હોવાથી મંત્રીએ સમાજ અને સંસ્થાની કામગીરીને બિરદાવી હતી. મુલાકાત વેળા વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ, વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સન સોનલબેન સોલંકી, પાલિકા પ્રમુખ કિન્નરીબેન પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા અને જિલ્લા સંગઠનના અગ્રણી જોડાયા હતા.
અત્યાર સુધીમાં 3602 લોકોનું સ્થળાંતર કરાયું હોવાનું સમીક્ષા બેઠકમાં અધિકારીએ મંત્રીને જણાવ્યું હતું. ધારાસભ્ય ભરતભાઈ પટેલે દાંતીમાં પ્રોટેકશન વોલ બાબતે મંત્રીને રજૂઆત કરી હતી. બેઠકમાં જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની, નિવાસી અધિક કલેકટર એન.એમ.રાજપુત, વલસાડ પ્રાંત અધિકારી નિલેશ કુકડીયા, ધરમપુર પ્રાંત અધિકારી કેતુલ ઈટાલિયા, જિલ્લા પુરવઠા અધિકારી કાજલ ગામિત, સર્વે મામલતદારો અને ચીફ ઓફિસરો, પ્રાદેશિક કમિશનર મ્યુનિસિપાલિટી વી.સી.બાગુલ અને વલસાડ પાલિકાના ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલ સહિત અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *