Thursday, December 26News That Matters

વલસાડ જિલ્લા પોલીસે MISSION “MILAAP” અંતર્ગત છેલ્લા દસ માસમાં ગુમ/અપહરણ થયેલા 400 બાળકો/વ્યકિતઓને શોધી તેમના પરિવાર સાથે “મિલાપ” કરાવ્યો

વલસાડ જિલ્લા પોલીસે જિલ્લાના અલગ અલગ પોલીસ મથક વિસ્તારમાંથી ગુમ થયેલ કે અપહરણ થયેલ બાળકો/વ્યક્તિઓને શોધી કાઢવા MISSION “MILAAP” હાથ ધર્યું છે. આ અભિયાન હેઠળ વર્ષ 2024 ના જાન્યુઆરી મહિનાથી ઓક્ટોબર માં એમ માત્ર દસ મહિનામાં જ છેલ્લા 16 વર્ષથી ગુમ/અપહરણ થયેલ 112 બાળક/બાળકીઓ તથા 288 સ્ત્રી-પુરૂષ મળી કુલ- 400 જેટલા બાળકો/વ્યક્તિઓને શોધી કાઢી તમામનો તેમના પરિવાર સાથે મિલાપ કરાવ્યો છે.

આ અંગે વલસાડ જિલ્લા પોલીસે આપેલી વિગતો મુજબ ઘણાં ખરા કિસ્સાઓમાં ગુમ/અપહરણ બાળકો તથા વ્યકિતઓ (પુખ્તવયના) ગુજરાત રાજય બહાર રહેતા હોવાનું ધ્યાને આવ્યું હતુ. આ તમામ કિસ્સાઓમાં જિલ્લાના થાણા અધિકારીઓને જે તે રાજયના જે તે જિલ્લાના સરપંચો ગામના સભ્યો, સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેમજ ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે તપાસ કરી હતી. જે બાદ તમામ ગુમ/અપહરણ થયેલ બાળકો/વ્યકિતઓની જાહેરાત/ફરીયાદ આપનારનો સંપર્ક કરી તેના આધારે અલગ-અલગ ટીમો બનાવી અલગ-અલગ રાજયોમાં નવેસરથી ગુમ/અપહરણ થયેલ બાળકો/વ્યકિતઓને શોધી કાઢવાનું અભિયાન ચાલુ રાખી આ સફળતા મેળવી છે.

ગુમ/અપહરણ થયેલ 400 બાળકો/વ્યક્તિઓ માં 18 વર્ષ સુધીના 36 છોકરા અને 76 છોકરીઓ મળી કુલ 112 છોકરા/છોકરીઓનો સમાવેશ થાય છે. જ્યારે 18 વર્ષથી વધુ ઉંમરના પુખ્ત વ્યક્તિઓમાં 106 પુરુષો અને 182 સ્ત્રીઓ મળી કુલ 288 સ્ત્રીઓ-પુરુષોનો સમાવેશ થાય છે. જેઓનું તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં વલસાડ પોલીસ નિમિત્ત બની છે.

ઉલ્લેખનીય છે કે, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસઅધિકારી, વિકાસ સહાય, ગુ.રા.ગાંધીનગર, તથા પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગની સુચના અન્વયે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. ક૨ણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લાં 16 વર્ષમાં ગુમ/અપહરણ થયેલા બાળકો/બાળડી તથા વ્યકિતઓને શોધી કાઢવા અંગેની કામગીરી માટે જે તે સમયના કાગળો તથા રજિસ્ટરો ચેક કરી ફરીયાદી તથા સાહેદોનો સંપર્ક કરેલ સાથે સાથે ફરીયાદી અને સાક્ષીઓના નિવેદનો તેમજ તેમના બતાવેલ સરનામે શોધખોળ ચાલુ રાખી આ સફળતા મેળવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *