રાજ્યમાં વિધાનસભા ચૂંટણી 2022 જાહેર થાય તે પૂર્વે આમ આદમી પાર્ટીના વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લા પ્રભારી નો હવાલો સંભાળતા ડૉ. રાજીવ પાંડેએ પોતાનું રાજીનામુ આપી દીધું છે. એક તરફ આપ પાર્ટીમાં વલસાડ, ડાંગ, નવસારી માં આપ પાર્ટી દ્વારા વિધાનસભા ચૂંટણી ના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. ત્યારે જ આ પસંદગી પ્રક્રિયાથી નારાજ થઈ ડૉ. રાજીવ પાંડે એ પોતાના પદ પરથી રાજીનામું આપતા ખળભળાટ મચ્યો છે.
રાજીનામના પત્રને મોકલવા સાથે પ્રભારી ડૉ. રાજીવ પાંડે એ સોશ્યલ મીડિયામાં એક વીડિઓ પણ જાહેર કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિનો જો રબ્બર સ્ટેમ્પ તરીકે ઉપયોગ થાય તો તે ક્યારેય ઉચિત ના કહેવાય, તેઓ પાયાના કાર્યકર છે. દરેક પરિસ્થિતિથી તે વાકેફ હોય છે. તેમ છતાં જો પાર્ટીમાં તેમની અવગણના કરવામાં આવે તો તે યોગ્ય ના કહેવાય એટલે તેઓ પોતાના પદ પરથી સ્વૈચ્છીક રાજીનામુ આપે છે.
પ્રભારી પદ પરથી સ્વૈચ્છીક રાજીનામુ આપનાર ડો. રાજીવ પાંડે આપ પાર્ટીના જુના કાર્યકર છે. વર્ષ 2017માં તેઓએ આપ પાર્ટી તરફથી પારડી વિધાનસભા બેઠકમાં ઉમેદવારી કરી કારમી હાર સહન કરી હતી. તેમની આગેવાનીમાં જ પાર્ટીએ વાપી નગરપાલિકાની ચૂંટણી લડી હતી. જ્યારે હાલમાં વિધાનસભા બેઠકના પ્રમુખે ઉમેદવારોની પસંદગી બાબતે તેમની અવગરણા કરી હોવાથી પાર્ટીના હોદ્દા ઉપરથી રાજીનામુ આપ્યું છે. આમ આદમી પાર્ટીના સામાન્ય કાર્યકર તરીને રાજીવ પાંડે કામ કરશે તેમ જણાવ્યું હતું.
રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ પોતાની દાવેદારી નોંધાવી રહી છે. 182 વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારો ઉભા રાખીને વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે વલસાડ લોકસભા બેઠકના પ્રભારી ડૉ. રાજીવ પાંડેએ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલીયાને સંબોધીને તેમનું રાજીનામુ આપ્યું છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીમાં પાંડે ના રાજીનામાંને લઈ રાજકારણ ગરમાયુ છે.