વલસાડ જિલ્લામાં જિલ્લા બાળ સુરક્ષા એકમ હેઠળ કાર્યરત જિલ્લા બાળ કલ્યાણ સમિતિએ PM કેર ફંડ અને મુખ્યમંત્રી ફંડ હેઠળ જિલ્લામાં કોરોના સમયે માતા કે પિતા અથવા તો માતાપિતા બંને ગુમાવનાર ઝીરો થી 18 વર્ષના 500 જેટલા બાળકોને સહાય અપાવી ગુજરાત માટે નોંધપાત્ર કામગીરી કરી છે. જેને રાજ્યના નાણાપ્રધાન કનું દેસાઈએ સરાહનીય ગણાવી છે.
વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિએ કોરોના મહામારી દરમ્યાન ઝીરો થી 18 વર્ષના બાળકો માટે મહત્વની કામગીરી કરી બાળકોને માતાપિતા સમાન હુંફ આપી છે. જેમની આ કામગીરીના અભિનંદન પાઠવવા ગુજરાત રાજ્યના નાણાપ્રધાન કનું દેસાઈએ વલસાડ જિલ્લા બાળ સુરક્ષા એકમ કચેરીની મુલાકાત લઈ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ સોનલ સોલંકી અને તેમની ટીમને અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતાં.
વલસાડ જિલ્લામાં જિલ્લા બાળ સુરક્ષા એકમ હેઠળ કાર્યરત જિલ્લા બાળ કલ્યાણ સમિતિની કામગીરી અંગે કનું દેસાઈએ જણાવ્યું હતું કે, બાળ સુરક્ષા એકમમાં કામગીરી માટે જે ભરતી પ્રક્રિયા થાય છે. તે જજોની પેનલ દ્વારા કરવામાં આવે છે. જેઓ દરેક સમાજમાંથી આવે છે. અને દરેક સમાજના બાળકોના જે પ્રશ્નો હોય છે. તેને સાંભળીને તેનું નિરાકરણ કરે છે. વલસાડ જિલ્લાની બાળ કલ્યાણ સમિતિએ કોરોના કાળ દરમ્યાન અને હાલમાં પણ સારી કામગીરી કરી ગુજરાતમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે.
તો, જિલ્લા બાળ સુરક્ષા એકમ હેઠળ કાર્યરત જિલ્લા બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ સોનલ સોલંકીએ જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિએ કોરોના મહામારી દરમ્યાન ઝીરો થી 18 વર્ષનાં 500 બાળકો માટે મહત્વની કામગીરી કરી બાળકોને હૂંફ સાથે આર્થિક સહાય પ્રદાન કરી છે. કોરોના કાળમાં માતા કે પિતા અથવા તો માતાપિતા બંને ગુમાવનાર જિલ્લાના 500 બાળકોને મુખ્યમંત્રી ફંડમાંથી 2000 રૂપિયાની અને PM કેર ફંડ હેઠળ દર મહિને 4 હજારની સહાય પૂરી પાડી છે. જિલ્લાના 3 બાળકોને 23 વર્ષની ઉંમરના ના થાય ત્યાં સુધી 10 લાખની સહાય અપાવી મહત્વની કામગીરી કરી છે.
સોનલ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, તેમની આ કામગીરીમાં ઈશ્વરીય મદદ મળી હોવાનો અહેસાસ થયો છે. સમિતિ દ્વારા વાપી રેલવે સ્ટેશનથી દીકરીઓને વેચી દેવાના સ્કેન્ડલ નો પર્દાફાશ કરી પીડિત દીકરીઓને સુરક્ષિત છોડાવી ઘરે પહોંચતી કરી છે. ઉપરાંત મૂંઝવણમાં મૂકાયેલા અનેક બાળકોને સ્ટાફ દ્વારા કાઉન્સેલિંગ કરી સહાય પૂરી પાડી છે. આ કામગીરી દરમિયાન childline, બાળ સુરક્ષા, બાળ કલ્યાણ સમિતિના સહિયારા પ્રયત્નોથી સફળતા મેળવી છે. જેમાં રાજ્યના નાણા પ્રધાન કનું દેસાઈ નો પણ સંપૂર્ણ સહકાર મળતો રહ્યો છે.
જિલ્લા બાળ કલ્યાણ સમિતિને કોરોના દરમિયાન અને સામાન્ય દિવસોમાં ઝીરો થી 18 વર્ષના બાળકોની સુરક્ષા માટે જુવેનાઈલ જસ્ટીસ એક્ટ મુજબ વિશેષ વિટો પાવર એનાયત થયો છે. જેથી બાળકોના રક્ષણ માટે અને તેની કાળજી રાખી કાયદાકીય જવાબદારીમાં સફળ રહ્યા છે. પોલીસ તંત્રનો પણ ખૂબ જ સહયોગ મળતો હોય વલસાડ જિલ્લામાં બનતા કેસમાં એક કલાકમાં જ જાણકારી મેળવી પોક્સો કેસમાં સફળતા મેળવી છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા બાળ સુરક્ષા એકમ વલસાડ અને જિલ્લા બાળ કલ્યાણ સમિતિ દ્વારા વલસાડના ધરાસણા ગામેં શિશુ ગૃહ પણ ચલાવવામાં આવી રહ્યું છે. જ્યાં હાલમાં 13 બાળકોની ઉત્તમ સગવડ સાથે સાર સંભાળ લેવામાં આવી રહી છે.