Sunday, December 22News That Matters

વાપી GIDC ના પ્રદુષણ મામલે કોંગ્રેસ GPCB માં રજુઆત કરી ઉગ્ર આંદોલન કરશે!

વલસાડ જિલ્લામાં આવેલ વાપી GIDC ના એકમો દ્વારા પ્રદુષણ ફેલાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોવાના મામલે કોંગ્રેસ GPCB માં રજુઆત કરી ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી વલસાડ કોંગ્રેસે વાપીમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં આપી છે.
વાપી GIDC માં આવેલ એકમો દ્વારા ઝેરી ગેસ છોડી લોકોના આરોગ્ય સાથે ચેડાં થતા હોવાનો આક્ષેપ વલસાડ કોંગ્રેસે કર્યો છે. આ અંગે વલસાડ કોંગ્રેસ પ્રમુખ અને વાપી શહેર પ્રમુખે જણાવ્યું હતું કે, દર વર્ષે વાપીમાં શિયાળા ની ઋતુમાં પ્રદુષણ વધે છે. લોકોને શ્વાસ લેવામાં અનેક તકલીફો ઉભી થતી આવી છે. એ ઉપરાંત અસહ્ય દુર્ગંધ નો ત્રાસ વેઠવો પડી રહ્યો છે. ત્યારે આ મામલે આવા એકમો સામે GPCB કાર્યવાહી કરે તે માટે રજુઆત કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
શહેર પ્રમુખ નિમેષ વશીએ અને જિલ્લા પ્રમુખ દિનેશ પટેલે જણાવ્યું હતું કે આગામી સપ્તાહમાં આ અંગે પ્રદુષણનો અને પ્રદુષણ ઓકતા એકમો નો ડેટા એકત્ર કરી જિલ્લાભરના કોંગ્રેસી આગેવાનો સાથે GPCB ના અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવશે. અને કડક કાર્યવાહી થાય તે માટે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
નિમેષ વશીએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે હાલમાં વાપીના જે ડેટા AQI માં બતાવવામાં આવે છે તે ડેટા વિશ્વાસપાત્ર નથી. શહેરના લોકો પ્રદુષણથી ત્રાહિમામ છે. અનેક રોગના ભરડામાં આવી રહ્યા છે. GPCB પ્રદુષણ ફેલાવતા એકમોને છાવરી રહ્યું છે. ભૂતકાળમાં પણ વાપીને ક્રિટિકલ ઝોનમાંથી બહાર કાઢવા વાપીના દરેક એકમોને પ્રોડક્શન બંધ રખાવી ડેટા એકત્ર કરાયેલ હકીકતે વાપીમાં પ્રદુષણ ની માત્રા ખૂબ જ વધુ છે. જે પ્રદુષણ માપતા એકમ છે તેને પણ બંધ કરી દીધા છે. અથવા તો તેની દરકાર નહિ લઈને નષ્ટ કરી દીધા છે.
આ મામલે GPCP ગંભીર બને NGT માં પણ હાલ એક જ જજ હોય પોલિટિકલ પ્રેસર અને ફંડા હેઠળ રાજકારણીઓ ઉદ્યોગપતિઓ ને છાવરી ભ્રષ્ટાચાર કરી વાપી સહિતના એકમોમાંથી બેફામ પ્રદુષણ ફેલાવવામાં નિમિત્ત બની રહ્યા છે. ત્યારે કોંગ્રેસ આ મામલે ઉગ્ર આંદોલન કરી પ્રદુષણ ફેલાવતા એકમો સામે કાર્યવાહી થાય તેવી માંગ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *