Friday, October 18News That Matters

વાપી GIDC પોલીસ મથકમાં નોંધાઇ સદિયા સામે ધાકધમકી-જાનથી મારી નાખવાની ફરિયાદ

વાપી નજીક કોચરવા ગામે રહેતો અને વાપી GIDC માં મારામારી, ધાકધમકી આપવાના તેમજ પૈસા વસૂલી, જમીન પડાવવી જેવા ગુન્હામાં સંડોવાયેલ શરદ ઉર્ફે સદીયો દયાળ પટેલ અને તેના સાગરીતો સામે ક્રેનનો ધંધો કરતા તેમના જ ફળિયાના યુવકને જાનથી મારી નાખવાની ધમકી અને ઢીક્કા મુકી નો માર માર્યો હોવાની ફરિયાદ GIDC પોલીસ મથકમાં નોંધાઇ છે.  
વાપી GIDC પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ વાપી GIDC વિસ્તારમાં ફોરકલીપ અને ક્રેનથી લોડીંગ અનલોડીંગનું કામ કરતા હરિઓમ ફોરકલીપ એન્ડ ક્રેન સર્વિસના માલિક નિતિન ધીરૂ પટેલે ફરિયાદ નોંધાવી છે કે, તે વાપી GIDCમાં આવેલી અલગ અલગ કંપનીઓમાં 8 વર્ષથી લોડિંગ અનલોડીંગનું કામ કરે છે. જ્યારે સદીયો ઉર્ફે શરદ પટેલ છેલ્લા દોઢ વર્ષથી ક્રેન લઈ અલગ અલગ કંપનીઓમાં કામ કરતા અન્ય ક્રેન સર્વિસના માલિકોને ડરાવી ધમકાવી કંપનીઓના કોન્ટ્રાકટ છીનવી રહ્યો છે.
હાલમાં નીતિન પટેલ પણ જે કંપનીઓમાં પોતાના ફોરકલીપ અને ક્રેન ના કોન્ટ્રાકટ લઈને કામ કરે છે તે કંપનીઓના કોન્ટ્રાકટ છીનવી લેવા ધાકધમકી આપી રહ્યો છે. જે અનુસંધાને થોડા દિવસ પહેલા નિતીનને સદીયાએ અને સિધ્ધાર્થ ઉર્ફ અમીત દયાળ પટેલ, દિપકુમાર બલ્લુ પટેલે ઢીક્કા મુક્કીનો માર માર્યો હોઈ તે બાદ ફરી તેને તથા તેના ડ્રાઈવરને રોકી GIDC વિસ્તારમાં ક્રેઈનનું લોડીંગ અનલોડીંગનું કામ નહી કરવાનું જણાવી બેફામ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે આધારે નીતિન પટેલે GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કલમ 323, 504, 506/2 અને 114 મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદીએ આ અંગે ન્યાયની અને માથાભારે શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. ત્યારે અત્રે નોંધનીય છે કે બુટલેગરીમાંથી હપ્તા વસૂલી, મારામારી, ધાકધમકી આપવાના તેમજ જમીન પડાવવી જેવા ગુન્હામાં સંડોવાયેલ ઝનૂની સ્વભાવના સદીયો ઉર્ફે શરદ દયાળ પટેલ, સિધ્ધાર્થ ઉર્ફ અમીત દયાળ પટેલ, દિપકુમાર બલ્લુ પટેલ માથાભારે ઈસમો છે. શરદ ઉર્ફે સદીયા સામે આ પહેલા પણ અનેક વાર મારામારીના અને ધાકધમકી આપવાના ગુન્હા નોંધાયા છે. જ્યારે ફરિયાદ નીતિન ધીરુ પટેલ પણ દૂધે ધોયેલો નથી. GIDC નજીક કોચરવા ગામે 300થી વધુ રૂમો બનાવી તેને ભાડે આપવા ઉપરાંત, પાણીના ટેન્કર ચલાવવા સહિતની પ્રવૃતિઓમાં કાળા ધોળા કરનાર શખ્સ છે. એટલે હાલ પોલીસ પણ આ મામલે બંને પક્ષો વહેલામોડા સમાધાન કરી લેશે તેવી આશા સેવી પોતાનો રોટલો શેકવામાં મશગુલ બની છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં વાપી GIDC ની કંપનીઓમાં ક્રેન વડે લોડિંગ અનલોડિંગના કોન્ટ્રાકટ લઈ સદીયાએ ક્રેનના ધંધામાં ઝંપલાવ્યું છે. અને માત્ર દોઢ વર્ષમાં જ એક ક્રેઇન માંથી 3 ક્રેઇન વસાવી છે. આ ધંધામાં ખૂબ જ પૈસા હોવાનું જણાતા GIDC ની તમામ કંપનીઓના કોન્ટ્રાકટ પોતાના નામે કરી લેવા અન્ય ક્રેન સંચાલકોને ધાકધમકી આપી પોતાની વગ સ્થાપિત કરી રહ્યો છે. ત્યારે પોલીસ આવા માથાભારે ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી નહિ કરે તો નીતિન જેવા અન્ય કેટલાય ક્રેન ના માલિકોએ પોતાનો વર્ષોજુનો ધંધો જતો કરવો પડશે. અને ઉદ્યોગપતિઓએ આ માથાભારે ઇસમની દાદાગીરીને સહન કરવી પડશે. તેવી ભીતિ અન્ય ક્રેઇન માલિકો અને ઉદ્યોગપતિઓ સેવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *