Friday, October 18News That Matters

વલસાડ ભાજપે જિલ્લાના તમામ પત્રકારોને બદલે માનીતા પત્રકારોને આપી દિવાળી બક્ષિસ! માહિતીખાતાનું લિસ્ટ માત્ર કાર્યક્રમ પૂરતું?

વલસાડ ભાજપમાં હાલ કેટલાક પત્રકારોએ જાણે ભાજપ પાર્ટી પોતાના બાપની હોય તેવી હવા ચલાવી દિવાળી સમયે વલસાડ ભાજપ તરફથી મળતી દિવાળી બક્ષીશ માત્ર તેમના ગણ્યા ગાંઠ્યા ખાસ પત્રકારોને અપાવી ભાજપ સામે વેરના તણખા ઝરાવ્યાં છે. અને મસમોટી રકમ પોતાના ગઝવે ઘાલી તાગડધિન્ના કરી રહ્યા હોવાની વાત પત્રકાર આલમમાં ચર્ચાઈ રહી છે.

 

 

દિવાળી સમયે દરેક પત્રકારને રાજકીય પક્ષ તરફથી દિવાળી બક્ષીશ મળતી હોય છે. આ જગજાહેર છે. અને એમાં મોટેભાગે માહિતી ખાતાના લિસ્ટ મુજબ દરેક પત્રકાર, તંત્રી, સિનિયર પત્રકાર ને તેના હોદ્દા મુજબ બક્ષીશ અપાતી હોય છે. જો કે વલસાડ જિલ્લા ભાજપમાં હાલ કોઈ જ સ્કીલ્ડ નહિ ધરાવતા અને કનુભાઈના કઠપૂતળી બની ગયેલા વલસાડ જિલ્લા પ્રમુખ કંસારાને તેમના જ 2 ખાસ કહેવાતા પત્રકારોએ પોતાના અંગત પત્રકારોને દિવાળી કરાવતું લિસ્ટ રજૂ કરી દિવાળી કરાવી દેતા વલસાડ જિલ્લાના અન્ય પત્રકારોમાં નારાજગીનો સુર ઉઠ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ પોતાના વજન મુજબ પત્રકાર આલમમાં વર્ચસ્વ ઉભું કરવાની લ્હાયમાં અને પોતાને દિવ્યશક્તિ સ્વરૂપ માનતા પત્રકાર ને ભાજપ પ્રમુખે પત્રકારોનું લિસ્ટ બનાવી દિવાળી બક્ષીશ આપવાનું કહ્યું હતું. એટલે આ દિવ્યશક્તિ સ્વરૂપ માનતા પત્રકારે બીજા એક પોતાને રાજા માનતા પત્રકાર સાથે મળી તેમના માનીતા પત્રકારોનું લિસ્ટ બનાવી તેમને સારી એવી બક્ષીશ દિવાળી નિમિતે અપાવી દીધી. જ્યારે આ અંગે અન્ય પત્રકારોને જાણ થતાં તેમણે આ અંગે પૃચ્છા કરતા હવે આ પત્રકારના હિતેચ્છુઓ ભાજપ પ્રમુખ પર ખો આપી રહ્યા છે. અને ભાજપ પ્રમુખ આ ઠેકો લેનારા પર ખો આપી રહ્યા છે.
જો કે પ્રમુખનું તો સમજ્યા કેમ કે તે આમેય કઠપૂતળી પ્રમુખ છે. હજુ સુધી તેના કાર્યકાળમાં મહત્વનું કહી શકાય તેવું એક પણ કામ નથી થયું તેવું ખુદ ભાજપના કાર્યકરો માને છે. અને એવી જ હાલત પત્રકારો નો ઠેકો લેનાર દિવ્યસ્વરૂપ અને રાજા સમજતા બને લોભીયાઓનું છે. જેઓ ક્યારેય પત્રકારો માટે અવાજ ઉઠાવવા આગળ આવ્યા નથી. એસોસિએશનના પ્રમુખ બની પોતાનું સાચવ્યું અને જેવા પ્રમુખપદથી હટયા કે તરત જ અનેક કાવતરા કરી એસોસિએશનને જ વિખેરી નાખ્યું. હવે આવા લોકો પર વલસાડ ભાજપ ભરોસો કરે તો પછી જિલ્લાના પત્રકારોએ સહન કરવાનું જ આવે અને એની દાઝ ભાજપે ખમવાની આવે.
વલસાડ જિલ્લો 6 તાલુકામાં વંહેચાયેલો છે. પારડી, વાપી, ઉમરગામ, ધરમપુર, કપરાડા અને વલસાડ આ તમામ તાલુકાઓમાં સિનિયર અને સારી છાપ ધરાવતા પત્રકારો છે. પરંતુ તે તમામ ની અવગણના કરી માત્ર વલસાડ શહેરમાં સેવા બજાવતા પત્રકારો નું લિસ્ટ જ બનાવી દિવાળી બક્ષીશ અપાવવી એ કયાનો ન્યાય? એટલી સમજણ પણ ભાજપ પ્રમુખને ના હોય તે ભાજપ કાર્યકરો માટે પણ શરમજનક છે. જો કનુંભાઈ વાપી સહિત સમગ્ર જિલ્લાના પત્રકારોને માન આપતા હોય તો પછી પ્રમુખ કંસારા કેમ નથી આપતા એવો પ્રશ્ન પણ જિલ્લાના અન્ય તાલુકાના પત્રકારોમાં ઉઠ્યો છે. અને કોઈ કાર્યક્રમ દરમ્યાન જેમ માહિતી ખાતાના લિસ્ટને માન્ય ગણે છે તો દિવાળી બક્ષીશ આપવામાં તે કેમ અમાન્ય થયું? જો કે જે હોય તે પણ આ ઘટના બાદ હાલ માનીતા-અણમાનીતા નું લિસ્ટ બનાવનાર આ મહાશયને હજુ પણ વલસાડ ભાજપ પડખે રાખશે તો વધુ મોટી સુળ તેમને ભોંક્યા વિના નહિ રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *