Sunday, December 22News That Matters

વલસાડની 5 બેઠકો મળી અંદાજિત 65.24 ટકા મતદાન, 35 ઉમેદવારોનું ભાવિ EVM માં સીલ

વલસાડ જિલ્લામાં ગુરુવારે સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીમાં અંદાજિત 65.24 ટકા મતદાન નોધાયું છે. જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થતા તંત્રએ હાંશકારો અનુભવ્યો હતો. જિલ્લામાં કપરાડા બેઠક પર સૌથી વધુ તો, વલસાડ બેઠક પર સૌથી ઓછું મતદાન નોંધાયું હતું.

 

 

વલસાડ જિલ્લામાં સવારે 8:00 વાગ્યે શરૂ થયેલ વિધાનસભા ચૂંટણી 2022 નું મતદાન સાંજે 5:00 વાગ્યે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું વલસાડ જિલ્લામાં કુલ પાંચ બેઠકો પર સવારે 8:00 વાગ્યાથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં શરૂઆતમાં EVM ખરાબ થવા સાથે અને મતદારોના નામ મતદાર યાદીમાંથી ગાયબ થવા સિવાય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો

 

વલસાડ જિલ્લામાં સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ચાલેલી મતદાન પ્રક્રિયા દરમ્યાન જિલ્લામાં સરેરાશ 65.24 ટકા મતદાન નોંધાયું છે. જેમાં ધરમપુર બેઠક પર 64.77 ટકા, વલસાડ બેઠક પર 61.31 ટકા, પારડી બેઠક પર 63.35 ટકા, કપરાડા બેઠક પર 75.17 ટકા, ઉમરગામ બેઠકમાં 61.75 ટકા મતદાન નોંધાયું હતું.
જિલ્લાની પાંચેય બેઠક પર મતદારોએ સવારથી જ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. મતદારોએ કતારમાં ઉભા રહી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કર્યું હતું. જિલ્લામાં મતદાનને લઈ 103 વર્ષના વૃદ્ધ થી 18 વર્ષીય યુવાનોએ પોતાનો કિંમતી મત આપી લોકશાહી પર્વની ઉજવણી કરી હતી. મતદાન દરમ્યાન એકાદ બે સ્થળ પર મશીન ખોટકાવાની સમસ્યા સિવાય ખાસ કોઈ મોટી સમસ્યા નડી નહોતી.
વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા અને ઉમરગામ એમ પાંચ વિધાનસભા બેઠકો પર કુલ 35 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં મુખ્યત્વે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખ્યો જંગ જામ્યો હતો. મતદાનના દિવસે જિલ્લાના કુલ 1395 મતદાન મથક પર મતદારોએ અભૂતપૂર્વ પ્રતિસાદ બતાવી મતદાન કર્યું હતું.
તમામ પક્ષોના અગ્રણીઓએ પણ મતદાન કરી જીતના દાવા કર્યા હતા. જિલ્લામાં કુલ 13,28,992 મતદારો નોંધાયેલા છે. સવારના આઠથી સાંજના પાંચ વાગ્યા સુધીમાં જિલ્લામાં સરેરાશ 65.24% આસપાસ મતદાન નોંધાયું હતું. સાંજે પાંચ વાગ્યે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતાં તમામ ઉમેદવારોનું ભાવિ EVM માં કેદ થયું હતું. તમામ EVM ને હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ વિવિધ વાહનો મારફતે પારડી ની કન્યા શાળા ખાતે સ્ટ્રોંગ રૂમ માં રાખવામાં આવશે. જે બાદ આગામી 8મી ડિસેમ્બરે તમામ EVM ચેક કરી મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.
2017માં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારને મળેલા મતની ટકાવારી…….
અત્રે નોંધનીય છે કે ગત ટર્મ 2017માં વલસાડ જિલ્લામાં થયેલ વિધાનસભા દીઠ મતદાનમાં ધરમપુર બેઠક પર ભાજપના ઉમેદવારને 53.53 ટકા, કોંગ્રેસના ઉમેદવારને 40.48 ટકા, વલસાડ બેઠક પર ભાજપના ઉમેદવાર ને 60.49 ટકા, કોંગ્રેસના ઉમેદવારને 34.87 ટકા મત મળ્યા હતાં. પારડી બેઠક પર ભાજપના ઉમેદવારને 64.23 ટકા, કોંગ્રેસના ઉમેદવારને 30.22 ટકા મત મળ્યા હતાં. કપરાડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને 47.59 ટકા તો, ભાજપના ઉમેદવારને 47.50 ટકા મત મળ્યા હતાં. જ્યારે ઉમરગામ બેઠક પર ભાજપના ઉમેદવારને 60.87 ટકા જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 34.22 ટકા મત મળ્યા હતા. જો કે 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હોય ભાજપની માતબર માર્જિનથી જીત મેળવવાની આશા ને કેટલી અસર પહોંચાડી તે તો હવે પરિણામ બાદ જ જાણવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *