વલસાડ જિલ્લામાં જેઠ મહિનામાં વરસેલા સામાન્ય વરસાદ બાદ આજે અષાઢી એકમથી જિલ્લામાં સાર્વત્રિક મેંઘમહેર શરૂ થઈ છે. વહેલી સાવરથી વરસી રહેલા વરસાદથી ખેડૂતોમાં અષાઢી બીજના વાવણી કરવાની ખુશી વ્યાપી છે. તો વરસાદને કારણે શહેરી વિસ્તારમાં રસ્તાઓ તરબોળ થયા હતાં. વલસાડ જિલ્લામાં પાછલા 30 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. બપોરના 12 વાગ્યા સુધીના વલસાડ તાલુકામાં 6.88 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે પારડીમાં 4 ઇંચ અને વાપી-ધરમપુર માં 2-2 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.
વલસાડ જિલ્લાના વાપીમાં ગુરુવારે સવારે 11 વાગ્યા આસપાસ ધોધમાર વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાયા હતાં. સવારથી છુટા છવાયા છાંટા રૂપે વરસતા વરસાદની અચાનક હેલી આવતા રસ્તાઓ પર પાણી વહેવા સાથે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં. ભારે વરસાદ સાથે પવનનું પણ જોર વધ્યું હતું. જેને કારણે માર્ગ પર દૂરના દ્રશ્યો ધૂંધળા બનતા વિઝીબિલિટી ઘટી હતી. ભારે વરસાદમાં જનજીવન પ્રભાવિત થતું જોવા મળ્યું હતું.
તો, વલસાડ જિલ્લામાં પડેલા વરસાદની વાત કરીએ તો, જૂન મહિનામાં વલસાડ જિલ્લામાં સામાન્ય વરસાદ વરસ્યો છે. જ્યારે 30મી જુનના અંતિમ દિવસે અને અષાઢ મહીનાના પ્રથમ દિવસે સમગ્ર જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસતા ખેડૂતો માં હરખની હેલી છવાઈ છે. જિલ્લામાં મોટેભાગે અષાઢી બીજના ખેડૂતો તેમના ખેતરમાં વાવણીની શરૂઆત કરતા હોય છે. જેમાં પાછલા ત્રણેક વરસથી અષાઢી બીજ અને તે પહેલાના દિવસો કોરો જતા હોય વાવણીનું શુભ મુહરત સચવાતું નહોતું. જો કે આ વર્ષે અષાઢી બીજના એક દિવસ પહેલા જ સમગ્ર જિલ્લાના સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ વાવણીને લઈને ખુશીનો માહોલ છે.
ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લામાં છેલ્લા 30 કલાકથી સારો વરસાદ વરસી રહ્યો છે. જેમાં 29મી જુનના સવારના 6 વાગ્યાથી 30મી જૂનના 12 વાગ્યા સુધીના કન્ટ્રોલ રૂમ તરફથી મળેલા આંકડા મુજબ ઉમરગામ તાલુકામાં 14mm, કપરાડા તાલુકામાં 20mm, ધરમપુર તાલુકામાં 36mm, પારડી તાલુકામાં 96mm, વલસાડ તાલુકામાં 172mm, વાપી તાલુકામાં 42mm વરસાદ વરસ્યો છે.
જ્યારે જિલ્લામાં વરસેલા સીઝનના કુલ વરસાદની વાત કરીએ તો, ઉમરગામ તાલુકામાં 367mm, કપરાડા તાલુકામાં 286mm, ધરમપુર તાલુકામાં 284mm, પારડી તાલુકામાં 343mm, વલસાડ તાલુકામાં 645mm, વાપી તાલુકામાં 287mm વરસાદ વરસ્યો છે. જિલ્લાના સૌથી મોટા મધુબન ડેમની હાલની સપાટી 69.30 મિટરે સ્થિર છે. ઉપરવાસમાં વરસાદ નહિવત હોય ઇન ફ્લો ઝીરો છે. દમણગંગા નદીમાં વહી જતા પાણીનો આઉટ ફ્લો 353 ક્યુસેક છે.