Friday, October 18News That Matters

વાપી રેલવે સ્ટેશને અજાણી મહિલાનું ટ્રેન અડફેટે મોત, ચલાના રોયલ ડ્રિમના ફ્લેટમાંથી વૃદ્ધ મૃત હાલતમાં મળ્યા

વલસાડ જિલ્લાના વાપી રેલવે સ્ટેશને બુધવારે વહેલી સવારે એક 50 વર્ષીય વૃદ્ધા નું ટ્રેન અડફેટે મોત નીપજ્યું હતું. જેની ઓળખ માટે વાપી રેલવે પોલીસ સ્ટેશન દ્વારા જાણકારી આપવા અપીલ કરાઈ છે. તો, ચલામાં આવેલ રોયલ ડ્રિમ સોસાયટીના એક ફ્લેટમાંથી એક વૃદ્ધનો મૃતદેહ પણ મળી આવ્યો હોય અને પારડીમાં પણ એક આપઘાતનો બનાવ બન્યો હોય પંથકમાં અરેરાટી ફેલાઈ છે.

 

વાપીના જમીયત ઊલમાં ટ્રસ્ટ વાપીના ઇન્તેખાબ ખાને વિગતો આપી હતી કે, વાપી રેલવે પોલીસ સ્ટેશન તરફથી તેમને ફોન આવેલ કે રેલવેમાં એક 50 વર્ષીય મહિલા કપાઈ ગઈ છે. જે બાદ તેમની સંસ્થાના સભ્યો સાથે તે વાપી રેલવે સ્ટેશને પહોંચી મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે ચલા સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ માટે લઈ જઈ રહ્યા છે.

મૃતકની ઓળખ અંગે વાપી રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈએ અને નરેન્દ્રસિંહે વિગતો આપી હતી કે, બુધવારે 3જી મેં ના વહેલી સવારે વાપીથી પસાર થતી દિલ્હી સરાઈ રોહિલ્લા – બાંદ્રા ટર્મિનલ ગરીબ રથ એક્સપ્રેસની અડફેટર એક 50 વર્ષીય વૃદ્ધા આવી ગયા હતાં. ટ્રેન તેના પરથી પસાર થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકના કોઈ વાલી વારસની ભાળ મળી ન હોય તેના વાલી વારસ ની શોધખોળ હાથ ધરી છે. તેમજ જાહેર જનતાને તેની ઓળખ આપવા અપીલ કરી છે.

વાપીમાં રેલવે સ્ટેશને વૃદ્ધ મહિલાના મૃતદેહને સરકારી દવાખાના સુધી પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની સેવા બજાવતા ઇન્તેખાબ ખાને વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 2 દિવસમાં આપઘાત અકસ્માતના 3 બનાવો બન્યા છે. જેમાં ગત રાત્રે વાપીના ચલા વિસ્તારમાં આવેલ રોયલ ડ્રિમ સોસાયટીમાં C વિંગ ના 301 નંબરના ફ્લેટમાંથી એક 74 વર્ષના વૃદ્ધનો મૃતદેહ મળ્યો હતો.

મૃતક ભાગચંદ ઝવરની પુત્રી અને જમાઈ ત્રણેક વરસથી મુંબઈ નોકરી અર્થે રહેતા હોય, 74 વર્ષીય વૃદ્ધ ફ્લેટમાં એકલવાયું જીવન ગુજારતા હતાં. જેને ત્રણેક દિવસથી તેમની પુત્રી ફોન પર કોન્ટેક કરવાના પ્રયત્ન કરતી હતી જે સફળ નહિ થતા પાડોશીઓને જાણ કરી હતી. પાડોશીઓએ પોલીસની મદદથી દરવાજો તોડી ચેક કરતા વૃદ્ધનો મૃતદેહ ફ્લેટમાંથી મળી આવ્યો હતો. જેને જમીયત ઉલમાં ટ્રસ્ટ વાપીના ઇન્તેખાબ ખાન અને સભ્યોએ એમ્બ્યુલન્સ મારફતે ચલા રવાના કર્યો હતો. ઇન્તેખાબ ખાનની ટીમ પારડીમાંથી પણ એક આપઘાત કરેલી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં મદદરૂપ બની હતી.

ઉલ્લેખનીય છે કે ઇન્તેખાબ ખાન અને તેમની ટીમના સભ્યો દ્વારા છેલ્લા 35 વરસથી બિનવારસી મૃતદેહને ઉચકવા 4 એમ્બ્યુલન્સ મારફતે આ સેવા પૂરી પાડે છે. જેમાં જે મૃતકના વાલી વારસ નથી મળતા તેવા હતભાગીઓના જે તે ધર્મ મુજબ અગ્નિસંસ્કાર કે દફનવિધિ કરી તેનો રેકોર્ડ પણ સંસ્થામાં રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *