Friday, October 18News That Matters

‘હર ઘર તિરંગા’ના નારાથી પ્રેરણા લઈ ‘હર ઘર રક્તદાતા…. ઘરઘર રક્તદાતા’ અભિયાન હેઠળ ભારતભ્રમણ પર નીકળેલા સાયકલ યાત્રીનું વાપીમાં સન્માન

ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના 75માં વર્ષે અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે હર ઘર તિરંગા નું આહવાન કર્યું હતું. જેમાંથી પ્રેરણા લઈ દેશમાં રક્તદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તેવા ઉદેશ્ય સાથે સાયકલ પર ભારત ભ્રમણ કરવા નીકળેલા પશ્ચિમ બંગાળના કલકત્તાના સાયકલ યાત્રી જયદેવ રાઉતનું વાપીમાં આવેલ પુરીબેન પોપટ લાખા લાયન્સ બ્લડ બેન્ક ખાતે સન્માન કરવામાં આવ્યું હતું.

વાપીમાં વર્ષોથી રક્તની ઘટ નિવારવા પુરીબેન પોપટ લાખા લાયન્સ બ્લડ બેન્ક જરૂરીયાત મંદ દર્દીઓને રક્ત પૂરું પાડી રહી છે. આ બ્લડ બેન્ક ખાતે શનિવારે રક્તદાન અંગે લોકોમાં જાગૃતિ આવે તેના પ્રચાર માટે નીકળેલા સાયકલ યાત્રી જયદેવ રાઉતનું સન્માન કરવામાં આવ્યું હતું. લાયન્સ બ્લડ બેન્ક ખાતે જયદેવ રાઉતનું બ્લડ બેંકના ફાઉન્ડર મેમ્બર કેતન જોશી અને VIA ના પ્રમુખ કમલેશ પટેલ તેમજ સ્ટાફ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાયકલ યાત્રી જયદેવ રાઉતે જણાવ્યું હતું કે, તે ફેડરેશન ઓફ બ્લડ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયાના સભ્ય અને બ્રાન્ડ એમ્બેસેડર છે. જેઓ સંસ્થાના જનરલ સેક્રેટરી અપૂર્વ ઘોષના માર્ગદર્શન હેઠળ ભારતભરમાં સાયકલ યાત્રાએ નીકળ્યા છે. તેમની સંસ્થા રક્તદાન પ્રત્યે દેશભરમાં જનજાગૃતિનું અભિયાન ચલાવે છે. ગત વર્ષે દેશની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘરઘર તિરંગા અભિયાન ચલાવ્યું હતું. જેમાંથી પ્રેરણા લઈ ‘હર ઘર રક્તદાતા ઘર ઘર રક્તદાતા’ ના ઉદેશ્ય સાથે ‘મિશન રક્તક્રાંતિ હિન્દુસ્તાન’ અભિયાન હાથ ધર્યું છે.


જયદેવ રાઉતે ગત 1 ઓક્ટોબર 2022ના કલકત્તાથી આ સાયકલ યાત્રાનો આરંભ કર્યો હતો. જે ઝારખંડ, બિહાર, યુપી, દિલ્હી, જમ્મુ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન થઈ ગુજરાતમાં સૌરાષ્ટ્ર,મધ્ય ગુજરાતમાં સાયકલ પર પ્રવાસ ખેડી દક્ષિણ ગુજરાતમાં વાપી ખાતે આવ્યા હતા. અહીંથી તેણે મહારાષ્ટ્ર તરફનો પ્રવાસ શરૂ કર્યો હતો.

જયદેવ રાઉત દેશના યુવાનોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ આવે, લોકો વધુ માં વધુ રક્તનું દાન કરે, દેશમાં આધુનિક બ્લડ બેંકની સ્થાપના થાય તેવા ઉદેશ્ય સાથે આ 25000 કિલોમીટર ની યાત્રાએ નીકળ્યા છે. જેમાં દેશભરના રક્તદાતાઓ તરફથી તેમજ બ્લડ બેન્ક જેવી સંસ્થાઓ તરફથી ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે. અત્યાર સુધીની યાત્રામાં ક્યાંય કોઈ અડચણ આવી નથી.

વાપીમાં લાયન્સ બ્લડ બેન્ક ખાતે સાયકલ યાત્રી જયદેવ રાઉતનું બ્લડ બેંકના ફાઉન્ડર મેમ્બર કેતન જોશીએ અને VIA પ્રમુખ કમલેશ પટેલે સ્વાગત કરી જણાવ્યું હતું કે, અમે વાપીમાં વર્ષોથી રક્ત કેન્દ્ર ચલાવીએ છીએ એ નિસ્વાર્થ કામ જેવું જ કાર્ય જયદેવ રાઉત ભારતભ્રમણ સાથે કરી રહ્યા છે. વલસાડ જિલ્લો ખુશનસીબ છે કે અહીં 5 જેટલી બ્લડ બેન્ક છે. પરંતુ તેમ છતાં અનેક વખત રક્તની ઘટ સર્જાય છે. જેમાં જનજાગૃતિ ખૂબ જ જરૂરી છે. અમે પણ લોકોને અપીલ કરીએ છીએ કે દરેક યુવાને યુવતીએ વર્ષમાં 4 વખત નહિ તો 2 કે 3 વખત અવશ્ય રક્તદાન કરવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે મિશન રક્તક્રાંતિ હિન્દુસ્તાન અભિયાન હેઠળ 25000 કિલોમીટર ની સાયકલ યાત્રાએ નીકળેલ જયદેવ રાઉત આ પહેલા વર્ષ 2018માં પણ સાયકલ પર ભારતભ્રમણ પર નીકળ્યા હતાં. તે સમયે પણ વાપીમાં લાયન્સ બ્લડ બેન્ક ખાતે તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રા પણ નિર્વિઘ્ને પૂર્ણ થાય અને લોકો માં રક્તદાન પ્રત્યે જાગૃતિ આવે તેવી શુભકામના પાઠવી હતી.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *