વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગુમ/અપહરણ થયેલા બાળકો/વ્યકિતઓને શોધી તેમના પરિવારને સોંપવા મિશન મિલાપ/MISSION “MILAAP” અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન હેઠળ વર્ષ 2025ના જાન્યુઆરી (ફક્ત એક) મહિનામાં જ ગુમ/અપહરણ થયેલા 42 સગીરવયના બાળકો/વ્યકિતઓને શોધી પરિવાર સાથે મેળાપ કરાવ્યો છે. નવાઈની વાત એ છે કે, આ ગુમ થયેલાઓમાં સૌથી વધુ સંખ્યા સગીરાઓની અને પુખ્તવયની સ્ત્રીઓની છે. જે સમાજ માટે અતિ ગંભીર બાબત છે.
વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગુમ થયેલ બાળકોને શોધી તેમના પરિવારને સોંપવા મિશન મિલાપ/ MISSION “MILAAP” અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન હેઠળ વર્ષ 2024 ના જાન્યુઆરી થી ડીસેમ્બર સુધીના એક વર્ષ દરમિયાન સને 2008 થી 2024 ના વર્ષોમાં ગુમ/અપહરણ થયેલ 223 બાળક/બાળકીઓ તથા 345 સ્ત્રી-પુરૂષ મળી કુલ-568 ને શોધી કાઢવામાં મોટી સફળતા મેળવી હતી. આ અભિયાન હેઠળ જાન્યુઆરી – 2025 એમ ફકત એક જ માસના ટુંકા ગાળામાં ગુમ/અપહરણ થયેલ 13 બાળક/બાળકીઓ તથા 18 સ્ત્રી-પુરૂષ મળી કુલ- 31 તથા અન્ય જીલ્લા/રાજયના ગુમ/અપહરણ થયેલ 08 બાળકો, 03 સ્ત્રી-પુરૂષ મળી કુલ 42 વ્યકિત/બાળકોને શોધી કાઢવામાં મોટી સફળતા મેળવી છે.
આ અંગે વલસાડ પોલીસે આપેલી વિગતો મુજબ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય, ગુ.રા.ગાંધીનગર, તથા પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ, સુરત વિભાગની સુચના તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. ક૨નરાજ વાઘેલાના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લાં બે વર્ષમાં ગુમ/અપહરણ થયેલા બાળકો/બાળકી તથા વ્યકિતઓને શોધી કાઢવા ‘Mission Milaap’ Mission For Identiflying & Locating Absent Adolescents & Persons અભિયાન હાથ ધરવામા આવ્યું છે. જે માટે જે તે સમયના કાગળો તથા રજિસ્ટરો ચેક કરી ફરીયાદી તથા સાહેદોનો સંપર્ક કર્યો હતો. સાથે સાથે ફરીયાદી અને સાક્ષીઓના નિવેદનો તેમજ તેમના બતાવેલ સ૨નામે શોધખોળ ચાલુ રાખી હતી.
ઘણાં ખરા કિસ્સાઓમાં ગુમ/અપહરણ બાળકો તથા વ્યકિતઓ (પુખ્તવયના) રાજય/જીલ્લા બહા૨ ૨હેતા હોવાનું ધ્યાને આવ્યું હતુ. આ તમામ કિસ્સાઓમાં જિલ્લાના થાણા અધિકારીઓને જે તે રાજય/જીલ્લામાં જે તે જિલ્લાના સ૨પંચો ગામના સભ્યો, સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેમજ ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે તપાસ કરાવી હતી. તમામ ગુમ/અપહરણ થયેલ બાળકો/વ્યકિતઓની જાહેરાત/ફરીયાદ આપનારનો સંપર્ક કર્યો હતો. જેના આધારે અલગ-અલગ ટીમો બનાવી અલગ-અલગ રાજયોમાં નવેસરથી ગુમ/અપહરણ થયેલ બાળકો/વ્યકિતઓને શોધી કાઢવા સાંરૂ સધન અભિયાન ચાલુ રાખી આ સફળતા મેળવી છે.
ઉલ્લેખનીય છે કે, MISSION “MILAAP” Mission For Identiflying & Locating Absent Adolescents & Persons અભિયાનની આ કામગીરીમાં ઝીરો થી 18 વર્ષના બાળકોમાં વલસાડ જિલ્લાના પાંચ છોકરાઓ, અન્ય રાજ્યના 4 છોકરાઓ જ્યારે 18 વર્ષથી વધુ વયના પુરુષોમાં વલસાડ જિલ્લાના 07 અન્ય રાજ્યના એક મળી કુલ 17 બાળકો પુરુષોનો સમાવેશ થયો છે. જેની સરખામણીએ ઝીરો થી 18 વર્ષની છોકરીઓમાં વલસાડ જિલ્લાની 8 અન્ય રાજ્યની 4 અને 18 વર્ષથી ઉપરની સ્ત્રીઓમાં વલસાડ જિલ્લાની 11 અને અન્ય રાજ્યની 2 મળી કુલ 25 છોકરીઓ/ સ્ત્રીઓનો સમાવેશ થયો છે. જે જોતા એકંદરે ગુમ કે અપહરણની ઘટનાઓમાં સગીરાઓની અને પુખ્ત વયની મહિલાઓની સંખ્યા વધુ હોય આ બાબત સમાજ માટે ખૂબ જ ચિંતાજનક છે.