Tuesday, February 25News That Matters

વલસાડ જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી

વલસાડ જિલ્લામાં એક જિલ્લા પંચાયતની અને છ તાલુકા પંચાયતની બીજા અઢી વર્ષના સમયગાળા માટે પ્રમુખ ઉપપ્રમુખની વરણી બાબતે જિલ્લા પંચાયતમાં વલસાડ કલેકટરના અધ્યક્ષસ્થાને તેમજ દરેક તાલુકા પંચાયતમાં પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ શાસિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં તમામ પ્રમુખ-ઉપપ્રમુખ ની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

વલસાડ જિલ્લા પંચાયત ખાતે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મનહરભાઈ ડાહ્યાભાઈ પટેલ જ્યારે ઉપ પ્રમુખ તરીકે બ્રિજનાબેન ચિંતનભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. જેઓને ઉપસ્થિત જિલ્લા પંચાયતના તમામ સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતાં.

આ ઉપરાંત જિલ્લા ની છ તાલુકા પંચાયત જેવી કે ધરમપુર, કપરાડા, વલસાડ, વાપી, પારડી અને ઉમરગામ તાલુકા પંચાયતમાં પણ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાનું આયોજન કરી તાલુકા પ્રમુખ, ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

જેમાં વલસાડ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે મીનાબેન સંજયસિંહ ઠાકોર અને ઉપ પ્રમુખ સુનિલભાઈ ગોપાળજી ટંડેલની વરણી કરવામાં આવી હતી. ધરમપુર તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે પિયુષકુમાર નાનજીભાઈ માહલાની અને ઉપપ્રમુખ તરીકે કમલબેન હરિલાલ ચૌધરીની વરણી કરવામાં આવી હતી. પારડી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે દક્ષેશભાઈ છોટુભાઈ પટેલની અને ઉપ પ્રમુખ તરીકે ડિમ્પલબેન ઉમેશભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. વાપી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મનોજભાઈ કિકુંભાઈ પટેલની અને ઉપ પ્રમુખ તરીકે ભાવનાબેન ધિરેન્દ્રકુમાર પટેલની વરણી કરવામાં આવી હતી. કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે હીરાબેન પરભુભાઈ માહલાની અને ઉપ પ્રમુખ તરીકે ફૂંલજીભાઈ રાજીરામભાઈ ગુરવની વરણી કરવામાં આવી હતી. ઉમરગામ તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે લલીતાબેન ભરતભાઇ દુમાડાની અને ઉપ પ્રમુખ તરીકે વિલાશભાઈ નવીનભાઈ ઠાકરિયાની વરણી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ગત ટર્મના અઢી વર્ષના સમયગાળામાં વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ હોય કે, જિલ્લાના 6 તાલુકાના પ્રમુખ ઉપપ્રમુખ હોય એ તમામની એકપણ કામગીરી આંખે ઉડીને વળગે તેવી જોવા મળી નથી. ત્યારે, ફરી એકવાર તમામ પ્રમુખ-ઉપપ્રમુખ રબ્બર સ્ટેમ્પ જેવા હોય તેમની કામગીરી કેટલી અસરકારક જોવા મળશે તે પ્રશ્ન નાગરિકો માં ઉઠ્યો છે. તેમ છતાં બિનહરીફ વરણી પામેલા તમામ પ્રમુખ ઉપપ્રમુખે જણાવ્યું હતું કે, જિલ્લામાં જે ગ્રાન્ટ મળી છે તેનો સારો ઉપયોગ થયો છે. અનેક સારા સમાજ ઉપયોગી વિકાસના કામ થયા છે. જે અધૂરા છે તેને આગામી દિવસોમાં પૂર્ણ કરવા દરેક સભ્યોનો સહકાર મેળવશે. અને શિક્ષણ, આરોગ્ય, ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી ના સારા કાર્ય કરશે તેવી ખાતરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *