ઉમરગામ તાલુકાના સરીગામ GIDC અને નજીકના ગ્રામ્ય વિસ્તારને જોડતા સરીગામ બાયપાસ રોડના નવીનીકરણનું રવિવારે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સરીગામ બાયપાસ બિરસા મુંડા સર્કલ ખાતે ખાતમુહૂર્ત કાર્યક્રમ પ્રસંગે PWD દ્વારા રોડના નવીનીકરણને લગતી વિગતો અપાઈ હતી.
NH48 થી મરોલી રોડ 0/7 કિલોમીટર થી 15/30કિલોમીટર (વર્કિંગ સેક્શન સરીગામ બાયપાસ રોડ 2/0 થી 4/5 કિલોમીટર)ના આ રોડની ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા 24.65 કરોડની વહીવટી મંજૂરી અપાઈ છે. જે પૈકી રૂપિયા 16,98,89,800 ની તાંત્રિક મંજૂરી મેળવી છે. હાલ 11.32 કરોડના સરીગામ બાયપાસ રોડના કામનું ખાતમુહૂર્ત કરી કામગીરીનો પ્રારંભ કરાયો છે. તેવું PWD ના કાર્યપાલક ઈજનેર જતીન પટેલ દ્વારા જણાવાયું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરીગામ બાયપાસ રોડ તથા સરીગામ, ડુંગરપુર, પુનાટ, કાલઈ રોડ કુલ 11.32 કરોડમાં બનાવવામાં આવશે. રોડની બંને તરફ પ્રિકાસ્ટ RCC ડ્રેઇન પણ બનાવવામાં આવશે. જેની સમય મર્યાદા 9 મહિનાની છે. આ રોડના નિર્માણ બાદ સરીગામ GIDC માં આવતા વાહન ચાલકોને તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના વાહનચાલકોને ખૂબ મોટો ફાયદો થશે.
રોડના ખાતમુહૂર્ત પ્રસંગે આવેલા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આ વિસ્તારના લોકોને આ રસ્તાને ખૂબ જરૂર હતી. આ રસ્તો વહીવટી કામકાજમાં અટવાયો હતો. કેમ કે, 13 વર્ષ પહેલાં આ રસ્તાનું કામ જે કોન્ટ્રકટરને આપ્યું હતું તેમણે તે બાદ તેની મરામતની જવાબદારી નિભાવી નહોતી. રસ્તા બાબતે રમણભાઈ પાટકર અને SIA દ્વારા રજૂઆત કરવામાં આવતા તેના નવીનીકરણનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય રમણલાલ પાટકરે પણ પોતાનું સંબોધન આપ્યું હતું. કાર્યક્રમમાં સરીગામ GIDC ના ઉદ્યોગકારો, SIA ના મેમ્બર્સ, ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યો, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો સહિત ભાજપના કાર્યકરો, ગ્રામજનો, PWD ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.