ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામે આવેલ વૈશાલી ફાર્મમાં ઉગેલા ઘાસમાં અગમ્ય કારણોસર આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.
મળતી વિગતો મુજબ ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામે ઘાસમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. ઘટના ખતલવાડા ગામના ધસરી ફળિયામાં આવેલ વૈશાલી ફાર્મમાં બની હતી. આગની જ્વાળાઓ જોઈ લોકોમાં દોડધામ મચી ગઇ હતી. આગને બુઝાવવા સ્થાનિક લોકોએ પ્રયાસ કર્યો હતો. પરંતુ તેજ પવનમાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી હોવાનું જોતા આગને બુઝાવવા ફાયરને જાણ કરવામાં આવી હતી.
ફાર્મમાં મોટી માત્રામાં સૂકું ઘાસ હતું. જેની કાપણી દરમ્યાન આગ લાગી હોવાનો કોલ મળતા ઉમરગામ નગરપાલિકા અને નોટિફાઇડ ફાયરના જવાનો લાયબંબા સાથે ફાર્મ પર પહોંચ્યા હતાં. ફાયરના જવાનોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને બુઝાવવાના પ્રયાસ હાથ ધર્યા હતાં. જો કે, પવનનું ઝોર વધુ હોય સૂકું ઘાસ ભડભડ સળગતું વધુ વિસ્તારમાં પ્રસરી રહ્યું હોવાનું ધ્યાને લઇ ફાયરના જવાનોએ પ્રયાસો તેજ કરી એકાદ કલાકમાં આગ પર કાબુ મેળવી લીધો હતો.
ઘટનામાં મોટી માત્રામાં એકત્ર થયેલ તેમજ ફાર્મ માં ઉગેલું સૂકું ઘાસ બળીને ખાખ થયું હતું. ઘટનામાં કોઈ જાનહાની નહિ થતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો. તેમજ આગ ક્યાં કારણોસર લાગી તે અંગે વધુ તપાસ હાથ ધરી હતી.