Friday, December 27News That Matters

ઉમરગામ GIDC ને ગુડ્સ ટ્રેન અને પેસેન્જર ટ્રેનની સુવિધા પૂરી પાડવા રેલવેના GM અને DRM એ ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની રજુઆત સાંભળી

 

ઉમરગામ વલસાડ જિલ્લાના ઉમરગામ GIDC માટે વેસ્ટર્ન રેલવે દ્વારા ગુડ્સ ટ્રેન અને પેસેન્જર ટ્રેનના સ્ટોપેજ આપવામાં આવે તો, અંદાજીત 1 લાખ પેસેન્જરો અને 2 હજાર જેટલા ઔદ્યોગિક એકમોને ફાયદો થઈ શકે તેવા શુભ આશયથી શુક્રવારે વેસ્ટર્ન રેલવેના GM અને DRM સહિતના અધિકારીઓએ UIA સાથે ચર્ચા કરી હતી.

વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્રા, DRM નીરજ વર્મા, COM માલેગાંવકર સહિતના અધિકારીઓ ઉમરગામ રેલવે સ્ટેશનની અને ઉમરગામ GIDC ની મુલાકાતે આવ્યાં હતા. જેઓ સાથે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ગુડ્સ ટ્રેન અને પેસેન્જર ટ્રેનના સ્ટોપેજ માટે ધારદાર રજુઆત કરી હતી.

શુક્રવારે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર અને DRM સહિતના અધિકારીઓનો કાફલો સ્પેશિયલ SPICમાં ઉમરગામ રેલવે સ્ટેશને ઉતર્યા હતાં. જ્યાંથી તેઓએ ઉમરગામ માં આવેલ ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ ની મુલાકાત લેવા સાથે UIA (ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન)ના હોદ્દેદારો સાથે ગુડ્સ ટ્રેન અને પેસેન્જર ટ્રેનના સ્ટોપેજ અંગે 2 કલાક સુધી મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી.

આ મુલાકાત અંગે રેલવેના GM અશોકકુમારે મીડિયાને જણાવ્યું હતું કે, ઉમરગામ પશ્ચિમ રેલવેમાં મોટું ઇન્ડસ્ટ્રીયલ હબ છે. જેથી અમૃત ભારત સ્કીમ હેઠળ તેના વિકાસની પરિયોજના હાથ ધરી છે. આ રેલ્વે સ્ટેશન પર ગુડ્સ નો કોઈ પણ પ્રકારનો ટ્રાફિક લેવામાં આવતો ના હોય તે અંગેની UIA દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને લાંબા રૂટના માલ સામાન માટે રેલવે મહત્વનું માધ્યમ બની શકે તે વિષયમાં ચર્ચા કરવામાં આવી હતી.

રેલવે પણ પોતાનો બિઝનેસ ડેવલપ કરવા માંગે છે. અને ઉમરગામ જીઆઇડીસીના એકમોમાં પણ બિઝનેસ ડેવલોપ કરવાનો હોય બંને તરફથી બિઝનેસ ડેવલપ કરવા અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ઉમરગામ GIDC ને વિશેષ પેકેજ ઓફર કરી શકાય તે અંગે ચર્ચા કરી છે.

આગામી દિવસોમાં ઉમરગામ GIDC થી રેલવે ને કેટલો બેનિફિટ થશે તેમની પ્રોડક્ટ કયા કયા જશે તે અંગે ચર્ચા કરી છે. તો, પેસેન્જર રેલવેના સ્ટોપેજ ને લઈને પણ ચર્ચા થઈ છે. જેમ જેમ ટ્રાફિક વધશે તેમ તેમ સ્ટોપેજ આપવામાં આવશે. હાલ આ સમગ્ર મુદ્દે વર્કઆઉટ હાથ ધરાયું છે. ગુડ્સ ટ્રેનના સ્ટોપેજ માટેની જે વિચારણા છે. તેમાં નવકાર, ઉદવાડા અને સંજાણથી ગુડ્સની હેરફેર થાય તે અંગેનો વિચાર રેલવે તરફથી મુક્યો છે. પરંતુ, જો રેલવેને ઉમરગામમાં જ જમીન મળી જાય તો ઉમરગામથી જ તે આ સેવા શરૂ કરશે તે માટેની પ્રતિબદ્ધતા પણ દર્શાવવામાં આવી છે.

ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ ખાતે આયોજિત આ બેઠકમાં ડોમસના સંતોષ રવેશિયાએ ગુડ્સ ટ્રેન અંગે જરૂરી સૂચનો કર્યા હતાં. તેમજ એકમોને મળતી મુશ્કેલીથી અવગત કરાવ્યા હતાં. જ્યારે, ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ નરેશ બાંથિયાએ જણાવ્યું હતું કે હાલ જે બેઠક થઈ છે તેમાં GM દ્વારા ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. તેમની રજૂઆતોનો એક દિવસમાં આ નિષ્કર્ષ નીકળવો મુશ્કેલ છે. પરંતુ રેલવે તરફથી જે પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે. તે જોતાં ટૂંક સમયમાં ઉમરગામ જીઆઇડીસી ને રેલવેનો વધુમાં વધુ ફાયદો મળશે.

ઉમરગામ જીઆઇડીસીમાં કામ કરતાં કામદારો માટે પેસેન્જર ટ્રેનના સ્ટોપેજની ભલામણ પણ UIA પ્રમુખ અને ચંદન સ્ટીલના ગૌરીશંકર પરીખ દ્વારા કરવામાં આવી હતી. જે અંગે આગામી દિવસોમાં જો બે થી ત્રણ જેટલી પેસેન્જર ટ્રેનના સ્ટોપેજ ઉમરગામ રેલવે સ્ટેશનને આપવામાં આવે તો તેનાથી અંદાજિત 1 લાખ જેટલા લોકોને તેનો ફાયદો મળશે. તેવી રજુઆત કરાઈ હતી.

DFCCILની લાઈન પણ મહત્વની હોય રેલ્વે સાથે તે અંગે પણ ચર્ચા થઈ હતી. જેમાં પાર્સલ સેવા શરૂ થાય તો જેટલો ટ્રાફિક અને રેવન્યુ વાપી અને વાપી GIDC રેલવેને આપી રહ્યો છે. તેટલો જ ટ્રાફિક અને રેવન્યુ ઉમરગામ જીઆઇડીસી પણ આપી શકશે. તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ટ્રેનના સ્ટોપેજથી દહાણુ-નવસારી વચ્ચેના મુસાફરોને સીધો ફાયદો થશે. કંપનીઓને પણ વધુમાં વધુ કામદારો મળશે. માલ સામાનની હેરફેરમાં પણ ફાયદો થશે.

ઉલ્લેખનીય છે કે ગુડ ટ્રેન અને પેસેન્જર રેલવે સ્ટોપેજ અંગે UIA એ કરેલી રજૂઆતમાં રેલવે સ્ટેશન નજીક ROB નો સર્વિસ રોડ, ROB પરની સ્ટ્રીટ લાઈટ, સ્ટેશન પર લિફ્ટની સુવિધા, ફૂટ ઓવરબ્રિજ, ટીકીટ બારી, Dahanu to Vapi Local train સ્ટોપેજ, Surat Bandra Intercity express (12935/12936) Flying Rani (02921/02922), Valsad – Vadnagar (20959/20960), Avadh Express (19037/19038) અને કોઈ એકાદ સુપરફાસ્ટ ટ્રેન દક્ષિણ થી ઉત્તર તરફના પ્રવાસીઓને ફાયદાકારક થાય તેવી રજુઆત કરી હતી. નોંધનીય છે કે GM અને DRM સહિતના અધિકારીઓ સ્પેશિયલ, સેલ્ફ પ્રોપેલ્ડ ઇન્સ્પેક્શન કાર (SPIC)માં ઉમરગામ રેલ્વે સ્ટેશને ઉતર્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *