Friday, October 18News That Matters

આગમાં પોતે બળી અને બીજીને બાળતી ગયેલ ભારત રેઝિન્સમાં ખરેખર એવી કઈ જ્વલનશીલ પ્રોડક્ટ હતી કે આટલી વિકરાળ આગ લાગી…?

ઉમરગામ GIDC માં આવેલ ભારત રેઝીન્સ લિમિટેડ નામની કંપનીમાં 19મી નવેમ્બર રવિવારે ભીષણ આગ લાગી હતી. કંપનીની આ આગ માં નજીકની ગાર્મેન્ટ કંપની પણ સ્વાહા થઈ ગઈ છે. આ આગ ના કારણો અંગે GPCB એ કે કંપની સંચાલકોએ કરેલો ખુલાસો ગળે ઉતરે તેવો નથી. જો કે એ સિવાયના અનેક પ્રશ્નો એવા છે કે જે પણ હજુ સુધી અનુત્તર રહ્યા છે.

આગ માં સ્વાહા થયેલ ભારત રેઝિન્સ પ્રા.લી અને સિમ્પોલ પ્રોડકટ્સ પ્રા.લી. જોડે શું સંબંધ છે? ઉંમરગામ જીઆઈડીસીમાં એક્રેલિક રેઝિન, ઈપોક્સી રેઝિન, પોલિમાઈમ રેઝિન, એમિનો રેઝિન, ઈપોક્સી હાર્ડનર્સ, ઈપોક્સી એસ્ટર્સ, પોલિવિનાઈલ બ્યુટિરલ રેઝિન, કેટોનિક રેઝિન વિગેરેમાંથી કયું સળગ્યું હતું? શું શેડ પ્લોટમાં આ કામગીરી થઈ શકે? તેવા સવાલો લોકોમાં ઉભા થયા છે જે અંગે લોકોનું જ માનવું છે કે, પોલીસ આમાં ઉંડી ઉતરે તો તપાસમાં ઘણું બધું સામે આવી શકે છે. હાલ આ કંપનીને બચાવવાં ઘણાં લોકો મેદાને છે. એ પણ તપાસનો વિષય છે.

ઉમરગામ GIDC ની ઓફિસીયલ ગણના કેમિકલ્સ મુક્ત ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં થતી આવેલી છે. પરંતુ કેટલાંક નફ્ફટ અધિકારીઓ તથાં GIDC ના મોટા ભાઈ બનેલા કેટલાંક ઉદ્યોગપતિઓનાં પાપે ઉમરગામ જીઆઈડીસી પ્રદૂષણના ભરડાનો ભોગ બની રહી છે. આ મોટાભાઈઓની લીલાને કારણે તેનો પગ પેસારો ઉમરગામ તાલુકાના અન્ય વિસ્તારમાં પણ પ્રસર્યો છે. જેમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને ફેક્ટરી ઈન્સપેક્ટરની ભુંડી ભૂમિકા અનેકવાર છતી થઈ રહી છે.

તાજેતરમાં ઉમરગામ જીઆઈડીસી વિસ્તારની ભારત રેઝિન્સ પ્રા.લી. નામની કંપનીમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે, બાજુની એક કંપનીને પણ સ્વાહા કરી ગઈ હતી. આગની ભયાવહતાએ જાહેર રસ્તો, ગટર, નજીકના વૃક્ષો વિગેરેને મહદઅંશે નુકસાન પહોંચાડ્યું હતું. આગમાં પર્યાવરણને ભારે નુકસાન થયું હોવાનું કહેવાય છે. જે હોય તે, પરંતુ આગ લાગી કેવી રીતે? તે રહસ્યની છણાવટમાં કેટલાંક તથ્યો સામે આવ્યાં છે. જે તથ્યો કદાચ ઉમરગામ પોલીસને તથાં વીમાં કંપનીને આગ લાગવાની તપાસમાં મદદરૂપ થઈ પણ શકે..!

આગ ની ઘટના અંગે કંપનીના કર્મચારીઓએ માહિતી આપી હતી કે, દિવાળીની રજા બાદ, કંપની લાભ પાંચમના દિને બપોરે ચાલું કરવામાં આવી હતી. તારીખ 19 નવેમ્બર 2023નાં રોજ સવારે 6 કલાકે થર્મિક ફ્લુઇડ હીટર ચાલું કરતાં ધમાકો થયો હતો. હવે, આ ધમાકો કયા કારણોસર થયો ? તે તપાસનો વિષય હતો. પરંતુ કર્મચારીનું કહેવું હતું કે, જો આ ધમાકો શોર્ટ સર્કિટને કારણે થયો હોત તો લાભ પાંચમના દિને જ થયો હોત..! પરંતુ આ ધમાકો બીજા દિવસે સવારે થયો હતો.

જ્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ આ મામલે કંઈક છુપાવતા હોય તેમ એકદમ જુદી જ થિયરી રજૂ કરી રહ્યા છે. ભારત રેઝિન્સ પ્રા.લી. કંપનીમાં વિકરાળ આગ લાગ્યાંની ઘટનામાં મોડે મોડે પહોંચેલી સરીગામ ખાતેની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમના હેડ એ. ઓ. ત્રવેદીએ એક અંગ્રેજી ન્યુઝને આપેલા નિવેદન મુજબ દિવાળી હોવાથી ભારત રેઝિન્સ કંપની બંધ હતી. રવિવારનાં દિવસે થર્મિક ફલુઈડ હીટર ચાલું કરતાં સ્પાર્ક થયો હતો. જે આગનું પરીણામ બની હતી. આગમાં જે કેમિકલ્સ સળગ્યું હતું તેનાં સેમ્પલો ટીમે લીધો છે.

અત્રે નોંધનીય છે કે, કંપની શનિવારે બપોરે શરૂ થઈ હતી. ધડાકો રવિવારે સવારે થયો હતો. તો પછી, તેઓએ આવો ઉલ્લેખ કેમ કર્યો? આ હીટર તો શનિવારે પણ ચાલુ કર્યું હતું એવું ખુદ કંપનીના કર્મચારીનું કહેવું છે..! તો પછી. આ જીપીસીબીનાં અધિકારી, જરાં એ પણ જણાવી દે કે, આ ધડાકો ગેસ લીકેજના કારણે થયો હતો? કે પછી, ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટને કારણે થયો હતો? હકિક્તમાં આ આગમાં જે કેમિકલ્સ સળગ્યું તે શું હતું? તેની પરવાનગી હતી? શું આ કંપનીનાં યુનિટને રોડ પ્લોટમાં પ્રોસેસ કરવાની પરવાનગી આપી હતી ? કે પછી અહીં મોટા પ્રમાણમાં સ્ટોરેજ થતું હતુ? આ અંગે કંપનીનાં ડિરેકટરો, જીપીસીબી તથાં જીઆઈડીસીનાં અધિકારીઓ ખુલાસો કરે તેવું ઉમરગામના જાગૃત નાગરિકો અને પર્યાવરણ પ્રેમીઓની માંગ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *