Thursday, February 6News That Matters

ઉમરગામ નગરપાલિકાના પાંચ કોંગ્રેસી કોર્પોરેટરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો

Meroo Gadhvi, Auranga Times

ઉમરગામ નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના 5 નગરસેવકોએ ભાજપનો ખેસ ધારણ કરતા ઉમરગામ કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં આયોજિત વિકાસના કાર્યક્રમમાં ઉપસ્થિત નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ અને ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકરની હાજરીમાં 5 કોંગ્રેસી કોર્પોરેટર ભાજપમાં જોડાતા હતાં. જેઓને ભાજપનો ખેસ અને ટોપી પહેરાવી આવકાર આપ્યો હતો.

ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં 9મી માર્ચે નવા બસ સ્ટેશનના નિર્માણનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ ખાતમુહરત કર્યું હતું. આ પ્રસંગે ઉમરગામ નગરપાલિકાના નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતાં. ઉમરગામ નગરપાલિકામાં કુલ 7 વોર્ડ છે. જેમાં 28 નગરસેવકો પૈકી 22 નગરસેવકો ભાજપના છે. જ્યારે 6 નગરસેવકો કોંગ્રેસના હતાં. જેમાંથી 5 નગરસેવકોએ ભાજપનો ખેસ અને ટોપી પહેરી લેતા ઉમરગામ નગરપાલિકામાં હવે 1 કોંગ્રેસી નગરસેવક સામે 27 નગરસેવકો ભાજપના છે.

ઉમરગામ નગરપાલિકાની ચૂંટણી વર્ષ 2021ના ફેબ્રુઆરી મહિનામાં યોજાઈ હતી. જે વખતે કુલ 7 વોર્ડ પૈકી વોર્ડ નંબર 6માં કોંગ્રેસની આખી પેનલે વિજય મેળવ્યો હતો. જ્યારે વોર્ડ નંબર 3માં 3 કોંગ્રેસી ઉમેદવારોએ વિજય મેળવ્યો હતો. જે બાદ વોર્ડ નંબર 3ના એક ઉમેદવારનું અકસ્માતમાં મૃત્યુ થતા પેટા ચૂંટણી યોજાઈ હતી.જેમાં ભાજપના ઉમેદવાર મનીષ રાય વિજય થયા હતાં. જેથી નગરપાલિકાના કુલ 28 કોર્પોરેટર પૈકી 6 કોંગ્રેસના અને 22 ભાજપના કોર્પોરેટર હતા.

ઉમરગામ નગરપાલિકામાં કોંગ્રેસના 5 નગરસેવકો જેમાં વોર્ડ નંબર 6ના સુરેશ રામસુંદર યાદવ, દિલશેર રામપ્રસાદ ચૌહાણ, સુભદ્રા અમરનાથ મોર્યા અને પ્રભા દિપક સીગ સહિતની આખી પેનલ તેમજ વોર્ડ નંબર 3ના નયનાબેન સુરેશભાઈ દૂબળા એ 9મી માર્ચ 2024ના કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવા અંગે કોર્પોરેટરોએ જણાવ્યું હતું કે, પાલિકા વિસ્તારમાં ભાજપ સત્તા પક્ષ છે. તેમ છતાં તેમના વિસ્તારમાં પણ વિકાસના કાર્ય કર્યા છે. પાલિકા વિસ્તારમાં મોદી સરકાર સબકા સાથ સબકા વિકાસ અને એક ભારત શ્રેષ્ઠ ભારત ના ઉદેશય સાથે કામ કરે છે. જેથી તેઓએ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાનું પસંદ કર્યું છે.

કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા નગરસેવક સુરેશ યાદવે જણાવ્યું હતું કે, તેઓએ જ્યારે પ્રથમ વખત મતદાન કર્યું હતું ત્યારે તેમનો મત ભાજપને આપ્યો હતો. જે બાદ સ્થાનિક નેતા કોંગ્રેસમાં જતા તેમની સાથે કોંગ્રેસમાં ગયા અને નગરપાલિકાની ચૂંટણી લડી જીત્યા પરંતુ હવે ભાજપ સરકારના વિકાસને જોઈ ફરી ભાજપમાં આવ્યા છે. આ તેમની ઘરવાપસી છે.

કોંગ્રેસ ના નગરસેવકોને ભાજપમાં આવકારી નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ભાજપ વિકાસના કાર્યમાં માનનાર પાર્ટી છે. ભાજપમાં ક્યારેય ભાષાવાદ, પ્રાંતવાદ કે જાતિવાદને સમર્થન નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગરીબ, યુવાન, નારીશક્તિ અને અન્નદાતાનો વિકાસ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. દેશને કોંગ્રેસ મુક્ત નહિ પરંતુ દેશના વિકાસની વિચારસરણી ધરાવે છે.
ઉમરગામ નગરપાલિકા ના 5 કોંગ્રેસી કાર્યકરો ને ભાજપમાં સામેલ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ઉમરગામ વિધાનસભા બેઠકમાં ધારાસભ્ય રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં દેશમાં ધાર્મિક સ્થળોનો, નગરપાલિકાનો વિકાસ થયો છે. પંચાયતનો વિકાસ થયો છે. અનેક પ્રશ્નો હલ કરી ભાજપ આગળ વધી રહી છે. જે જોઈ કોંગ્રેસના નગરસેવકો ભાજપમાં જોડાયા છે. આવનારી લોકસભા ચૂંટણીમાં ઉમરગામ વિધાનસભા બેઠકમાંથી ભાજપના ઉમેદવાર ને 1.30 લાખની લીડ અપાવવાનો વિશ્વાસ વ્યક્ત કાર્યય હતો.

ઉલ્લેખનીય છે કે, ઉમરગામ તાલુકાના 5 કોંગ્રેસી નગરસેવકો પોતાના કાર્યકરો સાથે ભાજપમાં જોડાતા કોંગ્રેસ પક્ષમાં ખળભળાટ મચી ગયો છે. શનિવારના ઉમરગામ નગરપાલિકાના લોકાર્પણ અને ખાતમુર્હુત કાર્યક્રમના પ્રસંગમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત ભાજપ સંગઠન પ્રમુખો, ઉમરગામ ધારાસભ્ય સહિત નગરપાલિકાના પ્રમુખ મનીષ રાઈ, કારોબારી સમિતિના અધ્યક્ષ અંકુશ કામલી સહિત અન્ય કોર્પોરેટરો અને ભાજપ શહેર સંગઠનના પ્રમુખ, ઉપપ્રમુખ અને ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ ફટાકડા ફોડી કોંગ્રેસી નગરસેવકોને આવકાર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *