ગુરુવારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ઉમરગામ-સોળસુંબા ક્લસ્ટર હેઠળ આવતી 30 શાળાઓની બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. સોળસુંબા વિસ્તારમાં આવેલ ઉદ્યોગનગર શાળામાં આયોજિત આ વૈજ્ઞાનિક પ્રદર્શનીમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા 41 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
ઉમરગામ-સોળ સુંબા ક્લસ્ટર કક્ષાના આ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કુલ 5 વિભાગ રાખવામાં આવ્યા હતાં. જેમાં વિદ્યાર્થીઓએ પર્યાવરણ, વિજ્ઞાન અને ગણિતના સિદ્ધાંતો ને આવરી લેતી મનમોહક અને સમાજ ઉપયોગી 41 કૃતિઓ રજૂ કરી હતી. બાળ વૈજ્ઞાનિકોએ સ્વચ્છ સુખાકારી જીવનશૈલી અંતર્ગત સ્માર્ટ કચરાપેટી, આરોગ્યપ્રદ વિવિધ મિલેટ્સ વાનગીઓ, પર્યાવરણનું જતન કરતા અત્યાધુનિક ઉપકરણો વગેરે બનાવી પ્રદર્શનીમાં મુક્યા હતાં. જેને નિહાળી શિક્ષકો, અતિથિગણ દ્વારા સરાહના કરવામાં આવી હતી.
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સંચાલિત ઉમરગામ ક્લસ્ટર CRC અને સોળસુંબા ક્લસ્ટર CRC દ્વારા આયોજિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં CRC કો-ઓર્ડીનેટર જયશ્રીબેન જાંબુ અને શાળાના આચાર્ય દિપકભાઈ દ્વારા દાતાઓ નીરજભાઈ પુઠાવાલા,
જીગ્નેશભાઈ બારી, રીજોયભાઈ ઉન્ની, જતીનભાઈ રાવત, રાજાભાઈ ભરવાડ, મનોજભાઈ જાના હસ્તે ડોમ્સ કંપનીના લોક સહયોગથી વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ બાળકોને જુદી જુદી કીટ આપી પ્રોત્સાહિત કર્યા હતાં. પ્રદર્શનમાં ઉદ્યોગ નગર શાળાના SMC સભ્યો પણ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.