વલસાડ જિલ્લાની ઉમરગામ GIDC ને ગુજરાતના ગૌરવ તરીકેની નામના અપાવવા અને અહીંની GIDC માં બનતી પ્રોડક્ટને વૈશ્વિક સ્તરે અલગ ઓળખ અપાવવા ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (UIA) દ્વારા Umargam Industrial EXPO-2024 નું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 14, 15 અને 16 ડિસેમ્બર એમ ત્રિદિવસીય આ EXPO નો રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ શનિવારે શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે પોતાનું પ્રાસંગિક પ્રવચન આપતા UIA પ્રમુખ નરેશ બાંઠિયાએ ઉમરગામ GIDC ના ઉદ્યોગો દ્વારા બનાવવામાં આવતી પ્રોડક્ટ દેશ-વિદેશમાં જાણીતી હોવાનું જણાવ્યું હતું. તેમણે, ઉમરગામના વિસ્તારને શ્રેષ્ઠ ઔદ્યોગિક વિસ્તાર ગણાવ્યો હતો. અહીંના ઉદ્યોગકારો દ્વારા મોટા પ્રમાણમાં લોકોને રોજગારી આપી રહ્યું હોવાની ખુશી વ્યક્ત કરવા સાથે ઉદ્યોગકારો દ્વારા સેવાકીય પ્રવૃતિઓ માટે અપાતા દાનની સરાહના કરી હતી. અને દરેક ઉદ્યોગકારો ને રોજગારી આપવા સાથે સેવાના કાર્ય કરવા અપીલ કરી હતી.
આ તબક્કે UIA દ્વારા નિર્માણનાધિન હોસ્પિટલ પ્રોજેકટ માટે ચંદન સ્ટીલના દિલીપ ચુનીલાલ ચંદન દ્વારા 11 કરોડનું માતબર દાન આપ્યું હતું. જ્યારે સોસાયટી Tea ( અમર Tea) ના સંજય શાહ દ્વારા પણ 1 કરોડ 11 લાખના દાનની જાહેરાત કરી નાણાપ્રધાનના હસ્તે દાનની રકમનો ચેક UIA ને અર્પણ કર્યા હતો. આમ ઉમરગામ GIDC ની 1967માં થયેલ સ્થાપના બાદ UIA અયોજીત આ ઐતિહાસિક EXPO માં કુલ 12 કરોડથી વધુની ધનરાશી દાન પેટે મળતા UIA ટીમની મહેનત સફળ થઈ છે. આ એક્સપો માટે UIA ની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હોય સૌએ શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો હતો.
નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોશિએશન દ્વારા આયોજિત આ સૌ પ્રથમ ત્રિદિવસીય ઉંમરગામ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોમાં અંદાજીત 40 થી વધુ ઇન્ડસ્ટ્રીઓએ 160 જેટલા સ્ટોલ બુક કરી તેમની પ્રોડક્ટ અને મશીનરી, વિવિધ પાર્ટસ, વિવિધ મસાલા, સ્ટેશનરીને પ્રદર્શન સ્ટોલમાં પ્રદર્શન માટે મુક્યા હતાં.
નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ એક્સપોનો શુભારંભ કરાવ્યા બાદ વિવિધ સ્ટોલની મુલાકાત લિધી હતી અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટસ વિશે માહિતી મેળવી હતી. ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોના ઉદઘાટન પ્રસંગે કનુભાઈ દેસાઈએ તમામને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, ઉમરગામમાં સૌપ્રથમ થઈ રહેલા આ એક્સપોના કારણે અનેકવિધ લોકલ ઈન્ડસ્ટ્રીયલ પોડક્ટ્સ વિશે લોકોને માહિતી મળશે. તેમજ ઊદ્યોગોને પણ વેગ મળશે.
ઉમરગામમાં ઉદ્યોગોના વિકાસથી લાખો લોકોને રોજગારી પ્રાપ્ત થઈ છે. લઘુ ઉદ્યોગોના વિકાસ માટે ઉમરગામ શ્રેષ્ઠ જગ્યા છે. MSMEને કારણે અનેક લઘુ ઉદ્યોગોને ફાયદાઓ થયા છે સાથે સાથે નવા ઉદ્યોગોની સ્થાપના થઈ છે.
એક્સપોના શુભારંભ પ્રસંગે ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકરે ઈન્ડસ્ટ્રીયલ એક્સ્પોનું આયોજન ઉમરગામ તાલુકામાં અને જિલ્લામાં ઉદ્યોગો દ્વારા થતા ઉત્પાદન વિશે લોકો માહિતગાર થાય તે હેતુથી કરવામાં આવ્યું છે તેમ જણાવી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, વલસાડ જિલ્લા કલેકટર નૈમેષ દવે, ઉમરગામ ઈન્ડસ્ટ્રીયલ એસોશિયેશનના પ્રમુખ નરેશભાઈ બાંથિયા, UIA ના આશિષ શાહ, તાહિર વ્હોરા, વિપુલ પંચાલ, વાપી ઈન્ડસ્ટ્રીયલ એસોશિયેશનના પ્રમુખ સતિષ પટેલ, ઉમરગામ અને વાપી ઈન્ડસ્ટ્રીયલ એસોશિયેશના સભ્યો, ઊદ્યોગપતિઓ તેમજ મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી એક્સ્પોની મુલાકાત લીધી હતી. આભારવિધિ ભગવાન ભરવાડે કરી હતી.