Saturday, December 21News That Matters

ઉમરગામની ચંદન સ્ટીલના સૂચિત વિસ્તરણ પ્રોજેકટ સામે 4 થી વધુ ગામના ખેડૂતોનો વિરોધ, પ્રોજેકટથી ખેતી, પર્યાવરણ, આરોગ્યને ગંભીર ખતરો…!

આગામી 2 ઓગસ્ટના ઉમરગામની ચંદન સ્ટીલ લિમિટેડ કંપનીના વિસ્તરણ પ્રોજેકટ અંગે લોક સુનાવણી યોજાવાની છે. જેનો ઉમરગામ GIDC આસપાસ આવેલ 4 થી વધુ ગામના ખેડૂતો વિરોધ કરવાના મુડમાં છે. જે અંગે છેલ્લા 2 દિવસથી આ વિસ્તારના ખેડૂતો બેઠકો યોજી રહ્યા છે. આવી જ એક બેઠક દેહરી ગામમાં થઇ હતી. જેમાં ચંદન સ્ટીલના પ્રોજેકટથી થઈ રહેલા નુકસાન બાબતે ચર્ચા કરી 2જી ઓગસ્ટના લોક સુનાવણીમાં વિરોધ કરવા ઉપસ્થિત રહેવાનું આહવાન કરાયું હતું.આ અંગે મળતી વિગતો મુજબ ગુરુવારે દેહરી ગામમાં આસપાસના ખેડૂતોની બેઠક મળી હતી. આ બેઠકમાં ઉમરગામ તાલુકાના માજી પ્રમુખ, સાઈધામ ના ટ્રસ્ટી, સ્થાનિક આગેવાન ધર્મેશ ભાઈ સહિત અન્ય ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ જણાવ્યું હતું કે, ચંદન સ્ટીલના અત્યારના ઉત્પાદન કરતા ખૂબ વધુ ઉત્પાદન વાળા સૂચિત પ્રોજેકટથી અનેકગણું નુકસાન થવાનું છે.હાલ ના પ્રોજેકટથી ગામની ખેતી ની જમીનની ફળદ્રુપતા નષ્ટ થઈ રહી છે. કંપની દ્વારા છોડાતા પ્રદુષિત ધુમાડાથી અને અવાજના પ્રદૂષણથી નુકસાન થઈ રહ્યું છે. તો આ પ્રોજેક્ટના વિસ્તરણ બાદ આ સમસ્યા વધુ વકરશે. ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે આવી કંપનીઓ આ વિસ્તારમાં નહોતી ત્યારે ગામમાં લોકો બીમાર ઓછા પડતા હતાં. ખેતીમાં સારી ઉપજ મળતી હતી. સમયસર મજૂરો મળતા હતાં.હવે, આવા ઔદ્યોગિક એકમોના કારણે ગામમાં બીમારી વધી છે. દવાખાના, મેડિકલ સ્ટોર વધ્યા છે. પ્રદૂષણના કારણે શાકભાજી, ફળાઉ પાકનું ઉત્પાદન સતત ઘટ્યું છે. જમીનની ફળદ્રુપતા નષ્ટ થઈ છે. ત્યારે હવે આવનારી પેઢીને સારું સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ આપવા માટે આવી કંપનીઓનો વિરોધ કરવા દરેકે આગળ આવવું જરૂરી છે.ઉલ્લેખનીય છે કે, ખેડૂતોની બેઠકમાં જાણવા મળ્યું હતું કે, ચંદન સ્ટીલના સૂચિત વિસ્તરણ પ્રોજેક્ટ ના વિરોધમાં દેહરી પંચાયતમાં ઠરાવ પાસ કરવામાં આવ્યો છે. એવો જ વિરોધ ઠરાવ ગોવાડા, પળગામ, દહાડ ગ્રામ પંચાયતની ગ્રામસભા માં પણ ગ્રામજનોએ કર્યો છે. અને તેઓ તમામ ખેડૂતો સાથે રહી પોતાની વાંધા સરજીઓ સાથે ચંદન સ્ટોલની 2જી ઓગસ્ટના યોજાનાર લોક સુનાવણીમાં ઉપસ્થિત રહી વિરોધ નોંધાવશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *