શુક્રવારે ઉમરગામની આર. જી. લેન્ડમાર્ક હોટેલ ખાતે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (UIA)ની ખાસ સામાન્ય સભા મળી હતી. જેમાં ઉપસ્થિત પ્રમુખ સહિતના અગ્રણીઓએ સૂચિત હોસ્પિટલ પ્રોજેક્ટ અંગે વિસ્તૃત માહિતી પ્રદાન કરી 3 ફેઝમાં અદ્યતન સુવિધાસજ્જ હોસ્પિટલ બનાવવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
UIA ની AGM માં ઉમરગામ માટે અતિ મહત્વની સુવિધા સમાન હોસ્પિટલ પ્રોજેક્ટ સૌના સહિયારા પ્રયાસો થકી નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય તે માટે કટિબદ્ધતા દાખવી હતી. આ હોસ્પિટલ અંગે પ્રેઝન્ટેશન થકી આપવામાં આવેલ વિગતો મુજબ પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ કરવા ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે. જેમાં 120 બેડ હશે. જે તે બાદ 2nd અને 3rd ફેઝમાં કુલ 240 બેડની હોસ્પિટલ સુધી લઈ જવાશે.
હોસ્પિટલ માટે પ્રથમ ફેઝમાં 32 કરોડના ખર્ચે હોસ્પિટલ તૈયાર કરાશે. બીજા તબક્કામાં 9 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. હોસ્પિટલ માં જનરલ મેડીસીન, ઓર્થોપેડિક વિભાગ, કેઝ્યુલિટી, એક્સરે, સોનોગ્રાફી, CT સ્કેન, આઈકેર, ગાયનેક વોર્ડ, ઓપરેશન થિયેટર સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવશે. તમામ પ્રોજેકટ કામગીરી 2 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.
મીટિંગમાં અગ્રણી ઉદ્યોગપતિ ઈશ્વર બારી બિલ્ડર બજરંગ ભરવાડ, પૂર્વ પ્રમુખ ભગવાન ભરવાડ, ઉદ્યોગપતિ અજય શાહ દિલીપભાઈ વગેરેની વિશેષ ઉપસ્થિતિમાં UIA ના પ્રમુખ જીગ્નેશભાઈ બારી, સેક્રેટરી નીરજ પુઠા વાલા, સભ્યો નારણ મંગે, અમરત પટેલ અને જેઓએ હોસ્પિટલ પ્રોજેક્ટના સ્વપ્નને સાકાર કરવા નોંધપાત્ર પ્રયાસો કર્યા છે એવા દીપક ગુપ્તા કેતન પંચાલ સહિતના સભ્યોએ સૂચિત હોસ્પિટલ પ્રોજેક્ટ અંગે ઉપસ્થિત ઉદ્યોગકારોને વિસ્તૃત જાણકારી પૂરી પાડી તેઓના મંતવ્ય જાણ્યા બાદ સર્વ સંમતિથી બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો બાબતે ઠરાવ પસાર કરાયો હતો.