Friday, January 31News That Matters

વાપી નજીક પસાર થતી દમણગંગા નદીની ખાડીમાં ન્હાવા પડેલા 2 યુવકો ડૂબ્યા 

 વલસાડ જિલ્લાના વાપી પાલિકા વિસ્તારના હરિયા પાર્ક પાછળથી પસારથી થતી દમણગંગા નદીની ખાડીમાં ન્હાવા પડેલા 2 યુવકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. ઘટના અંગે ફાયર વિભાગને જાણકારી આપતા ફાયર વિભાગના તરવૈયાઓએ યુવકોના મૃતદેહની શોધખોળ હાથ ધરી છે. એક સાથે 2 યુવકો ડૂબી જતાં બંનેના પરિવારમાં શોક પ્રસર્યો છે.
ઘટના અંગે મળતી માહિતી મુજબ વાપી પાલિકાના ડુંગરા વિસ્તારમાં રહેતા અને સાફસફાઈનું કામ કરતા અજિત અને બબ્બુ નામના 2 યુવકો રવિવારે વાપી હરિયાપાર્ક પાછળ આવેલ દમણગંગા નદીની ખાંડીમાં ન્હાવા પડ્યા હતાં. જ્યાં બને યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ચકચાર મચી ગઇ હતી.
ઘટનાની જાણ ફાયરની ટીમને અને ડુંગરા પોલીસ ને થતા ફાયર વિભાગની ટીમ તરવૈયાઓ સાથે ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં ફાયરના તરવૈયાઓએ નદીના પાણીમાં ઉતરી બન્નેના મૃતદેહની શોધખોળ હાથ ધરી છે. ખાડીમાં 2 યુવકો ડૂબ્યાની વાત આસપાસના વિસ્તારમાં ફેલાતા મોટી સંખ્યામાં લોકો ખાડી પર એકઠા થયા હતા. તો, બને યુવકોના પરિવારજનોને પણ જાણકારી મળતા ખાડી કિનારે આવી ભારે આક્રંદ કરતા ગામગીનીનો માહોલ પ્રસર્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ ખાડીમાં આ પહેલા પણ અનેક યુવકો ડૂબ્યા હોવાની ઘટના બન્યા બાદ પર તંત્ર દ્વારા અહીં કોઈ જ સાવચેતીના બોર્ડ મુકવામાં આવ્યા નથી જેને લઈને અહીં વારંવાર આવી ઘટના બનતી હોય સ્થાનિક લોકોએ આ વિસ્તારને કોર્ડન કરવાની માંગ કરી છે. સ્થાનિક લોકોએ વધુમાં જણાવ્યું હતું કે આજની ઘટનામાં બન્ને યુવકો પીધેલા હતા અને તેને અન્ય લોકોએ નદીમાં ન્હાવાની ના પાડ્યા બાદ પણ તેઓ નદીના ઊંડા પાણીમાં ઉતરતા આખરે જીવ ખોવાની નોબત આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *