સંઘપ્રદેશ દમણના જમપોર બીચ પર દરિયામાં ન્હાવા પડેલા 2 યુવકો દરિયાના મોજા સાથે તણાતા ચકચાર મચી હતી. જેમાં સ્થાનિક માછીમારો, ફાયર એન્ડ ઇમરજન્સી સેવાઓ પોલીસ ટીમ તેમજ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ એર સ્ટેશન (ICGAS)ના હેલિકોપ્ટરની મદદથી બચાવી લઈ જિલ્લા વહીવટી તંત્રએ પોતાની સતર્કતાનો પરચો આપ્યો હતો.
ઘટના અંગે મળતી વિગતો મુજબ વાપીમાં રહેતો 16 વર્ષીય રાહુલ નરેશ હળપતિ અને 18વર્ષનો મેહુલ શૈલેષ પટેલ દમણના જમપોર બીચ નજીક રામસેતુ બ્રિજ પાસે દરિયામાં ન્હાવા પડ્યા હતાં. જેઓ બને દરિયાની ભરતી માં તણાયા હતાં. જેઓની બુમાબુમ સાંભળી તેને બચાવવા સ્થાનિક માછીમારો દોડ્યા હતાં.
સમગ્ર ઘટનાની જાણ અંગે 17:40 કલાકે ડિસ્ટ્રેસ કોલ કરતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક શોધ અને બચાવ (SAR) કામગીરી શરૂ કરવામાં આવી હતી. ડેપ્યુટી કલેકટર મોહિત મિશ્રાની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલ રેસ્ક્યુ કામગીરીમાં કલેક્ટર કંટ્રોલ રૂમમાંથી દમણ રેસ્ક્યૂ સપોર્ટ કોલ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ એર સ્ટેશન (ICGAS) દમણને કરવામાં આવ્યો હતો. ICGAS દમણએ તરત જ ચેતક હેલિકોપ્ટર CG804 રવાના કર્યું હતું. જ્યારે વહીવટી ટીમે બીચ પર સ્ટ્રેચર સાથેની 108 એમ્બ્યુલન્સ સાથે તબીબી સહાયને ખડેપગે રહેવા આદેશ આપ્યો હતો.
જેમાં રાહુલ નરેશ હળપતિ નામના યુવકને સ્થાનિક માછીમાર જૂથ (અમૃત રામદાસ મંગેલા, દિપક ભાયલા વારલી અને ટીમ) અને ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની ટીમ દ્વારા સ્થાનિક માછીમારી બોટ દ્વારા દરિયામાંથી બચાવી લીધો હતો. જ્યારે અન્ય યુવક મેહુલ શૈલેષ પટેલને IGCAS ચેતક હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો. બચાવાયેલા બંને યુવકોને એમ્બ્યુલન્સમાં તબીબી સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બંને યુવકોની સ્થિતિ સ્થિર હોય હાલ તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.