વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાંથી પસાર થતો નાસિક હાઇવે અનેક ઘાટવાળો માર્ગ છે. આ ઘાટ માં અનેકવાર ગમખ્વાર અકસ્માત સર્જાતા રહે છે. ત્યારે, ગુરુવારે ફરી એક ટ્રક નો ચાલક ટ્રક ને ઘાટ ચડાવતો હતો. ત્યારે ટ્રક પલ્ટી મારી ગયો હતો. સદનસીબે ટ્રકમાં સવાર ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં નાનાપોન્ઢાથી નાસિક તરફના માર્ગ પર માંડવા નજીક આવેલ ઘાટ ચડાવતી વખતે એક GJ14-X-9468 નંબર નો અમરેલી પાર્સિંગનો ટ્રક પલ્ટી મારી ગયો હતો. ઘાટ ચડાવતી વખતે અતિ લોડિંગના પ્રેશરમાં બ્રેક સહિતની ટેક્નિકલ ખામી સર્જાતા ટ્રક પલ્ટી મારી ગયો હતો. ટ્રક પલ્ટી માર્યો ત્યારે ટ્રકનો ચાલક સમયસૂચકતા વાપરી ટ્રકમાંથી ઉતરી પડતા તેનો આબાદ બચાવ થયો હતો. જ્યારે ટ્રકની ઓઇલ, ડીઝલ ટેન્ક ફાટી જતા આસપાસ તૈલી પ્રવાહીની નદી વહી હતી.
ઘટના અંગે સ્થાનિક લોકોને જાણકારી થતા ટોળું એકત્ર થયું હતું. જે બાદ કપરાડા પોલીસને જાણકારી આપતા પોલીસે ક્રેન સહિતની સામગ્રી મંગાવી ટ્રકને ઘાટ માર્ગમાંથી સુરક્ષિત સ્થળ પર ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, કપરાડા નાસિક નો આ માર્ગ અનેક ઘાટવાળો માર્ગ છે. જ્યાં દરરોજ અનેકવાર ટ્રક જેવા માલવાહક વાહનો પલ્ટી જવાના અને ગમખ્વાર અકસ્માતો બનવાના બનાવો બનતા રહે છે. આ માર્ગ પર ઘાટના સ્થાને તંત્રએ માત્ર સાવધાનીના ચેતાવણીના બોર્ડ મારી સંતોષ માન્યો છે. જ્યારે આ ઘાટ પર પુલ કે બ્રિજ બનાવવા લોકોની વર્ષોજુની માંગણી છે. જે હજુ સુધી સંતોષાઈ નથી