સેલવાસ :- કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસમાં અને સંઘપ્રદેશ દમણમાં બે નવા ઇન્ડિયા આઉટલેટ (આદિજાતિ દુકાનો) નું પ્રશાસક પ્રફુલ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
દેશના આદિવાસીઓની કલાને પ્રોત્સાહન આપી દેશ-વિદેશમાં આદિવાસી ચીજવસ્તુઓનું વેંચાણ કરી રોજગારી પુરી પાડતી ટ્રાઇબલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ડેવલોપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (TRIFED) ના હવે દાદરા નગર હવેલી અને દમણમાં પણ 2 આઉટલેટનો શુભારંભ કરવામાં આવ્યો છે.
આ ટ્રાઇફેડ સ્ટોર્સ દ્વારા કાપડ, આદિજાતિ પેઇન્ટિંગ્સ, વાંસ અને શેરડી હસ્તકલા, કાર્બનિક અને પ્રાકૃતિક ખોરાકના ઉત્પાદનો, આદિજાતિ ઝવેરાત, ધાતુનું કામ, માટીકામ, ગીર ગાય ઘી, ચોખા, લાલ ઘઉં વગેરે વસ્તુઓ બનાવવામાં આવે છે. આ આદિવાસીઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓની ઉપલબ્ધતા આ રાજ્યમાં આવતા પ્રવાસીઓ માટે સુનિશ્ચિત કરવામાં આવશે. આનાથી પ્રવાસીઓ આકર્ષિત થશે અને કેન્દ્રશાસિત પ્રદેશો પર્યટનનો વિકાસ અને પ્રમોટ કરી શકશે.
એ ઉપરાંત આગામી દિવસોમાં આદિવાસી સમાજને રોજગારી મળી રહે તે માટે 15 લાખ સુધીની ગ્રાન્ટ આપી ક્લસ્ટર ઉભા કરાશે. જ્યારે મોટાપાયે રોજગારી પુરી પાડવા આદિવાસી ક્ષેત્રીય રાજ્યમાં અઢી કરોડના ખર્ચે મેગા ફૂડ ફેકટરી પાર્ક સ્થાપવાની પણ નેમ છે.