વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19મી નવેમ્બરે સાંજે દમણ કોસ્ટગાર્ડ એર સ્ટેશનેથી વાપીમાં આવશે. વાપીમાં તેઓ રોડ શૉ કરી જનતાનું અભિવાદન ઝીલવાના છે. ત્યારે અંદાજિત એક કિલોમીટરના રોડ શૉ ને ભવ્ય અને યાદગાર બનાવવા વાપી-પારડી વિધાનસભાના ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈએ ચલા વિસ્તારમાં વાપી પાલિકાના નવરસેવકો, વિવિધ સોસાયટીઓમાં રહેતા સર્વ સમાજના પ્રમુખો સાથે એક બેઠક યોજી વિવિધ સ્વાગત સૂચનોની આપ-લે કરી હતી.
વિધાનસભાના ચૂંટણી પ્રચારને લઈ એક પખવાડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી વખત વલસાડ જિલ્લાના પ્રવાસે આવશે. વડાપ્રધાન ના આ બીજા પ્રવાસમાં તેઓ હવાઇમાર્ગે દમણ કોસ્ટગાર્ડ એર સ્ટેશને ઉતરશે. જ્યાંથી મોટરના કાફલામાં ગુજરાત-દમણની બોર્ડર પર અવશે. ગુજરાત-દમણની બોર્ડર પર તેઓ વાપીમાં ભવ્ય રોડ શૉ કરી લોકોનું અભિવાદન ઝીલશે. વાપીના ચલા વિસ્તારમાં અંદાજિત એક કિલોમીટરના આ રોડ શૉ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લી જીપમાં સવાર થઈ ઉપસ્થિત જનમેદની નું અભિવાદન ઝીલવાના છે. જેમાં કોઈ કચાશ ના રહે, આ ચૂંટણી પ્રચારનો રોડ શૉ યાદગાર બને તે માટે ભાજપ અને વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.
વડાપ્રધાનના આગમનને યાદગાર બનાવવા ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈ સહિતના આગેવાનોએ ચલા વિસ્તારમાં રહેતા વિવિધ સોસાયટીના, વિવિધ સમાજના અને પાલિકાના નગરસેવકો સાથે એક બેઠકનું આયોજન કરી સ્વાગતને લગતા વિવિધ સુચનોની આપ-લે કરી હતી. આ પ્રસંગે કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ચૂંટણી પ્રચારના પ્રવાસે આવે છે. 19મી નવેમ્બરે સાંજે 5:30 વાગ્યે તેઓ વાપીમાં રોડ શૉ માં ભાગ લઈ લોકોનું અભિવાદન ઝીલશે. આ આયોજનમાં વાપીમાં વસતા વિવિધ પ્રાંત, રાજ્યના લોકો તેમના પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ ભાગ લે તે માટે તમામ સમાજના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. ઉપરાંત નગરસેવકો દ્વારા પણ વડાપ્રધાનનું વિવિધ પ્રકારે સ્વાગત કરી શકાય તે અંગે સૂચનો આપવામાં આવ્યા હતાં. આ રોડ શૉ માં અંદાજિત 25000 લોકો ભાગ લેવાના છે.

ભાજપ દ્વારા આ રોડ શૉ માં દરેક કાર્યકર અને નાગરિકોને તિરંગા, ખેસ, ટોપી અને ઝંડા આપવામાં આવશે. આ કાર્યક્રમમાં લોકો દ્વારા વડાપ્રધાનનું અભિવાદન કરવામાં આવે તે માટે સોસાયટીઓમાં લાઇટિંગ, સ્વાગતના બેનર, રંગોળી, આદિવાસી તારપા નૃત્ય, ઘેરૈયા નૃત્ય, નાસિક ઢોલના સથવારે વડાપ્રધાનનું સ્વાગત કરશે. વિવિધ પ્રાંત રાજ્યના લોકો તેમના પરંપરાગત પોશાકમાં નૃત્ય કરશે. જેવા આયોજનો કરવામાં આવ્યા છે. સમગ્ર રોડ શો નો રૂટ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવશે.

વડાપ્રધાનના રોડ શો દરમ્યાન સઘન સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખી ટાઉન અને GIDC પોલીસ અધિકારીઓ દ્વારા પણ ઉપસ્થિત આગેવાનોને વિવિધ સૂચનો સાથેની માહિતી આપવામાં આવી હતી. તેમજ આ દિવસે ચલા-દમણ રોડના ટ્રાફિક ને ડાયવર્ટ કરવામાં આવશે. બપોરના 2 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી કોઈપણ વાહનચાલક આ માર્ગ પરથી પસાર નહિ થઈ શકે. રોડ શૉ માં ભાગ લેવા આવનાર તમામ લોકોએ તેમના વાહનો પણ દૂર પાર્ક કરવાના રહેશે. સુરક્ષાને ધ્યાને રાખી લગાડેલા બેરીકેટમાંથી લોકો વડાપ્રધાનનું સ્વાગત શકશે. રોડ શૉ દરમ્યાન મુખ્ય રૂટ વચ્ચે કોઈ પણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવતો નથી. તે અંગે સૂચનો આપ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ રોડ શૉ ને લઈ ભાજપ કોઈ જ કચાશ રાખવા માંગતી નથી. રોડ શૉ ને યાદગાર બનાવવા અનેક પ્રકારે સ્વાગતના આયોજનો કર્યા છે. તો, દમણ પ્રશાસન દ્વારા પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દમણમાં કોસ્ટ ગાર્ડ એર સ્ટેશનથી ડાભેલ ચેકપોસ્ટ સુધીના માર્ગ પર દમણ ભાજપે ઝંડા લગાડ્યા છે. દમણ ભાજપ દ્વારા પણ વડાપ્રધાન ના સ્વાગત માં બાઇક રેલી સહિતના આયોજન કર્યા છે. પ્રશાસન દ્વારા રોડની મરામત કરી સુશોભિત કરવાની કામગીરી પૂર્ણ કરી છે.
