સતત વિકસતા વાપી શહેર અને નજીકના બલિઠા, સલવાવ, મોરાઈ, મોહનગામ, વલવાડા ઉદવાડા જેવા ગામોના ટ્રાફિકને ધ્યાને રાખી કેટલાક વર્ષો પહેલા કેન્દ્ર સરકારે રેલવે મંત્રાલય સાથે સંકલન સાધી ઇસ્ટ-વેસ્ટને જોડવા રેલવે ઓવર બ્રિજ (ROB) અને NH-48 પર ઓવરબ્રિજ, અન્ડરબ્રિજ મંજુર કર્યા છે. જો કે આ મહત્વના પ્રોજેકટમાં પહેલા કોંગ્રેસના નેતાઓ નડતર રૂપ હતા જે બાદ ભાજપના જ નેતાઓ આડખીલી રુપ બનતા બ્રિજ કામગીરી ઘોંચ માં પડી હતી. હવે કામગીરી શરૂ થઈ છે. ત્યારે ભવિષ્યના ટ્રાફિક ને ધ્યાને રાખી બલિઠા ROB ને ફોરલેન બનાવવા માટે હાલમાં જ બલિઠા-સલવાવમાં વિકાસના કામોનું ખાતમુહરત-લોકાર્પણ કરવા આવેલા નાણાપ્રધાન કનું દેસાઈ સમક્ષ ગામના સરપંચો, સભ્યો, આગેવાનોએ રજુઆત કરી હતી.
એક સમયે બ્રિજની કામગીરીમાં આડખીલીરૂપ બનેલા આ મહાનુભાવો ને હવે રહી રહીને બ્રહ્મજ્ઞાન મળ્યું છે. એટલે ભાજપના નેતાઓ પાસેથી દબાણ કરાવી ફોરલેન બ્રિજ નિર્માણ કરી કામગીરી વહેલી પૂર્ણ કરવા ભલામણ કરી રહ્યા છે. વાપી નજીક બલિઠા ખાતે પસાર થતી રેલવે લાઇન પર કેન્દ્ર સરકારે ઓવરબ્રિજ બનાવવાનો પ્રોજેકટ હાથ ધર્યો છે. 60 કરોડથી વધુના ખર્ચે આ પ્રોજેકટ અંતર્ગત નિર્માણ પામનાર બ્રિજ દમણ જતા તમામ પ્રકારના વાહનચાલકો માટે આશીર્વાદરૂપ બને, વાપીમાં આવાગમનના ટ્રાફિક પર નિયંત્રણ આવે, રેલવે ફાટકને કારણે વાહનચાલકોનો જે સમય વેડફાઈ રહ્યો છે તેમાં રાહત મળે, વર્ષે દહાડે રેલવે ક્રોસિંગ કરતા થતી માનવ ખૂંવારી અટકે એવા મહત્વના ઉદ્દેશ્ય સાથે હાથ ધરાયો હતો. જે કામગીરી હાલ 50 ટકા જેવી પૂર્ણ થવા આવી છે.
ત્યારે હાલમાં જ બલિઠા-સલવાવમાં વિકાસના કામોનું ખાતમુહરત-લોકાર્પણ કરવા આવેલા નાણાપ્રધાન કનું દેસાઈ સમક્ષ ગામના સરપંચો, સભ્યો, આગેવાનોએ રજુઆત કરી હતી. કે બલિઠા ખાતે અને મોરાઈ ખાતે બની રહેલા ROB ને કારણે આગામી દિવસોમાં બલિઠા, સલવાવમાં ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો બનશે. વાપીનું જૂનો ROB પણ તોડી પાડી ફોરલેન બનાવવામાં આવશે તેનો તમામ ટ્રાફિક પણ બલિઠાથી ડાયવર્ટ થશે. ત્યારે હાલમાં નિર્માણ થઈ રહેલા સિંગલ-ડબબલ લેન ROB પર ભારણ વધશે જો આ ROB ને ફોરલેન બનાવવામાં આવે તો ભવિષ્ય ના તમામ ટ્રાફિક માટે આશીર્વાદ રૂપ નીવડશે.
જો કે આ રજુઆત સંદર્ભે હાલ માં કનુભાઈએ મગનું નામ મરી પાડ્યું નથી. પરંતુ ગમલોકોની ઉચિત માંગણી સંદર્ભે બનતી કોશિશ કરવાની ખાતરી આપી છે. બલિઠા, સલવાવ ગામના સરપંચો, સભ્યો અને ગામલોકોએ બલિઠા ROB ને ફોરલેન કરવા બાબતે પારડી વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્સના મંત્રી કનુભાઈ દેસાઈ સમક્ષ તેમજ વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરા બેન શાહ સમક્ષ તેમજ PWD ના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી. ત્યારે હવે જોઉં રહ્યું કે આ રજુઆત કેટલી સફળ થાય છે.
ઉલ્લેખનીય છે કે, બલિઠા ROB પ્રોજેકટની 2016માં મંજૂરી મેળવ્યા બાદ 2021 સુધીમાં આ બ્રિજના મામલે મોટાપાયે રાજકારણ રમાઈ જતા બ્રિજની આખી ડિઝાઇન બદલાવ્યાં બાદ હાલમાં પણ પ્રોજેકટ ઘોંચમાં પડ્યો છે. આ અંગે તપાસ બાદ મળતી ચોંકાવનારી વિગતો મુજબ વર્ષ 2016માં આ બ્રિજ પાસ થયા બાદ 2018માં તેની ડિઝાઇન તૈયાર કરી હતી. જે ડિઝાઇન મુજબ બલિઠા ના પશ્ચિમ વિસ્તાર તરફથી પૂર્વમાં હાઇવે નંબર 48 પર રાઉન્ડ શેપમાં બ્રિજ નો છેડો હાઇવે પર ઉતરતો હતો. જો કે નેશનલ હાઇવે પર જ્યાં આ બ્રિજ નો છેડો આવતો હતો તે છેડે ભાજપના નેતાઓની મિલકત, ગામના પંચાયતના સભ્યોની જમીન તેની નજીક બિલ્ડરોની અને ભાજપના કાર્યકરોની જમીન-પ્લોટ છે. જે કરોડો ની કિંમતના હોય એને બચાવવા ગામના સરપંચ-ઉપસરપંચ ને સાથે રાખી આ જ કનુભાઈ સામે તેમજ સાંસદ સહિતના રાજકીય આગેવાનો સમક્ષ ભલામણ કરી બ્રિજની ડિઝાઇન બદલાવી હતી. હવે ફરી સિંગલ લેન બ્રિજને ફોરલેન બ્રિજ બનાવવાની રજુઆત કરી છે. અને જો બ્રિજ ફોરલેન બને તો ચોક્કસ વાપી અને નેશનલ હાઇવે પર ઉભી થતી ટ્રાફિકની સમસ્યા 100 ટકા નિવારી શકાય તેમ છે. એટલે કનુભાઈએ ગમલોકોની રજુઆત કાને ધરવી જરૂરી છે.