Friday, October 18News That Matters

વાપીમાં ઓટિઝમ પર જાગૃતિ લાવવા અને લોકોમાં વ્યાપ્ત માન્યતાઓ અને ભ્રમને નાબૂદ કરવા જાગૃતિ શિબિરનું આયોજન કરાયું….!

ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર (ASD) અથવા ઓટીઝમ એ ન્યુરોબાયોલોજીકલ ડિસઓર્ડર છે. ઓટીઝમ ધરાવતી વ્યક્તિઓને અન્ય લોકો સાથે વાતચીત કરવામાં મુશ્કેલી પડે છે. વિશ્વમાં કુલ વસ્તીના 2 ટકા લોકો આનો ભોગ બનેલા છે. ત્યારે, વાપીમાં વિવિધ સંસ્થાઓએ સાથે મળી ઓટિઝમ પર જાગૃતિ લાવવા અને લોકોમાં વ્યાપ્ત માન્યતાઓ અને ભ્રમને નાબૂદ કરવા મેરિલ ખાતે એક જાગૃતિ શિબિરનું આયોજન કર્યું હતું.

16મી ઓગસ્ટ બુધવારે વાપીમાં આવેલ મેરિલ એકેડમી ચલા ખાતેના સુશ્રુત હોલમાં ઓટિઝમ પર જાગૃતિ લાવવા એક અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ વાપી, રોટરી ક્લબ ઓફ દમણ, જેસીઆઈ વાપી, ઈસ્કોન વાપી, સીએસ ઈન્ફોકોમ, ઓટિઝમ કનેક્ટ, ઓલ ઈન્ડિયા ક્રિકેટ એસોસિએશન ફોર ફીઝીકલ ચેલેન્જડ સહિતની વિવિધ સંસ્થાઓના સહયોગમાં આયોજિત આ શિબિરમાં ગાંધીવાદી ઉદ્યોગપતિ પદ્મશ્રી ગફુરભાઈ બિલખીયા, પૂર્વ ક્રિકેટર, ઓલ ઈન્ડિયા ક્રિકેટ એસોસિએશન ફોર ફીઝીકલ ચેલેન્જડના પ્રમુખ કરસન ઘાવરી અને મુંબઈ પોર્ટ ટ્રસ્ટના કમિટી મેમ્બર, વેલ્યુઅર એસોસિએશન ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ અવિનાશ પેન્ડસે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતાં.

જેઓએ ઉપસ્થિત આમંત્રિત શહેરીજનો, શાળા કોલેજના વિદ્યાર્થીઓને ઓટીઝમ અંગે વિસ્તૃત સમજ અને તેના લક્ષણો અંગે વાકેફ કર્યા હતાં. ઓટિઝમ અંગે લોકોમાં વ્યાપ્ત માન્યતાઓ અને ભ્રમને નાબૂદ કરવા, સમાજમાં ઓટિઝમ માટે સકારાત્મક પરિવર્તન લાવવા અને સુંદર વિશ્વની રચના કરવા સામાજિક, ઉદ્યોગ સાહસિક ભાવિન દેસાઈએ મિતલ પોટનીશ સાથે મળી આ શિબિરનું આયોજન કર્યું હતું. અધિવેશનમાં ઓટિઝમ સાથે જીવતા લોકોએ તેમની જરૂરિયાતો અને અનુભવ ઉપસ્થિત લોકો સમક્ષ મુક્યા હતાં. કાર્યક્રમમાં વાપી ડિવિઝનના DYSP બી. એન. દવે, પાલિકા ઉપપ્રમુખ અભય શાહ, ઇસ્કોન સંસ્થાના સંતો સહિત અન્ય ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.

ઓટીઝમ જાગૃતિ અંગેના આ અધિવેશનમાં કરસન ઘાવરી અને અવિનાશ પેન્ડસેએ જણાવ્યું હતું કે, વિશ્વમાં કુલ વસ્તીના 2 ટકા લોકો આનો ભોગ બનેલા છે. આ લા-ઈલાજ માનસિક બીમારી છે. સૌ પહેલા થયેલ સંશોધનમાં આ બીમારી બાળકમાં માતા દ્વારા આવે છે. જો કે હાલના સંશોધન મુજબ પિતા દ્વારા પણ આ બીમારી બાળકમાં આવતી હોવાનું ફલિત થયું છે.

વિશ્વ સ્વલીનતા (ઓટીઝમ) અંગે દર વર્ષે 2જી એપ્રિલે વિશ્વ ઓટીઝમ દિવસની ઉજવણી કરવામાં આવે છે હિન્દીમાં તેને સ્વલીનતા અથવા आत्मविमोह પણ કહે છે. આ બીમારીથી ગ્રસિત લોકોનો માનસિક રીતે અન્ય લોકો જેવો સામાન્ય વિકાસ થતો નથી. બાળકો એકની એક ક્રિયા વારંવાર કરે છે. ભાષા અને ઇશારાથી સમજવામાં તકલીફ અનુભવે છે. આ ખામી ગર્ભસ્થ બાળકના વિકાસમાં આનુવંશિક કારણોથી ઉદભવે છે.

સ્વલીનતા એ જીવનભર રહેનારી સ્થિતિ છે. જેટલી જલ્દી બાળકમાં આ ખામી જાણવામાં આવે કે તરત જ મનોચિકિત્સક કે મનોવિજ્ઞાની પાસે જવું જરૂરી છે. આ ખામીમાં ધીરજથી બાળકની સંભાળ જરૂરી છે. આના માટે કોઈ ખાસ દવા કે ચિકિત્સા હજુ શોધાઈ નથી. પ્રેમ અને હુંફથી બાળકની કાળજી લેવી જરૂરી છે. લેભાગુ અને ઢાંગી લોકોના ચક્કરમાં ફસાવું નહી. આ માનસિક વિકાસ સંબંધી ખામી છે. તે સંપૂર્ણ દૂર કરી શકાતી નથી પણ હકારાત્મક અભિગમથી સારવાર કરવામાં આવે તો વ્યક્તિ શાંતિથી પોતાની જરૂરિયાતો પૂરી કરી જીવી શકે તેટલી કેળવણી આપી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *