Friday, January 31News That Matters

ઉમરગામ વિસ્તારમાંથી ગુમ થયેલ ત્રણ સગીર વયની બાળકીઓને પોલીસે ગણતરીના કલાક માં જ શોધી પરિવારને સુપ્રત કરી

વલસાડ જિલ્લાના ઉમરગામ પોલીસે ઉમરગામ વિસ્તારમાંથી ગુમ થયેલ 3 સગીર બાળકીઓને ગણતરીની કલાકોમાં જ સુરત રેલવે સ્ટેશનેથી હેમખેમ પરત લાવી પરિવારને સુપ્રત કરવા સાથે મહત્વની સફળતા મેળવી છે.

આ અંગે વાપી ડિવિઝન વિભાગ ના DYSP બી. એન. દવે એ વિગતો આપી હતી કે, ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ત્રણ અલગ અલગ પરિવાર અને જ્ઞાતિ ની 3 સગીર વયની બાળાઓ ગુમ થઇ હતી. જે બાબતે તેમના વાલીઓએ પોલીસ મથક ખાતે આવી જાણ કરી હતી. જેથી ઉમરગામ પોલીસ મથકે PI પી. એ. વળવીએ તાત્કાલીક ગુનો રજીસ્ટ્રર કરી બાળાઓને શોધી કાઢવા તજવીજ હાથ ધરી હતી.

એક સાથે 3 સગીર બાળાઓ ગુમ થઈ હોય એ ઘટનાને ગંભીર ગણી ગુમ થયેલ બાળાઓને શોધવા માટે વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રાજદિપસિંહ ઝાલા, તથા નાયબ પોલીસ અધિક્ષક બી.એન.દવે, વાપી વિભાગની સુચના અને માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ તમામ ટીમો દ્રારા હ્યુમન રિર્સોસીંગ અને ટેકનિકલ રિર્સોસીંગના આધારે તપાસ કરતા આ ત્રણેય બાળાઓને ગણતરીના કલાકમાં સુરત રેલ્વે સ્ટેશનથી શોધી લાવી વાલી વારસોને પરત સોપવામાં આવી હતી.

સુરત રેલવે સ્ટેશન થી ઉમરગામ પોલીસ પરત લાવી…..

ત્રણેય બાળકીઓને હેમખેમ લાવ્યા બાદ તેમની પૂછપરછ માં પોલીસને પ્રાથમિક વિગતો મળી હતી કે, ત્રણેય બાળકીઓ એકબીજાની બહેનપણી છે. જેમાં એક બાળકીને તેમના પરિવારજનોએ સામાન્ય ઠપકો આપતા તેનું મનદુઃખ રાખી નારાજ થઈ ઘરેથી નીકળી ગઈ હતી. જેમાં અન્ય બંને બહેનપણીઓએ પણ તેને સાથ આપી તેની સાથે નીકળી હતી. ત્રણેય બાળાઓ ઉમરગામથી ટ્રેનમાં બેસી સુરત રેલવે સ્ટેશને ઉતરી હતી. જો કે આ સમયગાળામાં પોલીસે સુરત રેલવે સ્ટેશને જાણ કરી હોય સુરત રેલવે સ્ટેશને રેલવે પોલીસે ત્રણેય બાળકીઓને શોધી કાઢી સમજાવટથી તેમની પાસે રાખી હતી. જે બાદ ઉમરગામ પોલીસને જાણકારી આપી હતી.

બાળકીઓના વાલીઓએ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી…..

ઉમરગામ પોલીસ મથકના PI પી.એ.વળવી અને તેની ટીમે તાત્કાલિક સુરત પહોંચી બાળકીઓનો કબ્જો લીધો હતો. જેઓએ ઉમરગામ પરત આવી બાળકીઓને તેમના પરિવારને સોંપી હતી. ઉલ્લેખનીય છે ઉમરગામ પોલીસે ગુમ થયેલ ત્રણેય બાળાઓને હેમખેમ પરત લાવી મહત્વની સફળતા મેળવતા ઉચ્ચ અધિકારીઓ અભિનંદન પાઠવ્યા હતા તો બાળકીઓના વાલીઓએ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *